રેડી ફૉર પર્ફેક્ટ પાર્ટી લુક?

20 December, 2022 01:24 PM IST  |  Mumbai | Varsha Chitaliya

નવરાત્રિ જેવો જ જોશ આ વર્ષે ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેશન માટે દેખાઈ રહ્યો છે ત્યારે ઈવનિંગ પાર્ટીના ડ્રેસઅપ માટે ફૅશન-ડિઝાઇનરે શૅર કરેલા આઇડિયાઝ વાંચી ફટાફટ તૈયારીમાં લાગી જાઓ

રેડી ફૉર પર્ફેક્ટ પાર્ટી લુક?

ડિફરન્ટ દેખાવું હોય તો રેડને આ વર્ષે સાઇડમાં મૂકી દો. પાર્ટી ડ્રેસમાં ગોલ્ડ, ગ્રીન અને મૂન બ્લુ ટ્રાય કરી શકાય. ક્લાયન્ટ્સની ડિમાન્ડ પરથી મને લાગે છે કે ગ્રીન કલર તરફ મહિલાઓનો વધુ ઝુકાવ છે. 

પાર્ટી કલ્ચરનું આજકાલ ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળે છે. પાર્ટીમાં હટકે લુક મેળવવા ડિઝાઇનર ડ્રેસ પહેરવા નવી વાત નથી રહી. નવી સ્ટાઇલ અને ફૅશન સેટ કરવા માટે અત્યાર સુધી બૉલીવુડ જાણીતું હતું, પરંતુ હવે સ્ટાઇલિશ મહિલાઓની નજર ઇન્સ્ટાગ્રામ તસવીરો પર મંડાયેલી હોય છે. એમાંય ક્રિસમસ અને ન્યુ યર પાર્ટી અટેન્ડ કરવાની હોય ત્યારે વાત જ ન પૂછો. સ્ટાઇલિંગ, ફૅબ્રિક અને કલર્સ આ ત્રણેયમાં નવું શું ટ્રાય કરવું એ મહિલાઓ માટે પેચીદો પ્રશ્ન છે. તમે પણ આવી મૂંઝવણ અનુભવતા હો તો ફૅશન-ડિઝાઇનરોએ શૅર કરેલા આઇડિયાઝ વાંચીને ફટાફટ તૈયારીમાં લાગી જજો. 

ટ્રેન્ડિંગ ડિઝાઇન  

૨૦૨૨ની શરૂઆતથી જે રીતે ફેસ્ટિવલનું સેલિબ્રેશન ચાલ્યું છે એ જોતાં ન્યુ યર એક્સાઇટિંગ રહેશે એમાં કોઈ બેમત નથી એવું જણાવતાં ફૅશન-ડિઝાઇનર ઉન્નતિ ગાંધી કહે છે, ‘લોકોનો ઉત્સાહ અલગ જ લેવલનો છે. પૅન્ડેમિક પહેલાંનો સમય પાછો આવી ગયો છે. ફૅશનિસ્ટા મહિલાઓ અને યંગ ગર્લ્સ તો ખરી જ પણ સામાન્ય મહિલાઓ સુધ્ધાં બે વર્ષથી પોતાની ઇચ્છાઓ મારીને જીવતી હતી. ન્યુ યરમાં બધાને સ્ટાઇલિંગ કરવાનો જોશ છે. ડ્રેસિંગ અને ઍક્સેસરીઝમાં નવા એક્સપરિમેન્ટ્સ કરવા દરેક મહિલા તત્પર દેખાઈ રહી હોવાથી કંઈક નવું જોવા મળશે. વિન્ટર ફેસ્ટિવલમાં બ્યુટિફુલ માહોલ બનતો હોય છે. ગુલાબી ઠંડીની મોસમનો આનંદ લેતાં ન્યુ યરને નવી સ્ટાઇલમાં વેલકમ કરવું સૌને ગમે.’

