આટલી બધી ટાઇપનાં વૅક્સ શું ખરેખર કામનાં છે?

05 July, 2022 03:57 PM IST  |  Mumbai | Aparna Shirish

આજે ચૉકલેટથી લઈને હની, લેમન, અલોવેરા જેવાં અનેક ટાઇપનાં હેર રિમૂવલ વૅક્સના ઑપ્શન્સ મળતા થયા છે ત્યારે આ ફ્લેવર્સ ખરેખર વાપરવાની જરૂર છે કે નહીં એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

વૅક્સ કયું વાપરવું એની પળોજળમાં પડવા કરતાં અનુભવી બ્યુટિશ્યન હોય એ વધુ જરૂરી છે.

વૅક્સિંગ સ્ત્રીઓના મન્થ્લી બ્યુટી કે સેલ્ફ-કૅર બજેટનો એક મહત્ત્વનો ભાગ છે. શરીર પરની ત્વચાને સ્મૂધ અને સિલ્કી બનાવવા માટે વૅક્સિંગ સરળ ઉપાય છે. આજકાલ પાર્લરમાં વૅક્સ કરાવવા જાઓ એટલે પહેલો પ્રશ્ન પુછાય, કયું વૅક્સ? નૉર્મલ કે ચૉકલેટ કે પછી અલોવેરા? અહીં વિચાર થાય કે વૅક્સ તો વૅક્સ છે, એમાં વળી ફ્લેવરનું શું કામ! કેટલાંક ફ્લેવર્ડ વૅક્સના પ્રકાર ખરેખર અજુગતા લાગે એવા હોય છે. જેમ કે સ્ટ્રૉબેરી વૅક્સ, ચૉકલેટ વૅક્સ વગેરે. જાણીએ આ વૅક્સની હકીકત શું છે. 

નામ અનેક, કામ એક | એલો વૅક્સથી સ્કિન સ્મૂધ બનશે, ચૉકલેટ વૅક્સથી ગ્રોથ ઘટી જશે; જેવી વાતો તમે તમારી બ્યુટિશ્યન પાસેથી સાંભળી હશે અને લોકો મોટા ભાગે એના પર વિશ્ચાસ રાખી સિમ્પલ અને જૂના સાકર અને લીંબુવાળા વૅક્સની સરખામણીમાં આ ફ્લેવર્ડ વૅક્સના બમણા અને ક્યારેક એનાથી વધુ પૈસા ચૂકવે છે. એ બાબતમાં જણાવતાં બ્યુટી અને મેકઅપના ફીલ્ડમાં પચીસ વર્ષનો અનુભવ ધરાવતાં અલ્પા શાહ કહે છે, ‘ફ્લેવર્ડ વૅક્સ મોટું માર્કેટિંગ ગિમિક છે એવું કહી શકાય, કારણ કે વૅક્સ ગમે તે વાપરો; એનો ઉપયોગ એક જ છે અને રિઝલ્ટ પણ એક જેવું જ મળવાનું છે. હેર રિમૂવલ માટે બનતા વૅક્સનો બેઝ સાકર અને લીંબુ હોય છે. ભાગ્યે જ કોઈ કંપની હની બેઝ્ડ વૅક્સ બનાવે છે અથવા એ પણ એસેન્સ જ ઉમેરે છે. ફ્લેવર્ડ વૅક્સમાં પણ સેમ સાકર અને લીંબુના બેઝવાળા વૅક્સમાં રંગ અને એસેન્સ ઉમેરવામાં આવે છે.’

કોઈ વિશેષ ફાયદો નહીં | ફ્લેવર્ડ વૅક્સમાં એસેન્સ અને રંગ હોવાને લીધે જો કોઈ દાવો કરતું હોય કે અલોવેરા વૅક્સમાં અલોવેરાના ગુણો છે અને સ્ટ્રૉબેરી વૅક્સમાં વિટામિન સી તો એ વાતો ખોટી છે. વૅક્સ ગમે તે પસંદ કરો, એનું રિઝલ્ટ એ જ મળવાનું જે સાદા નૉર્મલ વૅક્સનું મળે છે. પણ હા, દામ વધારે ચૂકવવા પડશે. 

