પીત્ઝા ને નૂડલ્સ તો બહુ ખાધાં હવે હમસ અને ફલાફલ ખાઓ

Published: Oct 07, 2019, 14:06 IST | ખાઈ પી ને મોજ- પૂજા સાંગાણી | મુંબઈ

વિદેશી વાનગીઓ અનહેલ્ધી જ હોય છે એવું નથી, આ લેબનીઝ વાનગીઓ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે અને આરોગ્યની દૃષ્ટિએ પણ સારી છે. બાળકોને વિદેશી જન્ક-ફૂડને બદલે હેલ્ધી ફૂડ તરફ વાળવા હોય તો આ રહી હમસ અને ફલાફલ વિશેની રસપ્રદ વાતો અને રેસિપી

હમસ અને ફલાફલ બનાવતા શીખો
હમસ અને ફલાફલ બનાવતા શીખો

ખાવા-પીવામાં આપણે વિદેશી ફૂડ-કલ્ચરને હોંશે-હોંશે અપનાવી લીધું છે અને એને હોંશે-હોંશે ખાઈએ છીએ પણ ખરા, પરંતુ ફૂડ મુખ્યત્વે એ દેશના પ્રદેશની ભૌગોલિક સ્થિતિ અને હવામાન આધારિત હોય છે એટલે અમુક પ્રકારનું ફૂડ અમુક પ્રદેશના લોકોને જ વધુ અનુકૂળ આવે, જ્યારે એ ફૂડ અન્ય પ્રદેશમાં આરોગવામાં આવે તો એ દેશની વ્યક્તિને એનું અનુકૂલન સાધવામાં ખૂબ મુશ્કેલી પડે છે. અલબત્ત આપણા શરીરની બનાવટ ઈશ્વરે એવી બનાવી છે કે કોઈ પણ ખોરાક પચી જ જાય છે છતાં મેં આગળ કહ્યું એમ ભૌગોલિક સ્થિતિ અને હવામાન ખૂબ જ અસર કરે છે. જે-તે વિસ્તારનું પાણી, ઉષ્ણતામાન, આબોહવાથી શરીર ટેવાઈ જતું હોય છે અને એ વિસ્તારમાં ઉત્પન્ન થતી ખેતપેદાશો ત્યાં જ વસતા લોકોને વધુ અનુકૂળ આવે છે એથી જે વિદેશી લોકોનો રોજનો ખોરાક હોય એ આપણે રોજ ખાઈએ તો અનુકૂળ આવતો નથી.
આટલીબધી વિદેશી ફૂડની વાત મેં કેમ કરી લીધી એનું એક કારણ પણ આપને જણાવી દઉં કે આપણે પીત્ઝા, બ્રેડ, નૂડલ્સ, ચીઝ, ગાર્લિક બ્રેડ, નાન, બર્ગર, સૅન્ડવિચ વેગેરે વાનગીઓએ જેનાં મૂળિયાં વિદેશમાં છે એ રોજબરોજના ખોરાકમાં આરોગવાનું શરૂ કરી દીધું છે. દરેક વિદેશી વાનગીઓને આપણે દેશી સ્વરૂપ આપી દીધું છે અને અમુક વાનગીઓમાં તો ભારતીય પેદાશ નાખીને ભારતીય સ્વાદ મુજબ બનાવવામાં આવતી હોવાથી પચી જાય છે. ધારો કે પીત્ઝામાં મુખ્ય સામગ્રી મેંદો અને ચીઝ હોય છે જે પચવામાં ભારે પડે છે અને બે દિવસે પેટમાં એનું પાચન થાય છે એવો ઘણા નિષ્ણાતોનો મત છે. એવી જ રીતે નૂડલ્સ પણ મૂળ મેંદાની જ વાનગી છે એમાં પણ જાતજાતના ફેરફાર કરીને ભારતીય અનુકૂળતા મુજબ હવે ઘઉં અને ઓટ્સ બજારમાં મળતાં થઈ ગયાં છે. આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી મૂળ મુદ્દા પર આવું તો મારે આજે હમસ નામની વાનગીની વાત કરવી છે કે જે છોલે ચણા કે કાબુલી ચણામાંથી બને છે અને વિદેશી વાનગી હોવા છતાં આરોગ્ય અને ટેસ્ટની દૃષ્ટિએ આપણે એને અપનાવીએ તો ખૂબ જ ટેસ્ટી અને નાના-મોટા સૌને ભાવે એવી છે.