ન્યુ યર પાર્ટીની ઉજવણી માટે મુંબઈગરાઓમાં નવરાત્રિ જેવો જોશ જોવા મળવાનો છે. દરેક સીઝનમાં ફૅશન-ડિઝાઇનરો ફૅબ્રિક, કલર્સ અને પૅટર્નમાં એક્સપરિમેન્ટ કરે છે. આ વર્ષે બ્લિંગ અને સીક્વન્સમાં સ્ટોનનું એલિમેન્ટ ઍડ કરવામાં આવ્યું છે એવી માહિતી આપતાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા અમૃતે કહે છે, ‘સામાન્ય રીતે ઈવનિંગ પાર્ટીમાં વેસ્ટર્ન ડ્રેસ વધુ ચાલે છે. નીચે સુધીની લેન્ગ્થના વનપીસ ગાઉન કમ્પ્લીટ્લી આઉટ છે. બહુ લાંબા નહીં અને એકદમ ની સુધીના ટૂંકા પણ નહીં એવા મિડ લેન્ગ્થ ડ્રેસ વિમેનને અટ્રૅક્ટ કરી રહ્યા છે. યંગ ક્રાઉડની પસંદગી શૉર્ટ ડ્રેસની જ રહેવાની. ક્રિસમસ લુક માટે વનપીસમાં બ્લેઝર, કૉલર અને કટ સ્લીવ્ઝ ટ્રેન્ડિંગ છે. ગ્લિટર શાઇનિંગ આપતા ડ્રેસ ઇન્ડિયન મિડલ એજેડ વિમેન પર સ્માર્ટ લાગશે. ન્યુ યરમાં સેમ ફૅબ્રિકના ટૂ-પીસ ડ્રેસ પણ ટૉપ પર રહેશે. ક્રૉપ ટૉપ અને સ્કર્ટ માટે ક્રેઝીનેસ જોવા મળે છે.’

ઈવનિંગ પાર્ટીમાં ગ્લિટર ડ્રેસનું સ્થાન હંમેશાં ટૉપ પર રહેવાનું. ક્રિસમસ પાર્ટી શિમર અને સીક્વન્સ વિના અધૂરી ગણાય છે. જોકે યુનિક પાર્ટી લુક માટે સીમલેસ રાઇનસ્ટોન ડ્રેસ પર્ફેક્ટ ચૉઇસ કહી શકાય એવી વાત કરતાં ઉન્નતિ કહે છે, ‘જૅકેટ્સ અને ગાઉન તો અવેલેબલ છે જ, એનાં લેગિંગ્સ અને સ્ટૉકિંગ્સ જેવાં શૂઝ પણ આવી ગયાં છે. સ્ટાઇલિશ દેખાવાનો શોખ ધરાવતી મહિલાઓએ ટ્રાય કરવું જોઈએ. પૅટર્નમાં ટ્યુલિપ, શૉર્ટ ડ્રેસ, એસિમેટ્રિકલ અને સ્કેટર્સ ડિમાન્ડમાં છે. આ સીઝન કટ્સ, કોડ્સ અને બૉડીકોન ડ્રેસિસની છે. કોડ્સમાં ટૉપ અને સ્કર્ટ, ટૉપ અને ટ્રાઉઝર, બ્લેઝર વિથ ટ્રાઉઝર, બૉમ્બર જૅકેટ્સની ડિઝાઇન દરેક એજ ગ્રુપને પસંદ પડી રહી છે.’

આ પણ વાંચો :  ટ્‍વિનિંગ કરવાનું વિચારતા હો તો આટલું જાણી લેજો

ફૅબ્રિક ઍન્ડ કલર્સ 

ક્રિસમસમાં રેડ બેઝિક કલર મનાય છે, પરંતુ આ સીઝનમાં લોકો નવું-નવું ટ્રાય કરવાના મૂડમાં છે એવી વાત કરતાં ઉન્નતિ કહે છે, ‘મોટા ભાગની મહિલાઓને સ્પાર્કલ અને શિમર ફૅબ્રિકના ડ્રેસ પહેરવા છે. જોકે નવી સીઝનમાં રાઇનસ્ટોન મૅશ (નેટ) ફૅબ્રિક ટૉપ પર રહેશે. આ ફૅબ્રિક દેખાવમાં એલિગન્ટ છે. લોકોને ખૂબ અટ્રૅક્ટ કરતા તેમ જ ડિમાન્ડના કારણે એનો ભાવ વધી ગયો હોવા છતાં ટ્રેન્ડમાં રહેશે. ગ્રીન, પર્પલ, સિલ્વર કલર્સ પાર્ટીમાં ગ્લૅમરસ લુક આપશે. ટ્રેન્ડિંગ ફૅબ્રિકમાં પાઉડર પિન્ક, આઇસ બ્લુ અને ગ્રે સુપર્બ કલર છે. ડાર્કર ટોનમાં રેડની જગ્યાએ ફૉરેસ્ટ ગ્રીન, રૉયલ બ્લુ, મરૂન અથવા માસાલા (રેડ વાઇન જેવો કલર) કલર્સ પાર્ટી સીઝનમાં પ્રિટી લાગશે. આજકાલ લોકોનું સોશ્યલ સર્કલ વધી ગયું છે અને લગભગ બધા એક કરતાં વધુ પાર્ટી અટેન્ડ કરવાના છે. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીમાં જેટલી પાર્ટી અટેન્ડ કરવાની હોય એ પ્રમાણે વેરિએશન ઍડ કરી શકો છો.’ 

ક્રિસમસ પાર્ટીમાં રેડ કલર હવે બોરિંગ અને ટિપિકલ લાગે છે. બે વર્ષથી આમેય બધા બોરિંગ લાઇફ જીવી રહ્યા છે તેથી નવા કલર્સ પહેરો એવી ભલામણ કરતાં પરિણી કહે છે, ‘હાલમાં હું બૅન્ગકૉકમાં છું અને ક્રિસમસ શૉપિંગમાં અહીં મને રેડ અને બ્લૅક જોવા જ નથી મળ્યા. 

ડિફરન્ટ દેખાવું હોય તો રેડને આ વર્ષે સાઇડમાં મૂકી દો. પાર્ટી ડ્રેસમાં બ્રાઇટ કલર્સ પર્ફેક્ટ ચૉઇસ કહેવાય. ગોલ્ડ, ગ્રીન અને મૂન બ્લુ ટ્રાય કરી શકાય. ક્લાયન્ટ્સની ડિમાન્ડ પરથી મને લાગે છે કે ગ્રીન કલર તરફ મહિલાઓનો વધુ ઝુકાવ છે. ગ્રીન ડ્રેસ સાથે રેડ નેઇલ પેઇન્ટ, રેડ બૅગનું કૉમ્બિનેશન અટ્રૅક્ટિવ લાગશે. વાઇટને પણ ફોકસમાં રાખી શકાય. બૅન્ગકૉકમાં મને ન્યુડ અને શૅમ્પેન ટોન કલરના ડ્રેસ વધારે જોવા મળ્યા. યંગ વિમેન માટે આ પણ યુનિક કલર્સ છે. ફ્લોઇ અને શાઇની ફૅબ્રિક ઇનથિંગ છે. ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટી ઈવનિંગમાં હોય તેથી ડ્રેસિંગની સાથે મેકઅપ પણ પર્ફેક્ટ હોવો જોઈએ. આઇ મેકઅપને યુનિક અને બોલ્ડ લુક સાથે હાઇલાઇટ કરવાથી ગેટઅપ ચેન્જ થઈ જશે.’ 

બ્લૅક ઇઝ બ્યુટિફુલ

નિષ્ણાતોના મતે નવી સ્ટાઇલ કૅરી કરવી અને એક્સપરિમેન્ટ્સ કરવા દરેક મહિલા માટે પૉસિબલ નથી. હૉટ અને હૅપનિંગ લુકની સાથે કમ્ફર્ટ ફીલ કરવા માગતા હો તો બ્લૅક કલરમાં વેરિએશન ઍડ કરો. બ્લૅક ટ્રેન્ડી, સેફર, એવરગ્રીન અને ઑલ ઓકેઝન કલર છે. ઓવરસાઇઝ્ડ વિમેનને બ્લૅક કલર થિન લુક આપે છે. ડ્રેસિંગમાં કંઈ સૂઝતું ન હોય કે કન્ફ્યુઝન હોય તો આંખ બંધ કરીને બ્લૅક ડ્રેસ ખરીદી લો. પાર્ટીમાં સેક્સી અને એલિગન્ટ લુક આપશે. ક્રિસમસ સેલિબ્રેશનની પાર્ટીમાં ઑફિસમાંથી સીધા જવાનું હોય ત્યારે બ્લૅક કૉમ્બિનેશનમાં કેપ સ્ટાઇલ એથ્નિક વેઅર પણ અટ્રૅક્ટિવ લાગશે. બ્લૅક સાથે ડાયમન્ડનું કૉમ્બિનેશન ઑલ્વેઝ બ્યુટિફુલ લાગવાનું.  

આ પણ વાંચો : પુલઓવર્સ કઈ રીતે પહેરવાં એ કાર્તિક આર્યન પાસેથી શીખવા જેવું

જો-જો ચૂકી ન જવાય

ડ્રેસ અરેન્જ કરવાની દોડાદોડીમાં મહિલાઓ એટલી જોશમાં આવી જાય છે કે સૅલોંની અપૉઇન્ટમેન્ટ લેવાનું રહી જાય છે. પાર્લરમાં જઈને રાહ જોવી પડે એના કરતાં પહેલેથી બ્યુટિશ્યન સાથે વાત કરી લેવામાં સમજદારી છે. થોડા પૈસા વધારે ચૂકવતાં બ્યુટિશ્યન ઘરે આવવા તૈયાર હોય તો બેસ્ટ ડીલ કહેવાય. સ્કિન ટૅનિંગ દૂર કરવા બૉડી પૉલિશિંગ અને હેર સ્પા ખાસ કરાવવું.

columnists fashion news fashion christmas new year Varsha Chitaliya