ઊભા-ઊભા માત્ર સેવ ખાવાની?

04 November, 2021 06:51 PM IST  |  Mumbai | Sanjay Goradia

હા, જો અમદાવાદના માણેક ચોકમાં મળતી આઝાદ સેવવાળાની સેવ હોય તો જવાબ આ જ છેઃ એક વાર ટ્રાય કરી જોજો, જલસો પડી જશે

ઊભા-ઊભા માત્ર સેવ ખાવાની?

આ વખતે પણ આપણી ફૂડ ડ્રાઇવ અમદાવાદમાં જ ફરવાની છે. અમદાવાદમાં અમારા નાટક ‘દે તાળી, કોના બાપની દિવાળી’ના શો ચાલુ અને શો એવી રીતે લાઇનઅપ કે વચ્ચે સમય જ મળે નહીં એટલે એક દિવસ મારે ખાસ સમય કાઢવો પડ્યો આપણી ફૂડ ડ્રાઇવ માટે. હું તો પહોંચ્યો માણેક ચોક. આ માણેક ચોક જૂના અમદાવાદનો સૌથી બિઝી એરિયા અને ખાવાની વરાઇટી માટે પણ બહુ પ્રખ્યાત. માણેક ચોકમાં કંઈક નવું શોધવાના ઇરાદે હું ફરતો હતો અને એવામાં મારું ધ્યાન એક બોર્ડ પર ગયું. 
આઝાદ સેવવાળા. 
સેવવાળા? ફરસાણવાળા હોય એ સમજાય પણ સેવવાળા અને સેવમાં તો એવું શું હોય કે તમારે તમારી જાતને આ રીતે સેવવાળા તરીકે ઓળખવી પડે? સાવ નાની ચાર ફુટ બાય બાર ફુટની દુકાન. હું તો ગયો એ આઝાદ સેવવાળાની દુકાને અને પૂછપરછ ચાલુ કરી. પણ સાહેબ, વાત સાંભળતાં-સાંભળતાં અને વરાઇટી જોતાં-જોતાં હું તો આભો થઈ ગયો. જાતજાતની અને ભાતભાતની સેવ અને એવી સેવ જેનો આપણે વિચાર પણ ન કર્યો હોય. રતલામી, બિકાનેરી, હિંગ અને આપણી રેગ્યુલર સેવ ને ઝીણી સેવ ને ચીઝ સેવ ને સ્પ્રિંગ અન્યન સેવ ને ટમટમ સેવ. સેવ ઉપરાંત નાસ્તાની બીજી વરાઇટી પણ ખરી. જાતજાતની સિંગ ને ચવાણાં ને ગાંઠિયા પણ એ બધામાં એક યુનિક આઇટમ બીજી દેખાય, સેવદાળ. સેવની આટલી વરાઇટી જોઈને હું તો દંગ રહી ગયો. મેં તો કર્યો ચીઝ સેવનો ઑર્ડર. કમાલની સેવ હતી. સહેજ તમને ચીઝનો સ્વાદ આવે અને એ પછી પણ સેવમાં રહેલી તીખાશનો સ્વાદ અકબંધ. 
આ જે સેવ છે એ આપણી રેગ્યુલર સેવ જેવી નહીં પણ પેલા ઝીણા ગાંઠિયાની સાઇઝની હોય. વડોદરામાં સેવઉસળમાં નાખે છે એવા ગાંઠિયાની સાઇઝની પણ એનો સ્વાદ બિલકુલ સેવનો જ. એક પછી એક મેં તો બધી વરાઇટી ટેસ્ટ કરી અને એ બધેબધી વરાઇટીમાં સ્વાદ બિલકુલ એના નામનો જ આવે. 
પૂછપરછ કરતાં ખબર પડી કે દરેક પ્રકારની સેવમાં જે-તે અવ્વલ આઇટમ જ વાપરવાની. જેમ કે ચીઝ સેવમાં લિક્વિડ મોઝરેલા ચીઝ જ વાપરવાનું, ચીઝનો પાઉડર સેવ ઉપર નહીં ચડાવવાનો. તમને જાણીને અચરજ થશે કે હિંગ સેવમાં જે હિંગ નાખે છે એ હિંગ ખાસ તે હાથરસથી મંગાવે છે અને એ હિંગનો ભાવ કિલોનો પંદર હજાર રૂપિયા છે. આમ તો હિંગનો છંટકાવ બધી સેવમાં આવે જ આવે, પણ હિંગ સેવમાં એ સ્વાદ સ્ટ્રૉન્ગ રીતે આવે અને એ ખાતી વખતે તમને હિંગની અરોમા પણ આવે. બધી સેવમાં હિંગ વાપરવાનું કારણ સમજાવતાં આઝાદ સેવવાળા ભાઈએ મને કહ્યું કે સેવથી ગૅસ થવાની કે પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે પણ હિંગ પાચક સત્ત્વ ધરાવે છે એટલે તમે ઊભા-ઊભા એક કિલો સેવ ખાઈ જાઓ તો પણ કોઈ તકલીફ નહીં પડે.
મને બીજી યુનિક આઇટમ કોઈ લાગી તો એ સેવદાળ. તમે જે ફ્લેવરની સેવદાળ માગો એમાં ચણાની તળેલી દાળ પણ ઉમેરવામાં આવે. સેવ એકલી ખાઓ તો સ્વાદ જુદો અને સેવદાળ ખાઓ તો સ્વાદ બદલાઈ જાય. અગત્યની વાત કહું તમને. અહીં મળતી એક પણ વરાઇટીની સાથે તમને ચટણી કે સંભારો કે કઢી-ચટણી કે પછી એવું કશું મળે નહીં. તમારે સેવ, સેવદાળ કે પછી તમે જે લીધું હોય એ એમ જ ખાવાનું. મને આ જાણીને નવાઈ લાગી એટલે મને કહેવામાં આવ્યું કે તમને એની કોઈ જરૂર નહીં પડે અને સાચું જ છે સાહેબ, સેવ ખાતી વખતે તમને એક પણ પ્રકારની બીજી આઇટમની જરૂર નથી પડતી. સ્વાદ પણ એવો અને સેવની કુમાશ પણ એવી કે તમને ગળે અટકે નહીં.
મિત્રો, ક્યારેય અમદાવાદ અને એમાં પણ માણેક ચોક જવાનું બને તો આ સેવ ટ્રાય કરવાનું ચૂકતા નહીં. ઘરે લઈ આવજો એવું નથી કહેતો, કારણ કે એ તો તમે ટ્રાય કર્યા પછી ખરીદી જ લેશો એની મને ખાતરી છે તો ભૂલતા નહીં, આઝાદની સેવ.

Sanjay Goradia Gujarati food mumbai food indian food