હું બનાવવા ગયો ઉપમા પણ બની ગઈ રાબ

13 November, 2019 03:26 PM IST  |  Mumbai | Rashmin Shah

હું બનાવવા ગયો ઉપમા પણ બની ગઈ રાબ

વિપુલ વિઠલાણી

ૉરંગભૂમિ અને ટીવી-સિરિયલના સ્ટાર વિપુલ વિઠલાણીને કુકિંગના બે એક્સ્પીરિયન્સ એવા થયા છે કે તે જીવનમાં ક્યારેય ભૂલી નથી શકવાના. છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે ચા બનાવવા જતાં એક ઍક્સિડન્ટ થયો અને તેમનો આખો ચહેરો દાઝી ગયો હતો તો થોડાં વર્ષો પહેલાં તેમણે પહેલી વાર ઉપમા બનાવવાની કોશિશ કરી, જે જોઈને ઍક્ટર મુકેશ રાવલે એને રાબની ઉપમા આપી દીધી હતી. રશ્મિન શાહ સાથે વિપુલ વિઠલાણી અહીં વાત માંડે છે પોતાના રસોડાના ઉધામાઓની.

કોઈ મને એવું પૂછે કે બનાવતાં શું આવડે તો મારી આંખ સામે બે ઘટના તરત જ આવી જાય. એમાંથી એક તો એવી ખતરનાક છે કે એ આજે પણ મને લિટરલી ધ્રુજાવી દે છે. અત્યારે પણ એ વાત યાદ કરતી વખતે મારા રૂંવાડાં ઊભાં થઈ ગયાં છે.

હું ત્યારે છઠ્ઠું ધોરણ ભણતો. મને પાકું યાદ છે કે એ દિવસે હોળી હતી અને મારી મોટી સિસ્ટર હર્ષા બીમાર હતી એટલે તે દવા લઈને સૂઈ ગઈ હતી. પાંચેક વાગ્યા હશે અને મને ભૂખ લાગી. જોયું તો નાસ્તા હતા ઘરમાં એટલે મેં તો જાતે ચા બનાવવાનું નક્કી કર્યું. ચા બનાવવી એ કંઈ મોટી વાત થોડી કહેવાય એવું હું માનું. મમ્મીને ચા બનાવતાં જોઈ હતી અને આછી સરખી રેસિપી પણ મોઢે હતી. મેં તો ચા મૂકી અને ચા બનવા માંડી પણ કોણ જાણે કેમ, ચામાં ઊભરો આવે એ જોવાની મને મજા આવી એટલે મેં તો ચા વધારેને વધારે ઉકાળવા માંડી. છઠ્ઠું ધોરણ ભણતા હોઈએ એટલે કુતૂહુલ પણ હોય કે આમ ચા કેવી રીતે ઉપર આવતી હશે. હું તો ઊકળતી ચાને જોઈને જરા રમતે પણ ચડ્યો. ગૅસ ફાસ્ટ કરું અને પછી ચા જોઉં, ગૅસ ધીમો કરીને પણ ચા જોઉં. મારું આ બધું ચાલતું હતું ત્યારે મને ખબર નહીં કે મારી પાછળ મારો નાનો ભાઈ સંજય આવી ગયો છે. યોયો નામનું પેલું રબરની દોરીમાં બૉલ ભરાયેલો હોય એ લઈને સંજય રમતો-રમતો અંદર આવ્યો અને તેણે રમત કરતાં-કરતાં યોયોનો બૉલ મારી તરફ ફેંક્યો. એ બિચારાને એમ કે હું તેની સામે જોઈશ ને એ બૉલ હું પકડી લઈશ, પણ મારી અંદર તો પેલો વૈજ્ઞાનિક જાગી ગયો હતો. ચા ઉપર આવે કેવી રીતે એ જોવામાં હું મશગુલ હતો એટલે મેં તો સંજય તરફ ધ્યાન ન દીધું અને યોયોનો બૉલ સીધો ગૅસ પરની પેલી ચાસણી જેવી બની ગયેલી ચાની તપેલી પર લાગ્યો અને આખી ચા મારા મોઢા પર.

સાહેબ, મોઢાની બધી ચામડી રીતસર ઊતરી ગઈ. એવો કદરૂપો થઈ ગયો હતો હું કે વાત ન પૂછો. બળતરા એવી કે આખા મોઢા પર ક્રીમ લગાડી દીધું હતું, પાંચ પર પંખો ફરે અને હાજર હતા એ બધા મને ફૂંક મારેને તો પણ બળતરા ઓછી થવાનું નામ નહીં. ડૉક્ટર પાસે ગયા પણ ડૉક્ટર આવ્યા નહોતા એટલે કમ્પાઉન્ડરે મલમ લગાડીને દવા આપી દીધી, જેણે બીજી સવારે રીઍક્શન આપ્યું અને વાત બગડી. સાચે જ, મને હજી પણ કંપારી છૂટી રહી છે. દુકાળમાં અધિક માસ જેવો ઘાટ અને એમાં પણ પાછો ઉમેરો. ફાઇનલ એક્ઝામ હતી અને ડૉક્ટરે ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી. મમ્મીએ જઈને વાત કરી એટલે મને ચડાવ પાસ કરી દેવાની ખાતરી સ્કૂલવાળાએ આપી. આ પ્રશ્ન સૉલ્વ થયો, પણ મારો જીવ મારા બાળનાટક ‘જાદુઈ ગુફા’માં અટવાયો હતો. એ મારું પહેલું નાટક અને એ નાટકમાં હું લીડ રોલમાં. આવા ચહેરે કેવી રીતે નાટક ઓપન થાય? પણ ઈશ્વર હતો સાથે. અમારા ડિરેક્ટર ઘરે આવ્યા અને મને કહ્યું કે જ્યાં સુધી તું સાજો નહીં થાય ત્યાં સુધી નાટક ઓપન નહીં કરીએ. ત્રણ મહિના લાગ્યા મને નૉર્મલ થવામાં. આ ત્રણ મહિનામાં તો હું આખી સોસાયટી માટે જોણું બની ગયો હતો. બધી માસીઓ તેનાં બાળકોને લઈને ઘરે મને દેખાડવા આવે. આવીને કહે, ‘તોફાન નહીં કરતો, નહીં તો આવું મોઢું થઈ જશે.’

મનમાં એક જ વાતની બીક કે ચહેરો સરખો નહીં થાય તો કેવી રીતે હું ઍક્ટિંગ કરીશ, પણ ઈશ્વરે સામે જોયું અને બધું સરખું થઈ ગયું. એ દિવસ અને આજનો આ દિવસ. મેં ચા બનાવવાની કોશિશ ક્યારેય કરી નથી. ક્યારેક કિચનમાં મારી વાઇફે ચા મૂકી હોય અને હું કંઈ કામસર અંદર જઉં તો પણ ઊકળતી ચા જોઈને મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

આ ઘટના પછી મેં જવલ્લે જ કિચનમાં કંઈ બનાવવાની હિંમત કરી હશે, પણ મને અત્યારે યાદ આવે છે કે એક વખત મને કકડીને ભૂખ લાગી અને આજુબાજુમાં કંઈ ખાવાનું પણ મળે એમ નહોતું. ઇન્સ્ટન્ટ મિક્સનું પૅકેટ ઘરમાં હતું. મેં નક્કી કર્યું કે એ વાંચી-વાંચીને હું ઉપમા બનાવીશ. આપણે તો બૉક્સ પરની સૂચના મુજબ ચાલવાનું શરૂ કર્યું. બે ગ્લાસ પાણી લીધું, ગૅસ પર પાણી ચડાવી દીધું. પછી અંદરનું જે મટીરિયલ નાખવાનું હતું એ નાખવાનું કહ્યું હતું. એકલો માણસ કેટલો ઉપમા ખાય? એ બૉક્સ પર લખ્યું હતું ચાર જણની ક્વૉન્ટિટી છે એમાં. મેં તો ચોથા ભાગનું એ મટીરિયલ અંદર નાખ્યું. એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ. ઉપમા બને જ નહીં. એ દિવસ મારે નાટકના શો માટે જવાનું હતું. મને મારા સાથી કલાકાર મુકેશ રાવલ લેવા આવવાના હતા એટલે મેં એ જે કંઈ બન્યું હતું એ પ્લેટમાં કાઢું એ પહેલાં મુકેશભાઈ આવી ગયા. સામે કોઈ બેઠું હોય તો નૅચરલી આપણે ફૉર્માલિટી તો કરીએ જ. મેં મુકેશભાઈને પૂછ્યું તો તેમણે હા પાડી. આપણે બે પ્લેટમાં એ ઉપમા કાઢ્યો અને ચમચી સાથે એક પ્લેટ મુકેશભાઈને આપી. મુકેશભાઈ થોડી વાર બેસી રહ્યા અને પછી તેમણે એ પ્લેટ સીધી ઉપાડી અને મોઢે માંડતાં પહેલાં મને કહેઃ રાબ આપણી ફેવરિટ.

