વેકેશનમાં ધાર્મિક પ્રવાસ-પિકનિકની સાથે પ્રખ્યાત વાનગીઓની મોજ માણીએ

Published: Oct 28, 2019, 13:41 IST | ખાઈ પીને મોજ- પૂજા સાંગાણી | અમદાવાદ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે શું ખાશો?, જૂનાગઢમાં લચકો ભેળ, ગીરનાં જંગલો અને કાઠિયાવાડી ભોજનની જોડ ન મળે; દ્વારકાની મસાલા ખીચડી અને ઓસામણ જરૂર ખાજો.

પાણી પૂરી
પાણી પૂરી

સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે શું ખાશો?, જૂનાગઢમાં લચકો ભેળ, ગીરનાં જંગલો અને કાઠિયાવાડી ભોજનની જોડ ન મળે; દ્વારકાની મસાલા ખીચડી અને ઓસામણ, ગણેશપુરામાં લાલ
મસાલાની પાણીપૂરી, શિહોરના પેંડા, મહેસાણા પાસેનાં ભાખરી-શાક, વડતાલની ખીચડી અને સેવ-મમરાનો મસાલો. પ્રવાસ દરમિયાન કઈ-કઈ પ્રખ્યાત વાનગીઓ માણી શકાય એ જાણો

