Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મુંબઈમાં કોઠીનો આઇસક્રીમ ખાવો હોય તો બહોરી મહોલ્લામાં જવું જ પડે

મુંબઈમાં કોઠીનો આઇસક્રીમ ખાવો હોય તો બહોરી મહોલ્લામાં જવું જ પડે

12 November, 2019 03:38 PM IST | Mumbai
Divyasha Doshi

મુંબઈમાં કોઠીનો આઇસક્રીમ ખાવો હોય તો બહોરી મહોલ્લામાં જવું જ પડે

કોઠીનો આઇસક્રીમ

કોઠીનો આઇસક્રીમ


મુંબઈમાં સૌપ્રથમ આઇસક્રીમ ૧૩૦ વરસ પહેલાં કચ્છ, માંડવીના વલીભાઈએ બનાવ્યો હતો. એ સંચાનો પરંપરાગત આઇસક્રીમ તેની ચોથી પેઢી દ્વારા હજીયે નળબજારમાં તાજ આઇસક્રીમ અને આઇસક્રીમવાલામાં મળે છે. કલાકો સુધી સંચામાં ફેરવીને તૈયાર કરેલા વિવિધ ફળોના આઇસક્રીમનો સ્વાદ ફળ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ છે.

આહ તાજ ! વાહ નહીં આહ. આ જ શબ્દો મારા મોઢામાંથી નીકળ્યા જ્યારે તાજ આઇસક્રીમની દુકાન દસેક વરસ પહેલાં ચૈત્રની એક ભરબપોરે નળ બજારની ગલીઓમાં શોધી રહી હતી. ઉનાળાની ભરબપોરે આઇસક્રીમ શોધવા પરામાંથી  છેક ત્યાં જવું પડે? એવું ચોક્કસ જ કોઈ પણ મને પૂછી શકે, પરંતુ આઇસક્રીમના શોખીન હો અને મુંબઈનો શ્રેષ્ઠ આઇસક્રીમ ખાવો હોય તો નળબજારના બહોરી મહોલ્લામાં જ જવું પડે. દસ વરસ બાદ ફરીથી એ નળબજારના બહોરી મહોલ્લામાં ગઈ તો આખોય બહોરી મહોલ્લો જ ગાયબ. સાંકડી ભીડભાડવાળી એ ગલીને ઠેકાણે ઠેર-ઠેર મકાનોના ભંગાર અને કેટલીક આકાશને આંબતી બહુમજલી ઇમારતો ચણાઈ ગઈ હતી તો કેટલીક ચણાઈ રહી હતી તો કેટલીક હવે ચણાશે. આ જોઈને યાદ આવ્યું કે આખાય બહોરી મહોલ્લાનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એમાં ટેમ્પરરી ગાળા બાંધીને કેટલીક દુકાનોને સ્થળાંતરિત કરવામાં આવી છે. એ જ બહોરી મહોલ્લામાં તાજ આઇસક્રીમની દુકાનને પણ ટેમ્પરરી શેલ્ટર આપવામાં આવ્યું છે. ૧૩૦ વરસનો ઇતિહાસ ધરાવતી દુકાન આજે ધરાશાયી થઈ ગઈ હતી અને સામે અપ ટુ ડેટ એસી નાનકડી કૅબિન પર તાજ આઇસક્રીમનું બોર્ડ જોઈ શકાતું હતું.  



 અમેરિકન સેલિબ્રિટી શેફ સ્વ. ઍન્થની બોર્ડન જેનો ટ્રાવેલર શો ડિસ્કવરી ચૅનલ પર લોકપ્રિય હતો તે  અને ભારતનાં મોસ્ટ પાવરફુલ મહિલા સોનિયા ગાંધીએ પણ આ તાજ આઇસક્રીમને વખાણ્યો છે. પણ તાજ આઇસક્રીમ સુધી પહોંચવું સહેલું નથી. મહંમદઅલી રોડ અને નળબજારનો ટ્રાફિક પાર કરવો એ સાહસનું કામ છે. દસ વરસ પહેલાં તો ગૂગલિંગ કર્યા બાદ પણ અમે તાજ આઇસક્રીમની દુકાન આગળથી પસાર થયા ત્યારે એને જોઈ શક્યા નહોતા. અર્થાત ત્યારે સાવ જ સામાન્ય દેખાવની અને સાદા ઊડતા પ્લાસ્ટિકના બોર્ડ પર તાજ આઇસક્રીમ લખ્યું હતું. એસી નહીં, લાકડાનાં ચારેક જૂનાં ટેબલ અને બાંકડા જેવી સીટો અને દીવાલ પર આઠેક આઇસક્રીમનાં નામ લખ્યાં હતાં. પરસેવો લૂછતાં કાઉન્ટર પર બેઠેલા અબ્બાસભાઈએ શુદ્ધ ગુજરાતીમાં સ્વાગત કર્યું હતું. એ  દુકાન જોઈને મનમાં શંકા થઈ કે અહીં હજી મુંબઈનો શ્રેષ્ઠ આઇસક્રીમ મળતો હશે? આજે પણ તમે નળબજારમાંથી પસાર થાઓ તો વિચાર કરો ખરા કે ફ્રેશ ફ્રૂટ આઇસક્રીમ માટે વખણાતા આ આઉટલેટ સુધી લાંબા થવું યોગ્ય છે ખરું? પણ જો તમે ટ્રાવેલ શો જોતા હો મારી જેમ તો ચોક્કસ જ તળ મુંબઈમાં ભિંડીબજાર પસાર કરી નળબજાર પહોંચશો અને આસપાસની બદલાતી દુનિયામાં એ જ જૂનાે ને જાણીતો તાજા ફ્રૂટ અને દૂધમાંથી બનતો આઇસક્રીમ ખાવા મળશે. દસ વરસ પહેલાં કાચના આઇસક્રીમના ગ્લાસને બદલે હવે કાગળના કપમાં તમને આઇસક્રીમ પીરસાશે. દુકાન પર હાતીમભાઈ કે પછી તેમનો દીકરો આમિર હશે. તાજ બ્રૅન્ડનો બ્લૅક ઍન્ડ વાઇટ લોગો ધરાવતા મગમાં મૂકેલા ટિશ્યુ અને બ્લૅક કાગળના કપમાંથી મિક્સ ફ્રૂટ, સ્ટ્રૉબેરી, મૅન્ગો, સીતાફળનો આઇસક્રીમ ખાતાં કાચના બારણામાંથી દેખાતા સામે પડેલા મકાનના રબલમાં દટાયેલા ઇતિહાસને શોધી રહ્યા.