ઉપમાને રાબની ઉપમા મળી એ વાતનો ઝાટકો હતો અને એ પછીનો ઝાટકો મુકેશભાઈના ચહેરાનાં એક્સપ્રેશન જોઈને આવ્યો. પહેલા ઘૂંટડે તો મુકેશભાઈનો ચહેરો ભારતના નકશા જેવો થઈ ગયો. મેં હસતાં-હસતાં સામું પૂછ્યુંઃ ચાખું કે પછી રહેવા દઉં?

‘મૂકી દે ભાઈ, અંદર આંતરડામાં ભૂકંપ આવી જાય એવું બન્યું છે.’ મુકેશભાઈ ઊભા થયા અને મને કહ્યું પણ ખરુંઃ ‘તું ભાઈ કિચન બાજુ જવાનું બંધ કરી દે.’

વાત તેમની સાવ સાચી છે, કારણ કે મને મૅગી સિવાય કંઈ બનાવતાં આવડતું નથી અને મૅગી મારા જેવી ઘરમાં કોઈ બનાવતું નથી એ પણ એટલું જ સાચું છે. મારા દીકરાઓને પણ મૅગી ખાવી હોય તો તે મને જ બનાવવાનું કહે અને વાઇફ વંદના પણ મારો જ આગ્રહ રાખે. મૅગી બનાવવાનું હું અમેરિકામાં શીખ્યો છું. નાટકની ટૂર વખતે બધા ફૂડ સાથે અખતરા કરતા હોય એમ મેં પણ મૅગી બનાવવાનો અખતરો કર્યો હતો પણ એ સુખદ રહ્યો છે. હું મૅગીમાં માત્ર એનો મસાલો નથી નાખતો, વેજિટેબલ્સ પણ નાખું અને એમાં અલગ-અલગ સૉસ પણ નાખું. શેઝવાન સૉસ અને મસ્ટર્ડ સૉસને કારણે મૅગીનો સ્વાદ આખો બદલી જાય છે. આ બધા સૉસ અને વેજિટેબ્લસના કારણે મૅગીમાં ગ્રેવી બને છે, જેને લીધે સાથે જો બ્રેડ હોય તો એમ પણ ખાવાની વધારે મજા આવે છે. વંદના શૂટ પર હોય અને જો તેને નાઇટશિફ્ટ હોય તો મેં અને મારાં બન્ને બાળકોએ ઘણી વાર મારી આ મૅગી અને બ્રેડનું શાહી ડિનર પણ કર્યું છે. મારી બનાવેલી મૅગી, બ્રેડ, પાપડ અને સૅલડ. ટ્રાય કરજો એક વાર પણ શરત બે. એક, કકડીને ભૂખ લાગી હોવી જોઈએ અને બે, વાઇફની ગેરહાજરી હોવી જોઈએ. બહુ મજા આવશે.

આ પણ વાંચો : મુંબઈમાં કોઠીનો આઇસક્રીમ ખાવો હોય તો બહોરી મહોલ્લામાં જવું જ પડે

મને મૅગી સિવાય કંઈ બનાવતાં આવડતું નથી અને મૅગી મારા જેવી ઘરમાં કોઈ બનાવતું નથી એ પણ એટલું જ સાચું છે. મારા દીકરાઓને પણ મૅગી ખાવી હોય તો તે મને જ બનાવવાનું કહે અને વાઇફ વંદના પણ મારો જ આગ્રહ રાખે. મૅગી બનાવવાનું હું અમેરિકામાં શીખ્યો

Gujarati food indian food mumbai food