એક્સ્ટ્રા ફીલ ગુડ ટ્રીટમેન્ટ | હેર રિમૂવલ કંપની સાઇકોલૉજિકલ અને ઇમોશનલ માર્કેટિંગ કરે છે એવું કહી શકાય. આ બાબતમાં અલ્પા શાહ કહે છે, ‘અમુક પૉપ્યુલર કંપનીનું વાઇટ ક્રીમ જેવું વૅક્સ કરાવવાનું હોય એટલે એની પહેલાં તમારી સ્કિનને સ્પેશ્યલ ક્લેન્ઝરથી ક્લીન કરવામાં આવે. વૅક્સ થઈ જાય એટલે સરસ સુગંધવાળું તેલ કે મૉઇશ્ચરાઇઝર લગાવી આપવામાં આવે અને એ લગાવ્યા પછી તમને સ્કિન સ્મૂધ લાગવાની જ. એની સરખામણીમાં નૉર્મલ વૅક્સ કરાવો તો ફક્ત હાથને પાણીથી ધોઈ આપવામાં આવે. કોઈ એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ નહીં. પણ બન્ને મેથડથી થયું તો હેર રિમૂવલ જ. અને સ્પેશ્યલ ટ્રીટમેન્ટમાં સ્પેશ્યલ રેટ્સ પણ હોય છે. તમે નૉર્મલ વૅક્સ કરાવી જો મૉઇશ્ચરાઇઝરથી બે મિનિટ મસાજ કરો તો પણ સ્કિન સૉફ્ટ થવાની જ.’ 

ટૂંકમાં વૅક્સ બધાં જ સરખાં છે અને એનો ઉપયોગ પણ એ જ છે. જરૂર છે તો અનુભવી બ્યુટિશ્યનની જે વૅક્સ કરવાની ટેક્નિક સમજતી અને જાણતી હોય, કારણ કે વૅક્સ ગમે તેટલું મોંઘું અને ખાસ હોય પણ જો એને લગાવવાની મેથડ યોગ્ય નહીં હોય તો સ્કિન પર ફોલ્લીઓ થઈ શકે. અને જો બ્યુટિશ્યન પર્ફેક્ટ હશે તો નૉર્મલ સાકર અને લીંબુવાળું વૅક્સ પણ બેસ્ટ છે.

ઇન્ટરનૅશનલ પ્રકાર

હવે ભારતમાં કેટલીક ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સ પણ આસાનીથી મળતી થઈ ગઈ છે. ખાસ કરીને યુટ્યુબ પર જેના ખૂબ વિડિયોઝ જોવા મળતા હોય છે એવાં રોલ ઑન વૅક્સ તેમ જ બીડ વૅક્સ. રોલ ઑન કે કાર્ટ્રિજ વૅક્સમાં એક સ્ટ્રિપ હોય છે. મશીનને ઑન કરતાં એ સ્ટ્રિપ ગરમ થાય છે અને એને ચામડી પર રોલ કરતાં ચપ્પુ કે સ્પૅટ્યુલાની મદદ વિના જ વૅક્સ લાગી જાય. પણ એ પછી કાગળની પટ્ટીઓથી જ વૅક્સને ચામડી પરથી ખેંચવાનું છે. બીજી મેથડમાં વૅક્સનાં બીડ એટલે કે દાણાને ગરમ કરી સ્કિન પર લગાવવાનાં હોય છે. થોડી વાર રહેવા દો એટલે એ પ્લાસ્ટિક જેવું કડક થઈ જાય અને એને ખેંચો એટલે વાળ પણ નીકળી જાય. આ બધી જ એક જુદો અનુભવ આપતી રીતો છે જે એની ટેક્નિકને લીધે ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જોકે એનું રિઝલ્ટ તો સેમ જ મળે છે.

columnists life and style