૧૮૮૭ની સાલમાં અહીં સામે જ એક નાનકડી દુકાનમાં વલીજીએ પહેલી વાર આઇસક્રીમ કેવી રીતે બનાવ્યો હશે એ કલ્પનાનો જ વિષય છે. આઇસક્રીમ બનાવવા માટે સૌપ્રથમ બરફ જોઈએ અને સંચો (પોટ). તેમની પાસે સો વરસ જૂનો લાકડાનો સંચો હજી પણ જળવાયેલો છે. ઇતિહાસને ખાંખાંખોળા કરતાં જાણવા મળ્યું કે મુંબઈમાં સૌપ્રથમ બરફ લગભગ ૧૮૪૦ની સાલમાં આવ્યો. ૧૮૪૩માં અપોલો રોડ (જે આજે શહીદ ભગતસિંહ રોડ તરીકે ઓળખાય છે) પર બરફ રાખવા માટે ખાસ મકાન બનાવવામાં આવ્યું. એને બૉમ્બે આઇસ હાઉસ તરીકે ઓળખાતું. બરાબર એની સામે ગવર્નમેન્ટ ડૉકયાર્ડ  અને સ્કૉટિશ ચર્ચ હતું. એ મકાન પછી ગવર્નર હાઉસ બન્યું હતું અને ત્યાર બાદ ગ્રેટ વેસ્ટર્ન હોટેલ હતી. પછી તો હોટેલ પણ બંધ થઈ ગઈ અને અનેક ઑફિસ એ મકાનમાં શરૂ થઈ હતી. પાછા આઇસક્રીમ પર આવીએ તો હાથ વડે સંચાને ફેરવીને આઇસક્રીમ બનાવવાની શરૂઆત થઈ હતી લગભગ એ જ અરસામાં. સંચાનો આવિષ્કાર ૧૮૪૩માં નૅન્સી જૉન્સને કર્યો હતો. જોકે ત્યાર બાદ એમાં અનેક ફેરફાર થયા હશે. એ સંચા પહેલાં લોકો ઘરે પણ વસાવતા. લાકડાનું મોટું પીપ જેવું વાસણ. એમાં બરફ અને આખું મીઠું નાખવામાં આવે. એની વચ્ચે પિત્તળનો સંચો મુકાય જેમાં ઉકાળેલું દૂધ, સાકર નાખીને સતત ચર્ન કરવામાં આવે ત્યારે કલાકો પછી દૂધ ઠંડું થતાં ધીમે-ધીમે ગાઢું થતું જાય. સ્વાદ માટે એમાં ફ્લેવર તરીકે સૂકો મેવો, એલચી કે ફળને ઉમેરવામાં આવે. આ સંચાના આઇસક્રીમમાં અન્ય બ્રૅન્ડના આઇસક્રીમની જેમ હવા ન હોય. દૂધને ઉકાળ્યું હોય એટલે ક્રીમી ટેક્સ્ચર હોય. વળી એમાં પાણીનો અંશ પણ ન હોય, કારણ કે મલાઈદાર દૂધને ખૂબ ઉકાળવામાં આવ્યું હોય. આ રીતે ફક્ત તાજાં, ઋતુ પ્રમાણેનાં ફળ નાખીને આઇસક્રીમ બનાવવાની શરૂઆત મુંબઈમાં સૌપ્રથમ વલીજી જલાલજીએ કરી. ત્યાર બાદ તેમના દીકરા કરીમજી અને તૈયબજીએ એ પરંપરાને આગળ વધારી. તૈયબજીના દીકરા સરાફઅલીના દીકરાઓ અબ્બાસ, હાતિમ અને યુસુફે અત્યાર સુધી એ પરંપરા જેમની તેમ જાળવી રાખી. અબ્બાસભાઈના મૃત્યુ પછી તેમના દીકરા મુસ્તફાએ તાજ આઇસક્રીમની બ્રૅન્ડથી જુદા થઈને તાજથી ત્રણેક દુકાન દૂર આઇસક્રીમવાલા નામે એ જ પરંપરાને ચાલુ રાખી. એટલે વલીજી અને તૈયબજીની પરંપરાનો સંચાનો ફ્રૂટ આઇસક્રીમ ખાવો હોય તો તાજ આઇસક્રીમ અને આઇસક્રીમવાલા એમ બન્ને દુકાનો પર મળે છે. તાજ આઇસક્રીમ હાતિમભાઈ અને તેનો દીકરો આમિર સંભાળે છે.

ice-cream


આઇસક્રીમના સ્વાદની વાત કરીએ તો સીતાફળનો આઇસક્રીમ ખાતાં વિચારવું પડે કે સીતાફળ કરતાં વધુ સ્વાદિષ્ટ તો નથી લાગતોને? પેરુનો સ્વાદ તો ચોક્કસ જ પેરુના ફળ કરતાં સારો છે. તાજ હોય કે આઇસક્રીમવાલા હોય, બન્નેનો સ્વાદ અદ્ભુત જ છે. આઇસક્રીમવાલામાં મુસ્તફા પેરુ આઇસક્રીમ પર મીઠું-મરચું ભભરાવીને આપે અને મોઢામાં મૂકતાં જ આહ ન નીકળે તો જ નવાઈ. પેરુના આઇસક્રીમમાં વચ્ચે બિયાં પણ આવે. એ સિવાય સ્ટ્રૉબેરી, મૅન્ગો અને લિચી પણ મળે છે. દરેક ફ્રૂટનો સ્વાદ આઇસક્રીમ બનતાં જ બેવડાઈ જતો લાગે.

