ઘેરબેઠાં ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન સ્વાદની સફર

27 May, 2021 11:49 AM IST  |  Mumbai | Sanjay Goradia

‘ફોર્ટીફોર’ નામની આ રેસ્ટોરાંની અમુક વરાઇટી ઇન્ડિયન ટેસ્ટની હોવાને લીધે એનો સ્વાદ ચાર ચાસણી ચડી જાય છે

પ્લેટમાં જમણે દેખાય એ ચીઝ સેઝવાન ઢોસા, ચમચીમાં દેખાય એ મુલગા પુડી ઇડલી, જે બાઉલમાં ભાખરવડી ભરી હોય એવું લાગે એ કુંગ પાઓ પટેટો અને સામે દેખાય છે એ બકાસુર.

નવી-નવી ટેસ્ટ રાઇડનું પ્લાનિંગ ચાલુ છે, પણ આ જે લોકડાઉન છે એ ખૂલતું નથી એટલે પ્લાનિંગ એમ જ અટકેલું રહી જાય છે. જોકે લૉકડાઉન, ગવર્નમેન્ટ અને કોવિડ એનું કામ કરે એનો અર્થ એવો નથી કે આપણે બેસી રહીએ. ઘેરબેઠાં તો ફૂડ રાઇડ કરી જ શકાય છે અને આપણે સ્વિગી અને ઝોમેટોની રાઇડનો લાભ લઈએ છીએ.
બે દિવસ પહેલાં આવી જ રાઇડ મેં લીધી. લાગી કકડીને ભૂખ એટલે આપણે તો ફોન હાથમાં લઈને જોવાનું ચાલુ કર્યું. એક રેસ્ટોરાં મળી. નામ એનું ‘ફોર્ટીફોર’. 
44. નામ અસામાન્ય અને સીધું ગળે ઊતરે એવું નહોતું એટલે હું તો ગયો મેનુમાં. જોયું તો એમાં જાતજાતની વાનગીઓ હતી. સૅન્ડવિચ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ફ્રૅન્કી અને એવું કેટલુંય હતું. મેનુમાં એક વાનગી હતી મૂલગા પૂડી ઇડલી. આ મૂલગા પૂડી પાઉડર ફોમની ચટણી છે. તમે માટુંગાની કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં જાઓ એટલે ત્યાં તમને ઘી સાથે આ મૂલગા પૂડી પાઉડર આપે. ઘી ઉપર રેડીને આ પાઉડરની ચટણી ખાવાની. આ જે મૂલગા પુડી ઇડલી હતી એમાં ત્રણ ઇડલી હોય અને એની ઉપર આ પાઉડર છાંટેલો હોય. એમાં સાથે સાંભાર અને ચટણી આપે. અદ્ભુત ટેસ્ટ. ગરમાગરમ ઇડલી ઉપર મૂલગા પુડી પાવડરને કારણે એ જે ચટણી-પાઉડર છે એ ઇડલીમાં ઊતરી જાય અને તમને એની સોડમ પણ આવ્યા કરે અને સ્વાદ તો આવે જ.
‘ફોર્ટીફોર’માં અનેક ફૅન્સી ઢોસા પણ હતા. એ ઢોસામાંથી મેં ચીઝ સેઝવાન ઢોસા મગાવ્યો હતો. એ પણ એકદમ સરસ. તમને એક વાત કહું. ઓરિજિનલ સેઝવાન સૉસ તમે સાચે જ ચાઇનામાં જઈને ખાઓ તો એ સિસકારા બોલાવી દે એવો તીખો હોય છે, પણ આપણો ઇન્ડિયન સેઝવાન સૉસ તીખાશ સાથે થોડો ગળચટ્ટો હોય છે અને સિસકારા મારવા પડે એવો તીખો તો બિલકુલ નહીં. આ ઢોસામાં પણ એવું જ હતું, પણ ઢોસાની ક્રિાસ્પીનેસના કારણે સેઝવાનનો ટેસ્ટ પણ સાવ જુદો જ લાગતો હતો.
આ સિવાય એક ત્રીજી આઇટમ પણ મગાવી હતી. કુંગપાઓ પટેટો. ચાઇનીઝ આઇટમ છે અને ઑથેન્ટિક ચાઇનીઝ રેસ્ટોરાંમાં મળતી હોય છે, પણ ઓરિજિનલ રેસિપીથી જો એ બનાવવામાં આવે તો તમને ગળે પણ ન ઊતરે. જોકે ‘ફોર્ટીફોર’ની કુંગપાઉ પટેટો ખરેખર ભાવે એવી આઇટમ હતી. એનું કારણ એ કે એ આપણી ઇન્ડિયન સ્ટાઇલથી બનાવી હતી. ડિટ્ટો આપણો ટેસ્ટ. આ ત્રણ વરાઇટીમાંથી જો માર્ક્સ આપવાના હોય તો એ પણ તમે આઇટમ વાંચી એ જ ક્રમમાં. સૌથી પહેલા નંબરે મુલગા પુડી ઇડલી, બીજા નંબરે ચીઝ સેઝવાન ઢોસા અને ત્રીજા નંબરે કુંગ પાઓ પટેટો.
પ્રાઇસ રીઝનેબલ અને ટેસ્ટ અદ્ભુત. જો બહાર ગયા વિના બહારના ફૂડનો સ્વાદ માણવો હોય તો લો મોબાઇલ હાથમાં, ખોલો સ્વિગી-ઝોમેટો અને પહોંચી જાઓ ‘ફોર્ટીફોર’માં.

Sanjay Goradia columnists indian food