શા માટે એવરગ્રીન છે રેડ લિપસ્ટિક?

22 June, 2026 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્યુટી-ટ્રેન્ડ્સ બદલાતા રહે છે, પણ લાલ રંગની લિપસ્ટિકનો ક્રેઝ હજી પણ યથાવત્ છે. એ માત્ર મેકઅપ પ્રોડક્ટ મટીને ઇમોશન અને પાવરનું પ્રતીક બની ગઈ છે

શા માટે એવરગ્રીન છે રેડ લિપસ્ટિક?

મેકઅપ-લવર્સ પાસે ભલે ગમે એટલી પ્રોડક્ટ્સ હોય, પણ એક ખાસ શેડ એવો હોય છે જેના તરફ તેઓ હંમેશાં આકર્ષાય છે. ન્યુડ શેડ્સ, લિપ ઑઇલ્સ કે ટ્રેન્ડી ગ્લોસનું કલેક્શન હોય તો પણ જ્યારે તે રેડ લિપસ્ટિક લગાવે છે ત્યારે તેનો આખો લુક એન્હૅન્સ કરે છે. તે વધુ ફ્રેશ, આકર્ષક અને કૉન્ફિડન્ટ દેખાવા લાગે છે. રેડ લિપસ્ટિક પ્રત્યેનો આ લગાવ માત્ર મનની પસંદ નથી, એની પાછળ સાઇકોલૉજિકલ કારણો પણ જવાબદાર છે.

સદાબહાર રંગ 
બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ્સ બહુ ઝડપથી બદલાય છે, પણ આ બધા વાયરાઓ વચ્ચે રેડ લિપસ્ટિક હંમેશાં ટકી રહી છે. ભૂતકાળની ફેમસ હૉલીવુડ-બૉલીવુડની ઍક્ટ્રેસિસથી લઈને આજની મૉડર્ન યુવતીઓના મેકઅપ બૉક્સમાં રેડ લિપસ્ટિક હોય જ છે. મોટા ભાગની મહિલાઓને તેમની પહેલી ન્યુડ લિપસ્ટિક યાદ નથી હોતી, પણ પહેલી રેડ લિપસ્ટિક હંમેશાં યાદ રહે છે કારણ કે એ માત્ર મેકઅપ નથી પણ એક અનુભવ છે.

ટ્રાફિક-સિગ્નલ, ઇમર્જન્સી લાઇટ્સ કે સેલના બોર્ડમાં લાલ રંગનો ઉપયોગ એટલે જ થાય છે, કારણ કે આપણું બ્રેઇન એને તરત નોટિસ કરે છે. યુવતી જ્યારે સિમ્પલ વાઇટ શર્ટ અને સામાન્ય હેરસ્ટાઇલ સાથે માત્ર લાલ લિપસ્ટિક લગાવે છે ત્યારે પણ તે ભીડમાં અલગ તરી આવે છે.

સાઇકોલૉજી શું કહે છે?
મહિલાઓને રેડ લિપસ્ટિક લગાવ્યા બાદ પાવરફુલ અને કૉન્ફિડન્ટ હોવાની ફીલિંગ આવે છે. આપણે જે કપડાં કે પ્રોડક્ટ્સ પહેરીએ છીએ એની સીધી અસર આપણા વિચારો અને વર્તન પર પડે છે. જો વર્ષોથી આપણે લાલ લિપસ્ટિકને ગ્લૅમર અને આત્મવિશ્વાસ સાથે જોડીને જોઈ હોય તો એને લગાવતાં જ આપણા મનમાં એ જ લાગણીઓ જાગી જાય છે. એ એક સિક્યૉરિટી બ્લૅન્કેટ જેવું કામ કરે છે જે આપણને અંદરથી હિંમત આપે છે. યુવતીઓ હંમેશાં બીજાને આકર્ષવા માટે જ લાલ રંગ પસંદ કરે છે એવું નથી. ઘણી યુવતીઓ પોતાના સ્વાનુભવ અને કમ્ફર્ટ માટે એ લગાવે છે. 
જરૂરી નથી કે લાલ લિપસ્ટિક લગાવનારી દરેક મહિલા બોલ્ડ કે એક્સ્ટ્રોવર્ટ જ હોય; પરંતુ એટલું ચોક્કસ છે કે લાલ રંગ આપણી ભાવનાઓ, આત્મવિશ્વાસ અને યાદો સાથે ઊંડો સંબંધ ધરાવે છે. ટ્રેન્ડ્સ ગમે એટલા આવે અને જાય, ક્લાસિક રેડ લિપસ્ટિક ક્યારેય આઉટ ઑફ ફૅશન નહીં થાય કારણ કે જ્યારે પણ કોઈ સ્ત્રી એને લગાવે છે ત્યારે તે પોતાના સૌથી કૉન્ફિડન્ટ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. 

columnists fashion news fashion lifestyle news life and style