જો તમે પીત્ઝા ખાતા હો તો હમસ તો ખાવું જ જોઈએ. શરીરને અનુકૂળ, પૌષ્ટિક અને પચવામાં સરળ એવી આ વાનગી વિદેશી કુળની છે અને એણે ભારતીય રેસ્ટોરાંના મેન્યૂ અને રસોડામાં ધીરે-ધીરે પગપેસારો કર્યો છે, પરંતુ એને માટે જોઈએ એવી જાગૃતિ આવી નથી. હમસ (hummus) મૂળ મધ્ય પૂર્વના દેશોમાં મળતી વાનગી છે એટલે કે દુબઈથી લઈને યુરોપના પ્રવેશદ્વાર એવા ટર્કી અને ગ્રીસ સુધી ખવાય છે. દુબઈ, બાહરિન, સાઉદી અરેબિયા, લેબનૉન, ઇરાક, ઈરાન, ટર્કી, ઇજિપ્ત, યમન અને ઇઝરાયલ જેવા દેશોમાં હમસ ભારે લોકપ્રિય છે અને સવારના નાસ્તામાં કે ભોજનમાં એનો છૂટથી ઉપયોગ થાય છે. બનાવવામાં એટલું સરળ છે કે તમને જો કુકિંગનું બેઝિક નૉલેજ હોય તો પણ બનાવી શકો છો. કાબુલી ચણા, તાહીની પેસ્ટ એટલે કે સફેદ તલની પેસ્ટ, ઑલિવ ઑઇલ, લીંબુ અને લસણનો પાઉડર અથવા છીણેલું લસણ. બસ આટલી જ સામગ્રી જોઈએ અને એ બન્યા પછી આરોગવાની નહીં, પરંતુ હું તો કહું કે ઝાપટવાની ખૂબ મજા પડે છે.
હમસના ઇતિહાસની વાત કરીએ તો ઈ.સ. ૧૩મી સદીમાં લખાયેલા પાકશાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. તએ મૂળ ક્યા દેશની વાનગી છે એનો દાવો કરવો ખૂબ મુશ્કેલ છે; પરંતુ લેબનૉન, ઇજિપ્ત અને ટર્કી જેવા દેશો પોતાની વાનગી હોવાનું કહી રહ્યા છે. ટર્કીએ તો આ વાનગી પર પોતાનો દાવો કર્યો હતો, પરંતુ હજી સુધી એના પુરાવા એકઠું કરી રહ્યું છે. હવે કયા દેશની વાનગી છે અને કોણે શોધી એ તો એક ઉલ્લેખ અને જાણકારીની વાત છે, બાકી આપણને તો ટેસ્ટથી જ મતલબ છે. હમસને આપણે કહીએ તો એક જાતનું છોલે ચણાના લોટનું ખીચુ કહી શકાય. હા, દેશી ભાષામાં તમે એને ‘છોલે ખીચુ’ કહી શકો.