મૅન્ગો આઇસક્રીમ દ્વારા આફુસ કેરી ખાધી હોય એવી અનુભૂતિ થઈ. વાહ તાજ શબ્દ મનમાં ગણગણતાં આઇસક્રીમના કપ ખાલી થાય ત્યારે લાગે કે બહોરી મહોલ્લા સુધી આવવું સાર્થક છે. ૧૩૦ વરસ જૂની રેસિપી જેમાં કશું જ છુપાવવાનું નથી એની વાત કરતાં ચોથી પેઢીના અબ્બાસભાઈના દીકરા મુસ્તફા અને હાતિમભાઈના દીકરા આમિર જણાવે છે કે અમારી જાણ મુજબ વલીજીએ શરૂઆત કરી હતી, પણ મારા પરદાદા તૈયબઅલીએ આ દુકાન શરૂ કરી હતી. ત્યારથી મલાઈવાળા ફુલ ક્રીમ દૂધને ભરપૂર ઉકાળીને ગાઢું બનાવ્યા બાદ એમાં વાશી કે ક્રૉર્ફડ માર્કેટમાંથી લાવેલાં તાજાં સારામાંનાં ફળનો પલ્પ અને સાકર નાખવા સિવાય બીજું કશું જ ઉમેરાતું નથી. પછી સો વરસ જૂની લાકડાની કોઠી જેમાં બરફ-મીઠું નાખીને ભરાય અને એમાં પિત્તળનો લાંબો નળાકાર ડબ્બો જેમાં ઉપર હૅન્ડલ લગાવાય એમાં આ મિલ્કશેક ઉમેરાય અને કલાકો ચર્ન કર્યા બાદ ક્રીમી અદ્ભુત સ્વાદ ધરાવતો આઇસક્રીમ તૈયાર થાય. દરરોજનો દરેક ફ્લેવરનો ફક્ત વીસેક કિલો જ કે ઑર્ડર મુજબ જ  આઇસક્રીમ બનાવાય. સ્ટ્રૉબેરી આઇસક્રીમ પણ આટલો સારો ક્યાંય નથી ખાધો. અને જો તમને ફળ નહીં પણ ચૉકલેટ વિથ બદામ ખાવો હોય તોય યમ્મી... કહેવા સિવાય અમારી પાસે કોઈ શબ્દો નથી. હવે બીજી ફ્લેવર તેઓ ઉમેરવા લાગ્યા છે, પણ ફ્રૂટ આઇસક્રીમ બનાવવાનું ક્યારેય નહીં છોડે. હાતિમભાઈને યાદ છે કે તેઓ મધુબાલાના જન્મદિને તેના ઘરે આઇસક્રીમનો ઑર્ડર આપવા ગયા હતા. ફારુક અબ્દુલા જ્યારે મુંબઈ આવે ત્યારે તાજ આઇસક્રીમનો આઇસક્રીમ મંગાવીને ખાય. ૧૯૬૯માં ઈરાનના શાહે દિલ્હી દરબારની બિરયાની અને તાજની આઇસક્રીમ પાર્ટી આપી હતી. તાજ નામ કેવી રીતે પડ્યું એનો પણ ઇતિહાસ મુસ્તફા અને આમિર કહે  છે એ પ્રમાણે ઉમેરઠથી તાજભાઈ જે કરીમજીના મિત્ર હતા એ જમાનામાં એટલે કે સોએક વરસ પહેલાં લગભગ દર મહિને મુંબઈ આઇસક્રીમ ખાવા આવતા. તેમના નામ પરથી આ દુકાનનું નામ તાજ આઇસક્રીમ રાખ્યું.  

અત્યાર સુધી આ દુકાનની કોઈ બ્રાન્ચ નહોતી એટલે બહોરી મહોલ્લા સુધી લાંબું થવું પડતું પણ હવે બાંદરા-ઈસ્ટ અને વેસ્ટમાં તાજ આઇસક્રીમ મળે છે, જ્યારે થાણેમાં આઇસક્રીમવાલાની બ્રાન્ચ છે.   તેમની આઇસક્રીમના સ્વાદના દીવાનાઓ ભારત છોડી પરદેશ સેટલ થયા હોય તો જ્યારે પણ ભારત આવે ત્યારે સાથે તાજ આઇસક્રીમ પૅક કરીને લઈ જાય. અહીંથી બૅન્ગલોર, દુબઈ, લંડન પણ આઇસક્રીમ પૅક થઈને જાય છે. નવાઈ લાગેને? પણ આ શુદ્ધ દૂધનો સંચાનો આઇસક્રીમ ખાશો તો કોઈ વાતની નવાઈ નહીં લાગે. હવે તમે પૂછશો બહોરી મહોલ્લો શોધવો કઈ રીતે? તો બે લૅન્ડમાર્ક યાદ રાખો, જે. જે. હૉસ્પિટલ અને ચોરબજારની નજીક. સારી વસ્તુ સહેલાઈથી નથી મળતી, યાદ રાખો. તેમના આઇસક્રીમની કિંમત પ૦૦થી ૬૦૦ રૂપિયા કિલો છે. 

અત્યાર સુધી એની કોઈ બ્રાન્ચ નહોતી, પણ હવે બાંદરા-ઈસ્ટ અને વેસ્ટમાં તાજ આઇસક્રીમ મળે છે, જ્યારે થાણેમાં આઇસક્રીમવાલાની બ્રાન્ચ છે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 03:38 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK