રિન્કલ-ફ્રી અને ગ્લોઇંગ ચહેરા માટે આવી ગયા છે સિલિકૉન પૅચ

05 December, 2024 09:45 AM IST  |  Mumbai | Heena Patel

એક સમયે સર્જરી પછીના સ્કાર અને ઘાના ડાઘને દૂર કરવા માટે વપરાતી સિલિકૉનની ટેપ હવે ફેસની સુંદરતા માટે વપરાતી થઈ ગઈ છે. ચહેરાને મૉઇશ્ચરાઇઝ રાખવા, કરચલીઓ દૂર કરવા, સ્કિનનું ટેક્સ્ચર સુધારવા, સ્કાર્સ દૂર કરવા આ બધી સમસ્યાના ઉપાય તરીકે વાઇરલ થઈ રહેલો આ હૅક

સિલિકૉન પૅચ

એક સમયે સર્જરી પછીના સ્કાર અને ઘાના ડાઘને દૂર કરવા માટે વપરાતી સિલિકૉનની ટેપ હવે ફેસની સુંદરતા માટે વપરાતી થઈ ગઈ છે. ચહેરાને મૉઇશ્ચરાઇઝ રાખવા, કરચલીઓ દૂર કરવા, સ્કિનનું ટેક્સ્ચર સુધારવા, સ્કાર્સ દૂર કરવા આ બધી સમસ્યાના ઉપાય તરીકે વાઇરલ થઈ રહેલો આ હૅક શું છે એ જાણીએ

ગ્લોઇંગ સ્કિન મેળવવા માટેના વિવિધ ઉપાયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય છે. એમાં વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે અને એ છે સિલિકૉન પૅચિસ. સિલિકૉનની એક પટ્ટી જેવું આવે છે જેને ચહેરા પર લાંબા સમય સુધી લગાવી રાખવાની હોય છે જે ત્વચાની અનેક તકલીફો દૂર કરે છે એવો દાવો થઈ રહ્યો છે. કહેવાય છે કે આ સિલિકૉન પૅચિસ ડાઘ-ધબ્બા ઓછા કરે છે, સ્કિનને હાઇડ્રેટ રાખે છે, કરચલીઓને ઓછી કરે છે, ત્વચાનો રંગ ચમકાવે છે તેમ જ કોલાજન પ્રોડક્શનને પણ બૂસ્ટ કરવાનું કામ કરે છે. સિલિકૉન પૅચિસનો ઉપયોગ વધવાનું કારણ એ છે કે એ ઑનલાઇન સરળતાથી ઉપલબ્ધ છે, એ પ્રમાણમાં સસ્તા છે અને અનેક સ્કિન-પ્રૉબ્લેમનું એની પાસે સૉલ્યુશન છે.

દાવામાં કેટલો દમ?

સિલિકૉન પૅચિસથી થતા બેનિફિટ્સ વિશે કરવામાં આવી રહેલા દાવામાં કેટલો દમ છે એ વિશે નિષ્ણાતોનું કહેવું છે કે સર્જરી બાદ ત્વચા પરનાં નિશાન ઝડપથી સાજાં થાય એ માટે આ સિલિકૉન ટેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટેપ ત્વચાને મોઇશ્ચરાઇઝ્‍ડ રાખી, સન એક્સપોઝર, ઍર પૉલ્યુશન જેવાં એન્વાયર્નમેન્ટલ ફૅક્ટર્સથી પ્રોટેક્ટ કરીને કોલાજન પ્રોડક્શન વધારવામાં મદદ કરી ત્વચાને હીલ કરવામાં મદદરૂપ બને છે. આ કોલાજન ત્વચાની ટાઇટનેસ જાળવી રાખે છે. જોકે આજકાલ એનો ઉપયોગ ખીલના ડાઘ-ધબ્બાને ઓછા કરવામાં તેમ જ ચહેરા પરની કરચલીઓ ઘટાડવા માટે પણ થઈ રહ્યો છે.

સિલિકૉન પૅચિસ સ્કિનને હાઇડ્રેટ રાખી કોલાજન પ્રોડક્શન વધારીને ઍક્નેના સ્કાર ઓછા કરી શકે છે. કોલાજન પ્રોડક્શનને કારણે ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે અને સ્કિન સ્મૂધ થાય છે તેમ જ એનો ટેક્સ્ચર પણ સુધરે છે. જોકે સિલિકૉન પૅચિસથી સ્કિનને એટલો ફાયદો થતો નથી જ્યાં સુધી લાંબા સમય સુધી એનો રેગ્યુલર બેઝિસ પર ઉપયોગ ન કરવામાં આવે. સિલિકૉન સ્કારને ઓછા કરવામાં ખૂબ સારી રીતે કામ કરે છે. 

કઈ રીતે ઉપયોગ કરવો

સિલિકૉન પૅચિસનો ઉપયોગ કરતી વખતે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ફેસ પર સિલિકૉન પૅચિસ લગાવવાનું શરૂ કરો એ પહેલાં ચહેરો પાણીથી ધોઈને સૂકો કરી નાખો. સિલિકૉન ટેપ જે ભાગમાં અપ્લાય કરવી છે એ સાઇઝની કાપી નાખો. એ પછી સિલિકૉન પૅચિસનું જે પ્રોટેક્ટિવ કવર હોય એને કાઢીને એનો જે ચીકણો ભાગ ફેસ પર લગાવો. સિલિકૉન ટેપ વધુ પડતી લાંબી કે ટૂંકી ન પડવી જોઈએ. એ લગાવ્યા બાદ તમારી ત્વચા તણાય નહીં એનું ધ્યાન રાખો. ત્વચા પર સિલિકૉન ટેપને સરખી રીતે લગાવો. એ ચોળાઈ જવી ન જોઈએ. આ બધી ઝીણી-ઝીણી વસ્તુની અસર પણ સિલિકૉન પૅચિસની અસર કેવી થશે એના પર પડે છે. આમ તો તમે કોઈ પણ સમયે સિલિકૉન પૅચિસને તમારા ચહેરા પર લગાવી શકો છો, પણ રાત્રે સૂતાં પહેલાં એને લગાવીને સૂવાથી સારું પરિણામ મળે છે.

સાવધાની જરૂરી

સિલિકૉન પૅચિસનો ઉપયોગ પહેલી વાર કરી રહ્યા હો તો એને ફક્ત ચારથી પાંચ કલાક માટે જ અપ્લાય કરો. એમાં પણ જો તમને ત્વચા પર ઇરિટેશન જેવું ફીલ થાય તો એને રિમૂવ કરી નાખો. તમારી સ્કિનનું ટૉલરન્સ-લેવલ વધે એમ તમે એને વધુ કલાકો સુધી એટલે કે ૧૨થી ૨૪ કલાક સુધી પણ રાખી શકો છો. એ સિવાય જો તમારી ત્વચા પર કોઈ
ઘા હોય તો સિલિકૉન પૅચિસ લગાડવાનું ટાળો.

life and style fashion news fashion columnists