છોલે ચણાને પલાળીને એને બાફીને એની પેસ્ટ બનાવવામાં આવે છે અને એમાં ઑલિવ ઑઇલ, તાહીની પેસ્ટ, લસણની પેસ્ટ, લીંબુ-મીઠું નાખીને તૈયાર કરીને ગરમાગરમ તૈયાર કરવામાં આવે છે. આ હમસ એટલું ટેસ્ટી હોય છે કે તમે એને રોટલી, ભાખરી, ખાખરો, ટાકોસ, નાચોઝ, કડક પૂરી, પીતા બ્રેડ, સાદી બ્રેડ કે કોઈ પણ મનગમતી ચીજ સાથે ખાઈ શકો છો. ઓરિજિનલી તો હમસ લેબનીઝ રોટી એટલે કે પીતા બ્રેડ સાથે ખવાય છે. હમસ સાથે જ એના ભાઈબંધ જેવું ફલાફલ પણ ખૂબ પૌષ્ટિક અને તળેલું ખાવાના શોખીન ગુજરાતીઓની જીભને જલસો પડી જાય એવી આઇટમ છે. હમસ અને ફલાફલ બન્ને છોલે ચણામાંથી જ બને છે અને પીતા બ્રેડ સાથે એની જુગલબંધી એવી જામે છે કે મજો પડી જાય. ફલાફલ તો ભજિયાંના શોખીનોને ખૂબ ભાવશે.
લેબનૉનમાં હમસ અને ફલાફલ ખૂબ ખવાય છે. લેબનીઝ રોટી એટલી મસ્ત હોય છેને કે એ આપણી ફૂલકા રોટીને મળતી આવે છે, પરંતુ આપણા ફૂલકા સાવ કાગળ જેવા પાતળા હોય છે જ્યારે લેબનીઝ રોટી જાડી હોય છે. લેબનીઝ રોટી બનાવીને એના વચ્ચેથી બે કટકા કરીને એના બે પડ વચ્ચે હમસ, ફલાફલ, જાતજાતનાં શાકભાજી અને ઉપર ચીઝ-સ્પ્રેડ કે મેયોનીઝ ખાવામાં આવે છે. દરેક દેશ પ્રમાણે એની અંદરની સામગ્રી વધતા-ઓછા પ્રમાણમાં બદલાતી જાય છે. ધારો કે મોટા ભાગના મધ્યપૂર્વના દેશોમાં હમસમાં ઑલિવ ઑઇલ વપરાય છે, જ્યારે ટર્કી જ્યાં પણ હમસ બહુ લોકપ્રિય છે તેઓ બટરનો ઉપયોગ કરે છે. એને ખાવાની બીજી એક રીત છે. હમસ તૈયાર કરીને એને એક બોલમાં નાખી દેવાય છે પછી વચ્ચે મોટી જગ્યા કરીને એની અંદર ઑલિવ ઑઇલ કે બટર ગરમ કરીને ભરી દેવાય છે. ત્યાર બાદ એને હલાવી દેવાનું અથવા હલાવ્યા વગર ઉપર લીંબુ છાંટીને કાકડી, ગાજર, બીટ, બ્રેડ સ્ટિક સાથે ખવાય છે. ગરમાગરમ ખીચુ ખાતા હો એના કરતાં પણ વધુ મજા આવે. વળી એમાં તમે જે પણ શાકભાજી સાથે ખાવા માગતા હો એની સાથે ખાઈ શકાય છે. શાકભાજીના રંગ પ્રમાણે રંગબેરંગી હમસ પણ બને છે.
 આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આ વાનગી તળેલી નહીં, પરંતુ બાફેલી છે એટલે કૉલેસ્ટરોલ વધવાનો પ્રશ્ન નથી. ઑલિવ ઑઇલનાં આરોગ્ય બેનિફિટનાં બહુ ગુણગાન ગવાય છે, પરંતુ એ છેવટે તો તેલ જ છે. તો જરૂર પૂરતું નાખીને ખાઈ શકો. ચણામાં ભરપૂર પ્રોટીન અને ફાઇબર હોય છે, લસણના શરીરને અનેક ફાયદા છે એટલે એના વિશે કહેવાની જરૂર લાગતી નથી. વળી તમને જો કાકડી, ટમેટાં, ગાજર, બીટ વેગેરે એકલાં ન ભાવતાં હોય તો એની લાંબી સ્ટિક બનાવીને હમસમાં ડીપ કરીને ખાવાની ખૂબ મજા આવે અને શરીરને પણ અનુકૂળ રહેશે. પીત્ઝા, નૂડલ અને પાસ્તાના આદતી થઈ ગયેલાં આપણાં બાળકોને આ વિદેશી વાનગીનો ચસકો લગાડશો તો વાલીઓને જ લાંબા ગાળે એનો ફાયદો રહેવાનો છે. તો જોઈ શું રહ્યા છો. લઈ આવો તમારા રસોડામાં હમસ અને ફલાફલ, કારણ કે આ વિદેશી વાનગી આપણે રોજના ભોજનમાં લેશો તો પણ ભારતીય વાતાવરણને અનુકૂળ આવે એમ છે અને પૌષ્ટિક પણ છે.


હમસ રેસિપી
સામગ્રી
☞ સૂકા સફેદ મોટા ચણા એટલે કે છોલે ચણા - ૧ કપ
☞ લીંબુનો રસ - ૧-૧/૨નંગ
☞ લસણ - ૪ થી ૫ કળી
☞ શેકેલા તલની પેસ્ટ (તાહીની) ૧ કપ
☞ જીરા પાઉડર ૧/૨ ચમચી
☞ ઑલિવ ઑઇલ ૧/૨ કપ
☞ કોથમીર ૧/૨ કપ 
☞ મીઠું સ્વાદ અનુસાર
હમસ બનાવવાની રીત
સૌથી પહેલાં ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.
પછી એને અધકચરા બાફી લો અને એનાં છોતરાં કાઢી નાખો. 
હવે ફૂડ-પ્રોસેસરમાં ચણા, લીંબુનો રસ, મીઠું, લસણ, તાહીની અને એકથી દોઢ ચમચી તેલ ઉમેરી સરસ ક્રીમી પેસ્ટ તૈયાર કરી લો.
હવે એક બોલમાં તૈયાર હમસ કાઢીને ઉપરથી ઑલિવ ઑઇલ, લાલ મરચું પાઉડર અને જીરા પાઉડર છાંટો અને ફલાફલ, કાચાં શાકભાજી અથવા પીટા બ્રેડ સાથે પીરસો.
  સૂચના ધ્યાનમાં રાખવી
️હમસની પર ઑલિવ ઑઇલ સાથે ઉપર અલગ-અલગ ટૉપિંગ મૂકી શકાય.
દા.ત. જીરા પાઉડર અને લાલ મરચું. તમને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે વસ્તુ નાખીને ફેરફાર કરી શકો છો.

ફલાફલ રેસિપી
સામગ્રી
☞ મગ ૧ કપ
☞ છોલે ચણા ૧ કપ
☞ ચણાનો લોટ ૨ ચમચી
☞ ઝીણી સમારેલી કોથમીર ૧ કપ
☞ લસણ ૧ ચમચી
☞ લીલા મરચાં/ આદુંની પેસ્ટ ૧ ચમચી
☞ મીઠું સ્વાદ અનુસાર
☞ તળવા માટે તેલ
રીત
સૌપ્રથમ મગ તથા છોલે ચણાને ૩-૪ કલાક પલાળી રાખો. ૨થી ૩ સીટી વગાડીને બાફી લો. એને પાણીથી બરાબર ધોઈને મિક્સરમાં અધકચરા પીસી લેવા અને સાથે કોથમીર,
આદું-મરચાની પેસ્ટ અને મીઠું નાખીને મિક્સ કરવું અને ફરી એક વખત પીસી લેવું. ખીરામાં ૨ ચમચી ચણાનો લોટ ઉમેરીને ભજિયાં તળી લેવાં.
તૈયાર છે ફલાફલ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK