મેકઅપની દુનિયામાં ચાલી રહેલા અન્ડરપેઇન્ટિંગ ટ્રેન્ડને તમે ફૉલો કર્યો?

05 March, 2026 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેલિબ્રિટીઝનો મેકઅપ હંમેશાં આટલો નૅચરલ અને ગ્લોઇંગ કેમ લાગે છે એનો વિચાર કર્યો છે? એનું રહસ્ય મોંઘી પ્રોડક્ટ્સ નહીં, પણ એને લગાવવાની ઊલટી રીત છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી અન્ડરપેઇન્ટિંગ મેકઅપ ટેક્નિકને અહીં ડિકોડ કરીએ

પ્રતિકાત્મક તસવીર

બ્યુટી વર્લ્ડમાં મેકઅપને લઈને નિતનવા પ્રયોગો થતા રહે છે. અત્યાર સુધી આપણે ફાઉન્ડેશન લગાવ્યા પછી કૉન્ટુર અને બ્લશ લગાવતાં જોયું છે અને આ જ ટેક્નિક આપણે ફૉલો કરીએ છીએ, પણ હવે આ પ્રક્રિયા ઊલટી થઈ ગઈ છે. આ નવી ટેક્નિકનું નામ અન્ડરપેઇન્ટિંગ છે. હૉલીવુડ સેલિબ્રિટીઝથી લઈને પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ્સ હવે આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે જેથી મેકઅપ વધુ નૅચરલ અને ઇનર ગ્લો આવતો હોય એવું લાગે.

લેટ્સ ડીકોડ

સામાન્ય રીતે આપણે ચહેરા પર પહેલાં ફાઉન્ડેશન લગાવીએ છીએ અને એના પર મેકઅપના અન્ય લેયર કરીએ છીએ. પરંતુ અન્ડરપેઇન્ટિંગમાં સૌથી પહેલાં કૉન્ટુર, કન્સીલર અને બ્લશ લગાવવામાં આવે છે અને એની ઉપર ફાઉન્ડેશનનું એક પાતળું પડ લગાવવામાં આવે છે. આ ટેકનિકનો મુખ્ય હેતુ મેકઅપના લેયર્સ ત્વચામાં મર્જ થઈ જાય અને એ નૅચરલી ફ્લોલેસ અને સીમલેસ દેખાડવાનો છે.

શા માટે થઈ રહ્યું છે પૉપ્યુલર?

ફાઉન્ડેશન પર જ્યારે બ્લશ કે કૉન્ટુર લગાવાય છે ત્યારે એ ઘણી વાર અલગથી દેખાઈ આવે છે. અન્ડરપેઇન્ટિંગમાં આ બધું ફાઉન્ડેશનની નીચે હોવાથી એવું લાગે છે કે નૅચરલી બ્લશ દેખાઈ રહ્યું છે. આ ટેક્નિકમાં ફાઉન્ડેશનનો ઉપયોગ ઓછો થાય છે અને બીજો ફાયદો એ પણ છે કે ચહેરો કેકી લાગતો નથી. આમાં તમારી બ્લેન્ડિંગ ટેક્નિક સારી હોવી જોઈએ. આ ટેકનિક માટે હંમેશાં ક્રીમ બેઝ્ડ પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે એ ફાઉન્ડેશનની નીચે સરળતાથી ભળી જાય છે. જો તમે ઑફિસ જવા માટે કે ડે-આઉટિંગ માટે જઈ રહ્યા હો તો આ રીત તમારા લુકને એકદમ ફ્રેશ અને નો-મેકઅપ લુક જેવો આકર્ષક બનાવશે.

સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

સ્કિન પ્રિપેરેશન : પહેલાં તમારા ચહેરાને મૉઇશ્ચરાઇઝ કરીને પ્રાઇમર લગાવો જેથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે.

કૉન્ટુરિંગ : જૉલાઇન અને ચિક બોન્સની સાથે નાકની બન્ને બાજુએ ક્રીમ કૉન્ટુર લગાવીને સારી રીતે બ્લેન્ડ કરો.

બ્લશ : અન્ડર આઇ એરિયા અને હાઈ પૉઇન્ટ્સ પર કન્સીલર લગાવો અને પછી ગાલ પર ક્રીમ બ્લશ લગાવો. લગાવ્યા બાદ એ થોડું ડાર્ક દેખાશે, પણ એમાં ડરવા જેવું કંઈ નથી.

ફાઉન્ડેશન : મેકઅપમાં પહેલાં લગાવાતું ફાઉન્ડેશન છેલ્લે લગાવો. શક્ય હોય તો લિક્વિડ અથવા ક્રીમ બેઝ્ડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. આને બદલે તમે CC ક્રીમ પણ લગાવી શકો છો. પછી ફાઉન્ડેશન બ્લેન્ડિંગ બ્રશ અથવા બ્યુટી બ્લેન્ડર લઈને આખા ચહેરા પર સરખી રીતે બ્લેન્ડ કરો.

ફિનિશિંગ ટચ : મેકઅપને સેટ કરવા ટ્રાન્સ્લ્યુશન પાઉડર અપ્લાય કરો અને પછી કૉમ્પૅક્ટ પાઉડરથી મેકઅપ સેટ કરો.

fashion fashion news lifestyle news life and style columnists gujarati mid day