ટ્રેન્ડમાં રહેવાનો અમને પૂરો હક છે

26 March, 2021 09:43 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાઉતે રિપ્ડ જીન્સ વિશે વિવાદિત નિવેદન આપ્યા બાદ ફરી એક વાર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

ફાટેલાં જીન્સ પાછળ ઘેલી મુંબઈની કેટલીક ટીનેજરોને મળીએ

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાઉતે રિપ્ડ જીન્સ વિશે વિવાદિત નિવેદન આપ્યા બાદ ફરી એક વાર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે વાસ્તવમાં યંગ જનરેશનને આવાં નિવેદનોથી કોઈ ફરક પડતો નથી, કારણ કે ઘણાં વર્ષથી આ પ્રકારનાં જીન્સ ટ્રેન્ડમાં છે. આજે આપણે દલીલોને સાઇડ પર મૂકી ફાટેલાં જીન્સ પાછળ ઘેલી મુંબઈની કેટલીક ટીનેજરોને મળીએ

૧૫ વર્ષની સચિતા ભટ્ટને ફાટેલા જીન્સનો એટલો ક્રેઝ છે કે મમ્મીની ગેરહાજરીમાં કાતર લઈને આખા જીન્સને ફાડી નાખ્યું. શું કરું? મારી પાસે એકેય નહોતું અને મમ્મી લઈ નહોતી આપતી તો ફાડી નાખ્યું એવો જવાબ આપતાં સચિતા કહે છે, ‘ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બૉલીવુડ ઍક્ટ્રેસ અને યંગ ગર્લ્સની રિપ્ડ જીન્સ પહેરેલી તસવીરો જોઈને મને પણ તેમના જેવો કૂલ અને સ્ટાઇલિશ લુક જોઈતો હતો. એક વાર મમ્મી બહાર ગઈ હતી ત્યારે વૉર્ડરોબમાંથી બે જીન્સ લઈને ફાડી નાખ્યાં. એક જીન્સમાંથી રિપ્ડ શૉર્ટ્સ બનાવી નાખી. દોરા ન નીકળે તેમ જ પહેર્યા પછી એ જગ્યાથી ખેંચાઈને વધુ ફાટી ન જાય એવો આઇડિયા મળી ગયો. સ્કૂલ શરૂ થાય ત્યારે મમ્મી માથામાં નાખવાની રિબનને કાપીને મીણબત્તીથી બાળી નાખતી. આ એક્સપરિમેન્ટ જીન્સ પર અજમાવી જોયો. વાસ્તવમાં આખાં જીન્સની કમ્પૅરિઝનમાં રિપ્ડ જીન્સ મોંઘાં આવે છે તેથી ઘરમાં પોતાની ક્રીએટિવિટી પ્રમાણે ટ્રાય કરવું જોઈએ. જાતે ફાડેલાં જીન્સ પહેરવાની જુદી જ મજા છે. થાઇ પરથી ફાડવામાં આવેલા જીન્સના અંદરના ભાગમાં જુદું ફૅબ્રિક લગાવવાથી ડિઝાઇનર પીસ બની જાય. જોકે સ્ટિાચિંગ પ્રૉપર આવડતું નથી એટલે વાર લાગશે. અમારી જનરેશનમાં બધા આવા

ડ્રેસ પહેરતા હોવાથી ક્યારેય કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો નથી.’

બૉય્ઝ હોય કે ગર્લ્સ, રિપ્ડ જીન્સ બધાં જ પહેરે છે. મારા માટે પેરન્ટ્સના ઓપિનિયન મહત્ત્વ રાખે છે, થર્ડ વ્યક્તિના નિવેદનથી કોઈ ફરક પડતો નથી એવો અભિપ્રાય આપતાં ૧૭ વર્ષની વલ્લવી શેઠ કહે છે, ‘મને લાગે છે કે નવા જમાનાની યંગ ગર્લ્સના કૉન્ફિડન્સથી અકળાઈને અમુક લોકો આવાં હાસ્યાસ્પદ અને વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. મેટ્રો સિટીની ગર્લ્સને ડ્રેસથી જજ કરવામાં આવતી નથી પણ સ્મૉલ સિટીની ગર્લ્સ આવી બાબતોથી ડરીને જીન્સ પહેરવાનું બંધ કરવા લાગશે તો તેમની હિંમત વધી જશે અને ભવિષ્યમાં બીજા પ્રતિબંધો મૂકશે. બેટર કે ઇગ્નોર કરો. સ્પૅગેટી, ક્રૉપ ટૉપ્સ કે શૉર્ટ્સમાં હજીયે કમેન્ટ્સનો સામનો કરવો પડે છે જ્યારે રિપ્ડ જીન્સમાં તો સેફ્ટીનો ઍન્ગલ પણ આવતો નથી. એમાં બૉડી એટલું શો થતું નથી. મારી પાસે રિપ્ડ જીન્સનું વધુ કલેક્શન નથી પરંતુ ફ્રેન્ડ્સ સાથે આઉટિંગમાં જવાનું હોય ત્યારે ટ્રેન્ડી લુક ગમે છે. રિપ્ડ જીન્સ એવી ફૅશન છે જે તમને હૉટ અને બોલ્ડ લુક આપે છે. આ એજમાં બૉડી શેપમાં હોય ત્યારે તમામ લેટેસ્ટ ફૅશન ટ્રાય કરી લેવી જોઈએ. હા, પેરન્ટ્સને ક્યારેક થાય ખરું કે ફાટેલાં કપડાં પાછળ પૈસા શું ખર્ચવાના? પછી હસતાં-હસતાં સ્વીકારી લે, કારણ કે તેમને પણ ફૅશન ઇન્ડસ્ટ્રીનું નૉલેજ છે.’