દિવાળી તો ગઈ અને બેસતું વર્ષ પણ આવી ગયું. આપણા ગુજરાતીઓને અઠવાડિયાનું તો વૅકેશન હોય જ. ધંધાદારીઓ કદાચ ટૂંકું વૅકેશન રાખે પરંતુ સ્કૂલોમાં તો વીસ દિવસનું વૅકેશન હોય. નોકરી કરતાં હોવ કે ધંધો, દિવાળી આવે એટલે ફરવા જવાની મોજ જ કંઈક અલગ છે. અમુક લોકોએ તો છ મહિના પહેલાં જ અલગ-અલગ સ્થળનું બુકિંગ કરાવી લીધું હશે જ્યારે અમુક લોકો બેથી ત્રણ દિવસનો ટૂંકો પ્રવાસ કરીને મોજ માણશે. આજકાલ તો સરકારે એવું આયોજન કર્યું છે કે ધાર્મિક સ્થળોની આસપાસ પણ પિકનિક સ્પોટ થઈ ગયાં છે જ્યારે અમુક એક્સક્લુસિવ પિકનિક સ્પોટ છે. તો આજે આપણે નાના-મોટા પ્રવાસ અને ધાર્મિક યાત્રાની સાથે ખાઈ-પીને મોજ કરીશું.
તો ક્યાંથી શરૂઆત કરીશું? હા... ચાલો. આજકાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહુ ચર્ચા છે. ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા આવી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ તેનો લાભ લીધો છે, પણ ત્યાં ખાવું શું? આમ તો આ જગ્યાએ ખાસ કોઈ જાણીતા ફૂડ જૉઇન્ટ નથી પરંતુ રસ્તામાં જતાં કાચી કાકડી, બોર અને બાફેલી મકાઈ ખાવાની ખૂબ મોજ આવે છે. જો રાજપીપળાથી જતાં હોવ તો રાજપીપળા બસ સ્ટેન્ડ પાસે ભજિયાં અને બીજાં ફરસાણની દુકાનો છે. ત્યાં ગરમા-ગરમ ચા અને ફરસાણની મોજ કરી શકાય. બાકી સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ નજીક હજુ એટલાં જાણીતાં ખાણી-પીણીનાં સ્પૉટ ડેવલપ થયાં નથી. ઉપરાંત રાજપીપળા રોડ ઉપર ઠેર ઠેર કેળાની લાઇવ વેફરની અનેક વેરાઇટીઓ મળે છે.
જો તમે અમદાવાદથી જતાં હોવ તો વડોદરાથી આગળ જગદીશ ફરસાણવાળાનો ફૂડ મૉલ છે. ત્યાં ગરમાગરમ ખમણ, પેટીસ, સમોસા અને જાતજાતનો ગરમાગરમ નાસ્તો મળશે. તેવી જ રીતે, જો દક્ષિણ ગુજરાતથી આવતા હોવ તો સુરતની બહાર કામરેજ ચોકડી ઉપર બહુ મોટું ખાણીપીણી બજાર છે. લોચોથી લઈને સુરતી પેટીસ સુધીની મસ્ત વાનગીઓ મળે છે. ભરૂચથી પસાર થાવ તો જાતજાતની શીંગ લઈ લેવી. બહુ મોજ પડશે. પછી આજકાલ લોકો ગીર, સોમનાથ અને દીવ ખૂબ ફરવા જાય છે, તો ત્યાંનું કાઠિયાવાડી ફૂડ ખાવાની ખૂબ મજા આવે છે. કોઈ પણ હોટલ લઈ લો. સાવ સામાન્ય ઢાબો હોય પણ ત્યાં કાઠિયાવાડી જમણ ખૂબ મસ્ત હોય છે. ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં લચકો ભેળ ખાવાની ખૂબ મજા આવે છે. અહીં નારાયણની ભેળ અને અનોખા ચાટ ખાવાનો ખૂબ આનંદ છે. આ ઉપરાંત, હરિઓમના પેંડા પણ મસ્ત આવે છે. આ બન્ને જિલ્લામાં બ્રેડ કટકા ખાવાની પણ મોજ છે.
જૂનાગઢથી જો દ્વારકા જાઓ તો ત્યાં દ્વારકાધીશનું મંદિર તો છે જ પરંતુ એક અનોખી વાનગી મળે છે, જેને કહેવાય છે કે ‘ઓસામણ’. નહીં દાળ, નહીં કઢી જેવી આ વાનગી ખીચડી સાથે ખવાય છે અને ખવાય છે જ નહીં પણ ઘૂંટડે ને ઘૂંટડે પીવાની મજા આવે. દ્વારકાના બ્રાહ્મણોના ઘરે આ ખાસ બનાવાય અને કોઈ ઢાબા ઉપર જાવ અને રીક્વેસ્ટ કરો તો તમને બનાવી પણ આપે. કો’ક દી ટ્રાય કરજો. મેં એક સ્વામિનારાયણ મંદિરમાં આ ખીચડી અને ઓસમાણની મોજ માણેલી. નજીકમાં આવેલા જામનગરમાં જૈન વિજયની સૂકી કચોરી તો ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત બીજી અનેક દુકાનો છે. પછી વીરપુર જાવ તો જલારામ બાપાના મંદિરે ખીચડી તો ખાવી જ જોઈએ. રજવાડાનું ગામ એટલે કે ગોંડલ અને ત્યાં સ્વામિનારાયણ મંદિર, વિન્ટેજ કારનું મ્યુઝિઅમ અને રાજાનો મહેલ કે જ્યાં સલમાન ખાનનું મૂવી ‘પ્રેમ રતન ધન પાયો’નું શૂટિંગ થયેલું. અહીં રેલવે સ્ટેશન પાસે દરબારનાં પ્રખ્યાત ભજિયાં ખાધા વગર આવ્યા તો ગોંડલનો ધક્કો પડ્યો, એમ કહેવાશે. અહીં સ્વામિનારાયણ મંદિરની બહાર ચા પણ બહુ મસ્ત મળે છે. વધુમાં ત્યાં ભજિયાંનું શાક બજારમાં મળે છે, તે ખાસ ટેસ્ટ કરવું.
હવે જો ત્યાંથી ભાવનગર તરફ આવો તો ત્યાં મહુવા તાલુકામાં બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનું મંદિર છે. ત્યાંનું ભોજન લીધા વગર ના જતા. બગદાણાથી ભાવનગર તરફ આવો ત્યારે શિહોરમાં શિહોરી માતાનું મંદિર છે. ત્યાંના પેંડા મસ્ત આવે છે. અને હા, જો તમને કાંસાના વાસણનો શોખ હોય તો અહીં મોટું બજાર છે, જ્યાં તમારા શહેર કરતાં વ્યાજબી ભાવે કાંસાનાં વાસણો મળશે.
રાજકોટથી ચોટીલા તરફ જતાં હોવ તો ત્યાં હાઈ-વે ઉપર લાલા રઘુવંશી કરીને હોટલ આવે છે અને અહીં જરૂર ખાવા માટે રોકાઈ શકાય. અમદાવાદ તરફ આવતાં હોવ તો ખાસ સુરેન્દ્રનગર જવું અને ત્યાં નોવેલ્ટીના પરોઠા-શાક ખાધા વગર પાછા ના અવાય. અને હા, અત્યારે તો શિયાળો આવી ગયો એટલે ત્યાં તમારી નજર સામે કાળા અને સફેદ તલનું કચરિયું મળે તે ભાવતું હોય તો લઈ લેવાય. ધંધુકા પાસે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે. ત્યાં નજીકમાં ખાંભડા ગામના પેંડા બહુ સરસ આવે છે. રસ્તા ઉપર પણ માંડવા હોય છે, અેટલે ટેસ્ટ અને ખરાઈ કરીને લેવાય. ધોળકા તાલુકાના કોઠ ગામે ગણપતિ બાપાનું મંદિર આવેલું છે. ત્યાં કેળાની વૅફર તો ગરમાગરમ મળે જ છે પરંતુ ત્યાં આજકાલ લાલ મસાલાની પાણીપુરી ખૂબ પ્રખ્યાત થઈ છે. બટેટાના માવામાં લીલો ફુદીના-મરચાંનો નહીં પરંતુ લસણ અને લાલ મરચાંનો મસાલો નાખ્યો હોય છે. હેરિટેજ સિટી અમદાવાદમાં ગમે તે માગો તે વસ્તુ મળશે! અહીં રાત્રે માણેકચોક રાત્રિબજારમાં ભોજન કરવું.
ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરે જઈએ તો ત્યાં સ્વામિનારાયણ ખીચડી તો ખરી જ, પરંતુ નજીકમાં એક તૃપ્તિ આઇસક્રીમ પાર્લર આવેલું છે. ત્યાંના જાતજાતના ફૅન્સી આઇસક્રીમ, શેક અને લસ્સીની મોજ માણવા જેવી છે. ગાંધીનગરથી આગળ મહુડી જવાનું થાય તો ત્યાં નજીકમાં લોદરા ગામ આવેલું છે અને ત્યાં હસમુખના ખમણ અને પાત્રાની જ્યાફત માણવાની મજા આવશે. થોડુંક આગળ આંબોડ ગામ આવેલું છે. ત્યાંના હાઈ-વેનાં ભજિયાં ખૂબ ફૅમસ છે. ખેડા જિલ્લામાં વડતાલ ખાતે સ્વામિનાયારણ મંદિરે જાવ તો ત્યાં તળેલા પાત્રા, મગની દાળના દાળવડા ખાવાની બહુ મજા આવશે. ત્યાં ખીચડી અને સેવ-મમરાનો મસાલો પણ ખૂબ સરસ મળે છે. વડતાલથી નજીક કરમસદ આવેલું છે, જે લોહપુરુષ સરદાર પટેલનું ગામ છે. અહીં ભગવતીનાં ભજિયાં ખાઈને જ પેટ ભરી શકાય. ડાકોરના ગોટા તો ખરા જ પણ ત્યાં ‘દાબડા’ એટલે કે બટેટાની બે પતરી વચ્ચે મસાલો ભરેલાં સેન્ડવીચ ભજિયાં તો બહુ લોકપ્રિય છે.
વળી પાછા ઉત્તર ગુજરાત તરફ વળીએ તો ત્યાં બહુચરાજી મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, પાલનપુર નજીક અંબાજી માતાનું મંદિર અને પાટણની રાણ કી વાવ બહુ પ્રખ્યાત છે. આ વિસ્તાર એટલે કે મહેસાણા અને તેની આસપાસમાં ભાખરી-શાકના ઢાબા ઠેર ઠેર હોય છે અને મુખ્યત્વે પ્રજાપતિ સમુદાયના લોકો ચલાવે છે. તેનાં અલગ અલગ પ્રકારનાં શાક, કઠોળ અને મોટી તેમજ સોફ્ટ ગરમાગરમ ભાખરી પીરસવામાં આવે. લસણની ચટણી તો તેમની અનોખી હોય છે! હિંમતનગર બાજુથી જાઓ તો ગગન ગાંઠિયા તરીકે ઓળખાતા ચોકડી ગાંઠિયા ખાવાની સાથે ચા પીવાની ખૂબ મજા આવે. માતા અંબાનાં દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ તો આરોગવો જ જોઈએ પરંતુ થોડેક આગળ પ્રવાસ કરશો તો આબુ રોડની ચારભૂજાની કઢી કચોરી અને કઢી પાલક પકોડાનો ટેસ્ટ બીજે ક્યાંય નહીં મળે. રબડી તો ખરી જ! શ્રીનાથજીમાં મુખ્યત્વે ગુજરાતીઓ જ હોય છે તો ત્યાંની કચોરીનો ટેસ્ટ ખાસ કરજો. અંદરથી મગની દાળના સ્ટફિંગથી ભરેલી અને એકદામ ખસ્તા કચોરી હોય અને આંબોળિયાની ચટણી સાથે મસ્ત લાગે. અને ખાણીપીણી બજારમાં રતાળુનાં ભજિયાં, રતાળુ અને સાબુદાણા વડા તો ખાવા જ જોઈએ.
તો મિત્રો હજુ કંઈ બાકી રહી ગયું હોય તો મારા ઈ-મેલ ઉપર જણાવીને મને ફીડ બૅક આપજો. ચાલો હેપ્પી દિવાળી અને નૂતન વર્ષાભિનંદન!

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK