હવે આયંબિલ તપમાં પણ ફૅન્સી વાનીઓ બનવા લાગી છે

09 October, 2019 03:47 PM IST  |  મુંબઈ | ઓળી સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

હવે આયંબિલ તપમાં પણ ફૅન્સી વાનીઓ બનવા લાગી છે

આયંબિલ તપમાં પીરસાતી ફૅન્સી વાનીઓ

જૈનોની નવપદજીની ઓળી ચાલી રહી છે ત્યારે લાખો જૈનો હાલમાં દૂધ, દહીં, ઘી, ગોળ, ખાંડ, શાકભાજી, ફળ અને તેલ વિનાનું ભોજન કરીને સ્વાદત્યાગનું તપ કરતા હશે. જોકે યુવા વર્ગને આવા તપ તરફ વાળવા માટે હવે આયંબિલ ખાતાંઓમાં વિગઈ વગરની વિધવિધ વાનગીઓ બનવા લાગી છે. એ સ્વાદિષ્ટ તો છે જ, પણ જૈન ધર્મના આહારનિયમ અનુસાર જ બને છે. આજે જાણીએ મુંબઈની આયંબિલ શાળાઓની વાતો અને એમાં પ‌ીરસાતી અવનવી વાનગીઓ વિશે.

જૈન ધર્મમાં પર્યુષણ પર્વ ઉપરાંત નવપદજીની ઓળીના નવ દિવસો પણ અતિપવિત્ર ગણાય છે. ચૈત્ર અને આસો મહિનાની સુદ છઠ અથવા સાતમથી લઈને પૂર્ણિમા સુધીના ૯ દિવસોમાં જૈનો આયંબિલ તપ કરે છે. દિવસમાં એક વખત બેસીને તેઓ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, તળેલાં ફરસાણ, ફળો, શાકભાજી, હળદર, મરચું, એલચી જેવા મસાલા રહિત ખોરાક ગ્રહણ કરે છે જેને આયંબિલ તપ કહેવાય છે.

જૈન ધર્મમાં ઉપવાસ કરતા ઉણોદરીને મોટું તપ ગણ્યું છે. વિજ્ઞાન-બેઝ્ડ આ ધર્મ શરીરના પોષણ માટે ખોરાક ખાવાની વાત કરે છે એથી જ રસસ્વાદ વગરનો ખોરાક ખાઈને કરાતું આયંબિલ તપ શ્રેષ્ઠ અને મંગળકારી મનાય છે. આયંબિલને સંસ્કૃતમાં આચામામલા કહે છે. આચામ+આમ્લ. કોઈ પણ પ્રકારના ખાટા ને ચટાકેદાર સ્વાદનો ત્યાગ એટલે આચામામલા.

આયંબિલ કરવા માટે જૈન સંઘોમાં આયંબિલ શાળાઓ હોય છે અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ આયંબિલ તપ કરવા અહીં જાય છે. વિરારથી લઈને કોલાબા અને કલ્યાણથી સીએસએમટી સુધી મુંબઈમાં ૪૦૦થી વધુ કાયમી આયંબિલ ખાતાં છે, જ્યાં વર્ષના ૩૬૪ દિવસ (સંવત્સરી છોડીને)  આયંબિલ કરી શકાય છે. તો ૧૦૦ જેટલા સંઘમાં ચાતુર્માસના ચાર મહિના અને ઘણી જગ્યાએ બે નવપદજીની ઓળી દરમ્યાન આયંબિલ શાળા શરૂ કરાય છે.

મુંબઈમાં ૭ દાયકા પહેલાં આયંબિલ શાળા શરૂ થઈ હતી. આ કન્સેપ્ટ શરૂ કરવા પાછળનો હેતુ એ હતો કે તપસ્વીઓને સહેલાઈથી આયંબિલનું ફૂડ મળી શકે. ઘરની ગૃહિણી આયંબિલ કરે તો ઘરનું બધું જ કામકાજ કર્યા બાદ પોતાને માટે તપમાં ખાઈ શકે એવી એકાદ-બે વસ્તુઓ બનાવે એને બદલે તેને આ ખાણું ગરમાગરમ અને તૈયાર મળે તેમ જ કામકાજ અર્થે તળમુંબઈ આવતા પુરુષોને આ તપ કરવું હોય તો સુગમતા રહે એ માટે ભુલેશ્વર પાસે કુંભાર ટુકડાના જૈન સંઘમાં મુંબઈનું સૌપ્રથમ આયંબિલ ખાતું શરૂ થયું. પછીનાં વર્ષોમાં એ જ વિચારને અનુસરીને મુંબઈમાં જ્યાં-જ્યાં જૈનોની  મોટી વસ્તી હોય ત્યાં આયંબિલ શાળા શરૂ થઈ. ફક્ત રેસિડેન્શિયલ એરિયામાં જ નહીં, બજારોમાં પણ આયંબિલ ખાતાની સગવડ  કરવામાં આવી. આજે તો ઉત્તરથી દક્ષિણના પૂર્વથી પશ્ચિમ ભારતનાં દરેક મોટાં શહેરોમાં તેમ જ યુએસએનાં અમુક સિટી, લંડન, દુબઈ, નૈરોબી, હૉન્ગકૉન્ગ જેવાં શહેરોમાં પણ ઓળી દરમ્યાન આયંબિલ શાળા ચાલે છે અને દર વર્ષે હજારો ભાવિકો અહીં આયંબિલ તપ કરે છે.

ફક્ત મુંબઈની જ વાત કરીએ તો નવપદજીની ઓળીના દિવસો છોડીને આખું વર્ષ ઑન ઍન ઍવરેજ દરરોજ ૩૦૦થી વધુ વ્યક્તિઓ શહેરની વિવિધ આયંબિલ શાળામાં આયંબિલ કરે છે. તો ઓળીના દિવસોમાં આ સંખ્યા ૧૦થી ૧૨ હજાર સુધીની થઈ જાય છે.

દેશ-પરદેશમાં ચાલતાં આયંબિલ-ખાતાંની બીજી મહત્વની વાત એ છે કે આ આખી સગવડ દાતાઓનાં દાન વડે ચાલે છે. આયંબિલ માટે અહીં આવનાર ભાવિકો પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવાતો નથી, વર્ધમાન તપના તપસ્વીઓ સેંકડો આયંબિલ કરે તો પણ અને વર્ષમાં છૂટક-છૂટક બે-ચાર આયંબિલ કરે તો પણ. હજારો સંઘોમાં અનેક વર્ષોથી ચાલી આવતી આ વ્યવસ્થા ખરેખર અનન્ય છે.

વેલ, આ તો થઈ ‍આયંબિલ તપ અને આયંબિલ શાળાની વાત. હવે કરીએ આયંબિલ ફૂડની વાતો, બટર, ઑઇલ, મસાલા, વેજિટેબલ, ફ્રૂટ વગરનું. ફક્ત બાફેલી દાળ, કઠોળ, લુખ્ખી રોટલી જેવું ખાવાનું કેવું હોઈ શકે? સાવ બેસ્વાદ અને નીરસ જ વળી! જો એમ માનતા હો તો સબૂર. અહીં વેલકમ-ડ્રિન્કમાં જલજીરાની અવેજીમાં હિંગ-મરીનો ઉકાળો અને મુખવાસમાં પૉપકૉર્ન, કુરકુરે અને રોસ્ટેડ મગની દાળ પણ હોય છે અને એ સાથે જ સ્ટાર્ટરમાં ભાતનાં શેકલાં, ખીચું, મગની દાળની પાનોલી, ત્રિરંગી ઢોકળાં, મેઇન ડિશમાં ૬ પ્રકારની દાળ, કઠોળ, પાપડ, ગાંઠિયા, વડી, ગટ્ટા, ડબકાંનું શાક. ઘઉં, ચણા, ચોખા, બાજરી, જુવાર, મકાઈની રોટલી, ભાખરી, બાટી, ખાખરા, ભાત, ખીચડી, ભૈડકું, ઘૂઘરી ઘેંસ. સાઇડ ડિશમાં દાળ-ઢોકળી, દાલબાટી, પૂડલા, ઇડલી-ઢોસા, ચટણી સાંભાર,  પાણીપૂરી, સેવપૂરી, દાલ-પકવાન, ભેળ, પીત્ઝા, સેવ-ખમણી. સૂકા નાસ્તામાં સેવ-મમરા, રોસ્ટેડ ચેવડો જેવી ૫૦થી૬૦ આઇટમો આયંબિલ ખાતામાં બને છે. આ વિશે વધુ વાત કરતાં શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી અને સેક્રેટરી મનોજભાઈ શાહ કહે છે, ‘મૂળે આયંબિલ રસ-ત્યાગનું તપ છે. સ્વાદ પ્રત્યેના મોહનો છેદ થાય એ માટે આ તપ કરાય છે, પરંતુ ઘણા ભાવિકોને, યુવાનોને, બાળકોને આવા રસાસ્વાદ વિનાના ખોરાકનો આસ્વાદ કર્યા વગર આયંબિલ પ્રત્યે એક પ્રકારનો અણગમો હોય છે. જૈન ધર્મના અત્યંત પ્રતિભાશાળી તપ પ્રત્યેનો અભાવ દૂર થાય તેઓ આયંબિલમાં જોડાય એ માટે અમે આયંબિલ ખાતામાં અવનવી વાનગી બનાવીએ છીએ અને એને કારણે ખરેખર યુવાનો અને બાળકો આયંબિલ કરતાં થયાં છે. ૬૦ વર્ષ પૂર્વે શરૂ થયેલા અમારા  કાયમી આયંબિલ ખાતામાં ઓળી દરમ્યાન રોજના ૯૦૦થી ૧૦૦૦ ભાવિકો આયંબિલ કરવા આવે છે. બે વર્ષ પહેલાં અમારે ત્યાં ચોમાસાના ચાર મહિના દરમ્યાન ૫૯,૦૦૦ આયંબિલ થયાં હતાં જે  એક રેકૉર્ડ છે.’

બાદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ભારત ડાયમન્ડ બુર્સ દ્વારા સાડાપાંચ વર્ષથી નવપદજીની  ઓળી દરમ્યાન આયંબિલ ખાતું ચાલે છે. એના સંચાલક પ્રકાશભાઈ સંઘવી-જીવદયા ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારે ત્યાં દરરોજ ૧૦૦૦થી વધુ  ભાવિકો આયંબિલ કરવા આવે છે, જેમાં જૈનો ઉપરાંત  અન્યધર્મીઓ પણ હોય છે. ત્રણ વખત તો અમારી બજારમાં કોઈ વેપારીને ત્યાં આવેલા ફૉરેનર  ક્લાયન્ટ્સ અહીં જમવા આવ્યા હતા અને આ વીગન તેમ જ ડાયટ-ફ્રી ફૂડ ખાઈને ખુશખુશાલ થઈ ગયા હતા.  આ ૯ દિવસ માટે અમારે ત્યાં પાલિતાણાથી સ્પેશ્યલ મહારાજ આવે છે તેઓ એકથી એક એવી ચડિયાતી વાનગીઓ બનાવે છે કે એ ખાઈને ખબર પણ ન પડે કે આમાં તેલ, બટર કે મસાલા નથી. અમે બધું જ ફૂડ જૈન આચાર નિયમ મુજબ બનાવીએ છીએ. ચોમાસામાં ઘણી ચીજો ઉપરાંત પાપડ પણ નથી વાપરતા છતાં કોઈ તપસ્વીને એમ નથી થતું કે આ આઇટમ નથી કે પેલું બન્યું નથી.’

જન્ક ફૂડમાં મસ્ત ને મોબાઇલમાં વ્યસ્ત રહેતી યુવા પેઢી આયંબિલ તપ કઈ રીતે એન્જૉય કરે છે એ જોઈએ...

એવું ભાવથી પીરસાય છે કે બધી વાનગીઓનો ટેસ્ટ એનહૅન્સ થઈ જાય છે

મુલુંડમાં રહેતો ૨૬  વર્ષનો  ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાહુલ શાહ વર્ધમાન તપની ૧૦મી ઓળી કરે છે. બે વર્ષથી જ આયંબિલ કરતાં શીખેલો રાહુલ કહે છે, ‘આયંબિલ શાળામાં અનેક અલગ-અલગ વસ્તુ હોય છે. દરરોજ ડિફરન્ટ કૉમ્બિનેશન સાથે એવું સરસ પ્રેમથી પીરસાય છે કે મને બધું જ ભાવે છે. સાઇડ ડિશની આઇટમ્સ ટેસ્ટ બ્રેક કરે છે એની વરાઇટી બનાવવા કાર્યકરો અને રસોઈયા બહુ રિસર્ચ કરતા હોય છે.’

ઘરે રોટલી નથી ખાતી, પણ આયંબિલની રોટલી અને મગ ઓસમ છે

નેપિયન સી રોડની વોલસિંઘમ હાઈ સ્કૂલમાં નાઇન્થ સ્ટાન્ડર્ડમાં ભણતી વિરાગી સાવલા પહેલી વખત ઓળીનાં ૯ આયંબિલ કરી રહી છે. ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં રહેતી વિરાગી કહે છે, ‘ઘરે મમ્મી રોટલી ખાવા માટે મારી પાછળ પડી જાય છતાં હું નથી ખાતી, પણ આયંબિલની કોરી રોટલી અને મગ મને બહુ જ ભાવે છે. નાચણીની રાબ પણ મારી ફેવરિટટ છે.’

રસ-સ્વાદનો કન્ટ્રોલ એટલે તમામ સેન્સિસ પર કન્ટ્રોલ‍

કાંદિવલી-ઈસ્ટમાં રહેતી અક્ષતા શાહની નવપદજીની ચોથી ઓળી છે. ૩૦ વર્ષની અક્ષતા કહે છે,   ‘આયંબિલમાં ટેસ્ટને બાજુએ મૂકીને શરીરના ઈંધણરૂપે ખોરાક ખાવાની આદત પડે છે અને ત્યારે ઑટોમૅટિકલી મન પર કન્ટ્રોલ આવી જાય છે. એ કન્ટ્રોલ આંતરિક શક્તિઓને ઉજાગર કરવામાં મદદરૂપ બને છે જેથી નેગેટિવિટી દૂર થાય છે અને મનની ઊર્જા શુભતત્વ તરફ વળે છે.’

આ પણ વાંચો : પીત્ઝા ને નૂડલ્સ તો બહુ ખાધાં હવે હમસ અને ફલાફલ ખાઓ

આયંબિલથી બૉડીનું ડિટોક્સિફિકેશન થતાં વધુ એનર્જેટિક ફીલ કરું છું

ફોર્ટમાં રહેતી રિંકલ કારિયા ગયા વર્ષથી ઓળી કરે છે. સ્કૂલમાં કાઉન્સેલર તરીકે કાર્યરત ૩૪ વર્ષની  રિંકલ કહે છે, ‘આયંબિલના સા‌‌ત્વ‌િક ફૂડથી શરીરની સાથે મન પણ હળવું રહે છે. આ ડાયટમાં કોઈ રીચ ફૂડ નથી હોતું છતાં આખો દિવસ એનર્જી રહે છે. ઇન ફૅક્ટ ભારે ખોરાક પચાવવા શરીરે જે શક્તિ વાપરવી પડે છે એ બચી જાય છે એથી તમે એનર્જેટિક રહો છો.’

indian food Gujarati food