ફૅશન વર્લ્ડમાં જે નવું આવે એ ટ્રાય કરવું જોઈએ એવો મત ધરાવતી ૧૮ વર્ષની ચૈતની શાહ કહે છે, ‘ફૅશનેબલ રહેવાનો ઘણો શોખ હોવાથી બ્લૅક અને બ્લુ બન્ને કલરનાં રિપ્ડ જીન્સ લીધાં છે. જોકે અમારી કૉલેજમાં ફાટેલા અને ટૂંકા ડ્રે પહેરવાની પરમિશન નથી તેથી બહાર મૂવી જોવા, મૉલ્સમાં કે આઉટિંગ વખતે જ પહેરવા મળે છે. ક્યારેક મન થાય તો ઘરમાં પહેરી શોખ પૂરો કરી લઉં. એમાં કમ્ફર્ટ ફીલ કરું છું. જોકે આખાં ટોન અને ઘણીબધી જગ્યાએથી ફાટેલાં હોય એના કરતાં દોરા દેખાતા હોય એવાં જીન્સ પહેરવાનું વધુ પ્રિફર કરું છું. ઘૂંટણથી નીચેના ભાગમાં સ્ક્વેર શેપમાં કટ કરેલાં જીન્સ પણ અટ્રૅક્ટ કરે છે. શરૂઆતમાં પપ્પાએ અણગમો વ્યક્ત કર્યો હતો ખરો. ફાટેલા જીન્સ પાછળ આટલાબધા પૈસા ખર્ચાતા હશે એવું પણ મનમાં થયું. પછી તેમણે જોયું કે મારા મોસ્ટ ઑફ ફ્રેન્ડ્સ આવાં જ જીન્સ પહેરે છે એટલે હવે ના નથી પાડતા. મમ્મી સાથે શૉપિંગ કરવા જાઉં તો તેમને પણ રિપ્ડ જીન્સ ગમી જાય છે. બહારની વ્યક્તિ મારા ડ્રેસ વિશે શું વિચારે છે એને બહુ ગંભીરતાથી લેવાની આવશ્યકતા નથી. રિપ્ડ જીન્સમાં ગર્લ્સની સેફ્ટી ન રહે, વેસ્ટર્ન કલ્ચર છે વગેરે બાબતો રૉન્ગ થિન્કિંગ છે. રિપ્ડ જીન્સ પહેરવાના કારણે ક્યારેય કોઈએ કમેન્ટ્સ કરી નથી.’

પહેરનારને ગમે એ ફૅશન

છોકરીઓએ કેવાં કપડાં પહેરવાં એ બાબતે છાશવારે વિવાદો, ચર્ચાઓ અને નિવેદનો આવતા રહેતા હોય છે. એ પછી ટૂંકાં સ્કર્ટની વાત હોય કે ફાટેલાં જિન્સની.જે સમાજ કન્ઝર્વેટિવ છે તેમને આવા નિવેદનો હોય કે ન હોય, લેટેસ્ટ ફૅશનને બોલ્ડ રીતે કૅરી કરતી માનુનીઓને એનાથી કોઈ ફરક નથી પડતો.

બીજા શું વિચારશે એના આધારે નિર્ણય લેવા કરતાં તમે જેમાં કમ્ફર્ટેબલ હો એવાં કૉસ્ચ્યુમની પસંદગીને જ પ્રાધાન્ય આપવું જોઈએ.અને એ જ વ્યક્તિની સાચી ફૅશન.

પહેલી વાર રિપ્ડ શૉર્ટ્સ પહેરી ત્યારે દાદીએ કહેલું, શું ભિખારી જેવાં કપડાં પહેર્યાં છે!

મિષ્ટી શાહ

અત્યાર સુધી ખરીદેલાં ત્રણેય જીન્સ ફાટેલાં છે. જીન્સ જ નહીં, ફાટેલી શૉર્ટ્સ અને જૅકેટનો પણ જબરો શોખ છે. પંદર વર્ષની મિષ્ટી શાહ અનુભવ શૅર કરતાં કહે છે, ‘પહેલી વાર રિપ્ડ શૉર્ટ્સ પહેરીને નીકળી ત્યારે દાદીમાએ કહ્યું, ‘આ શું ભિખારી જેવાં કપડાં પહેર્યાં છે, બીજાં કપડાં નથી?’ વાસ્તવમાં શૉર્ટ્સ સામે તેમને વાંધો નહોતો, કારણ કે નાનપણથી પહેરતી હતી. ફાટેલાં કપડાં કોઈ પહેરે? આ વાતનું આશ્ચર્ય હતું. હવે કુરતી પહેરીને નીકળું તો દાદીને મોટી થઈ ગઈ હોઉં એવું લાગે છે. આ એવી ફૅશન છે કે જૂનાં જીન્સ આડાંઅવળાં કપાઈ જાય તોય ટ્રેન્ડી લાગે છે તેથી મમ્મીના ટૂંકા જીન્સ પર એક્સપરિમેન્ટ્સ કર્યા છે. ગર્લ્સે ફાટેલા ડ્રેસ પહેરવા કે શરીર ઢંકાય એવા એ પર્સનલ ચૉઇસ હોવી જોઈએ. અનેક પુરુષો લુંગી પહેરે છે. પબ્લિક પ્લેસ પર અડધી લુંગી ચડાવીને બેઠા હોય છે. મહિલાઓ તેમને નજરઅંદાજ કરે છે એવી જ રીતે પુરુષોએ પણ મહિલાઓની પસંદગીને સ્વીકારવી જોઈએ. કોઈ ડ્રેસ ખરાબ નથી હોતો, જોનારની નજર ખરાબ હોય છે.’

Varsha Chitaliya columnists