એવું તે શું ખાસ છે સ્નીકર્સમાં?

09 January, 2023 05:38 PM IST  |  Mumbai | Aparna Shirish

હાલ ચાલી રહેલી બિગબૉસની સીઝનમાં રૅપર એમસી સ્ટૅનનાં ૮૦,૦૦૦નાં સ્નીકર્સની ખૂબ ચર્ચા છે. સ્નીકર્સનો બિઝનેસ દુનિયાભરમાં અબજોનો છે ત્યારે જાણીએ કઈ બાબત આ જૂતાંને આટલાં લક્ઝુરિયસ બનાવે છે

એવું તે શું ખાસ છે સ્નીકર્સમાં?

પુરુષોની ફૅશનની વાત આવે ત્યારે સ્નીકર્સનો ઉલ્લેખ મસ્ટ છે. સ્નીકર્સ પહેરવાની એક જુદી ફીલ અને કમ્ફર્ટ છે, જે ફક્ત સ્નીકર લવર્સ જ સમજી શકે છે અને આ સ્નીકર લવર્સ પોતાને સ્નીકર હેડ નામથી ઓળખાવે છે. સ્નીકર્સની વાત જ નિરાળી છે. એ દેખાવમાં કૂલ લાગે છે, સ્ટાઇલિશ અને પહેરવામાં ખૂબ આરામદાયક છે. અહીં જો પ્રાઇસ ફૅક્ટરની વાત કરીએ તો સિમ્પલ ૧૦૦૦-૧૫૦૦થી શરૂ થઈને સ્નીકર્સની કિંમત ૧૦ લાખ સુધી જાય છે. દુનિયાનાં સૌથી મોંઘાં સ્નીકર્સ નાઇકી ઍરશિપની કિંમત ૧,૪૭,૨૦૦૦ છે અને એ ૧૯૮૯માં હૉલીવુડની એક ફિલ્મ બૅક ટુ ધ ફ્યુચરમાં જોવા મળ્યાં હતાં. હા, સ્નીકર્સ આટલાં મોંઘાં હોય છે અને લોકો ખરીદે પણ છે. બૉલીવુડ ઍક્ટર અર્જુન કપૂર તેનાં અવનવાં અને મોંઘાં સ્નીકર્સ માટે સતત ચર્ચામાં હોય છે. તેણે પહેરેલાં કેટલાંક સ્નીકર્સની કિંમત તો એક રૉયલ એન્ફીલ્ડ બાઇક કરતાં પણ વધુ હોય છે અને તે પણ પોતાને એક પ્રાઉડ સ્નીકરહેડ તરીકે ઓળખાવે છે. 

આ પણ વાંચો : જેન્ટલમેન, ૨૦૨૩માં આ પ્રિન્ટ્સ રહેશે ટ્રેન્ડમાં

સ્નીકર્સનું ફ્યુચર

રિપોર્ટ્સ કહે છે કે ૨૦૨૬ સુધીમાં સ્નીકર્સનું માર્કેટ ૧૨૦ બિલ્યન ડૉલર સુધી પહોંચી જશે. જોકે અમુક રિપોર્ટ્સ એમ પણ કહે છે કે હવે સ્નીકર્સની ચમક ઓછી થઈ રહી છે અને માર્કેટમાં બીજી નવી બ્રૅન્ડ્સ અને ડિઝાઇન્સની ડિમાન્ડ વધી રહી છે. જોકે સ્નીકર્સ જે સ્થાન ફૅશનપરસ્તોનાં મનમાં બનાવી ચૂક્યાં છે એ કદાચ કોઈ નહીં લઈ શકે. 

હિસ્ટરી

સ્નીકર્સને ફેમ મળી ૮૦ના દાયકામાં, પણ એનો ઇતિહાસ ૧૮મી સદીનો છે. ૧૮મી સદીમાં લોકો રબરનાં જૂતાં પહેરતા, જે પ્લિમસોલ તરીકે ઓળખાતાં. ત્યાર બાદ ૧૮૯૨માં એક અમેરિકન રબર કંપનીએ રબરનાં પણ ઉપર કૅન્વસવાળાં કેડ્સ નામનાં સ્નીકર્સ બનાવ્યાં, જે લોકોને ખૂબ પસંદ આવ્યાં. ૧૯૧૭થી શરૂ થયું સ્નીકર્સનું માસ પ્રોડક્શન અને એ વધતું ગયું. ૧૯૨૪થી સ્નીકરનું મૅન્યુફૅક્ચરિંગ વર્લ્ડવાઇડ શરૂ થયું અને અનેક બ્રૅન્ડ્સે એ બનાવવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : જનરેશન ‘ઝી’એ દિલથી અપનાવી છે થ્રિફ્ટ ફૅશન

કસ્ટમાઇઝ્ડ સ્નીકર્સ

સ્નીકર્સ જૂતાં જે પહેરે છે એ બ્રૅન્ડેડ જ પસંદ કરે છે અને કેટલાક એને પોતાના હિસાબે કસ્ટમાઇઝ્ડ પણ કરાવે છે. આપણા મુંબઈમાં પણ અનેક ડિઝાઇનરો છે જે કસ્ટમાઇઝ્ડ સ્નીકર બનાવે છે.  સનાયા ઈરાની (બ્રશલર), ચૈતન્ય દીક્ષિત (ચે), સુગંધા ત્યાગી (શૂઝ યૉર ડૅડી), સાઇગુન ગ્રોવર (કોર્ટસાઇડ) જેવા ડિઝાઇનર્સ કોઈ પણ સિમ્પલ સ્નીકર્સને કસ્ટમાઇઝ્ડ લુક આપે છે.  

વિન્ટેજ-પ્રીલવ્ડનો પણ બિઝનેસ

સ્નીકરહેડ્સ તેમનાં શૂઝ માટે એટલા દીવાના હોય છે કે સેકન્ડ-હૅન્ડ શૂઝ હરાજીમાં ખરીદે છે. વળી વિન્ટેજ કે કોઈ મોટા સ્પોર્ટ્સ પ્લેયરે જો એ પહેર્યાં હોય તો એની વૅલ્યુ વધી જાય છે. સારી કન્ડિશનમાં હોય તો લોકો વાપરેલાં સ્નીકર્સ ખરીદતાં પણ અચકાતા નથી અને આ જ ક્રેઝ તેમને સ્નીકરહેડ્સ તરીકે ઓળખાવે છે. 

fashion news fashion Bigg Boss