વેસ્ટર્ન ડ્રેસ નથી? તો વાંધો નહીં, મમ્મીની સાડીમાંથી બનાવી લો ગાઉન

22 December, 2023 09:07 AM IST  |  Mumbai | Heena Patel

ક્રિસમસ કે ન્યુ યર પાર્ટીમાં પહેરવા માટે તમારા વૉર્ડરોબમાં કોઈ સારો ગાઉન, વન-પીસ વેસ્ટર્ન ડ્રેસ ન હોય તો ચિંતા ન કરો, તમારાં માસી-મમ્મીની સાડીઓથી પણ કામ ચાલી જશે.

પ્રતીકાત્મક તસવીર

શું તમે ગાઉન પહેરીને પાર્ટીમાં જવાનું વિચારી રહ્યાં છો? જૂના જે ગાઉન છે ઑલરેડી તમે પાર્ટીમાં પહેરી ચૂક્યાં છો અને નવા ગાઉન ખરીદવા જશો તો પૈસા ખર્ચાઈ જશે. વેસ્ટર્ન પાર્ટી ડ્રેસ પહેરવાના એટલા અવસર નથી આવતા એટલે એમાં વધુ પૈસા ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા નથી? છતાં તમને ક્રિસમસ પાર્ટીમાં પહેરવા માટે નવો ગાઉન પણ મળી જાય અને પૈસા પણ ન ખર્ચવા પડે એવા કોઈ જુગાડની શોધમાં છો? તો આ જુગાડ છે સાડી ગાઉન

તમે તમારી કે મમ્મીની કોઈ પણ સાડીને ડ્રેપ કરીને એમાંથી ૧૦ મિનિટમાં નવો ગાઉન રેડી કરી શકો છો. આની ટિપ્સ આપતાં પ્રોફેશનલ સાડી ડ્રેપર મયૂરી બિયાણી કહે છે, ‘સૌથી સારી વાત છે કે સાડીમાંથી ગાઉન બનાવતી વખતે તમારી સાડીમાં તમારે કોઈ પણ જાતના ટાંકા લેવાની કે કટિંગ કરવાની જરૂર નહીં પડે. એટલે ગાઉન બનાવવાના ચક્કરમાં સાડી ખરાબ થઈ જશે એવું તમારે વિચારવાની કોઈ જરૂર નથી. ગાઉન સ્ટાઇલમાં સાડી ડ્રેપ કરવા માટે તમારે ફક્ત બે જ વસ્તુની જરૂર પડશે. એક તો નાડું અને બીજી સેફ્ટી પિન. તમે ઇચ્છો તો સાડીમાંથી તમે ડિફરન્ટ સ્ટાઇલના ગાઉન બનાવી શકો છો. જેમ કે વન-શૉલ્ડર ગાઉન, હાઈ સ્લિટ ગાઉન, કૉલર્ડ ગાઉન, હાઈ-લો ગાઉન વગેરે. એ સિવાય તમે પલાઝો સેટ પર પણ મૉડર્ન વેમાં સાડી ડ્રેપ કરીને હટકે વેસ્ટર્ન લુક મેળવી શકો છો. એ માટે તમારે બસ એ હિસાબે ડ્રેપિંગ સ્ટાઇલ શીખવાની છે.’

ફૅબ્રિકની પસંદગીમાં ધ્યાન
સાડીમાંથી ગાઉન બનાવવો હોય તો સાડીનું ફૅબ્રિક પસંદ કરવામાં સાવધાની જરૂરી છે. પ્લેન સાડી છે કે એમાં કોઈ પૅટર્ન છે એ પણ જોવું જરૂરી છે. આવાં પસંદગીનાં ધારાધોરણો સમજાવતાં મયૂરી બિયાણી કહે છે, ‘તમારી સાડી નૉન-ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. ટ્રાન્સપરન્ટ સાડી હશે તો એ ગાઉન પણ ટ્રાન્સપરન્ટ થઈ જશે જે ભદ્દું લાગશે. બીજું એ કે સાડીનું જે મટીરિયલ છે એ ફ્લોઇ હોવું જોઈએ. એટલે ગાઉન માટે સૅટિન અને ક્રેપ સિલ્કની સાડી બેસ્ટ ઑપ્શન છે. ફૅબ્રિક સિવાય સાડીની પૅટર્ન કેવી છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે તમારે એવી સાડી સિલેક્ટ ન કરવી જોઈએ જેની ડિઝાઇન એકદમ ટ્રેડિશનલ હોય. મારા મતે ગાઉન માટે એકદમ પર્ફેક્ટ કોઈ પૅટર્ન હોય તો એ પ્લેન સાડી પર પાતળી ગોલ્ડન કે સિલ્વર જરીની બૉર્ડર હોય એ છે. તમે ઇચ્છો તો મૉડર્ન ડિઝાઇનવાળી પ્રિન્ટેડ સાડીમાંથી પણ ગાઉન બનાવી શકો છો. કલરની વાત કરીએ તો ગાઉન માટે હંમેશાં ડાર્ક કલરની સાડી પ્રિફર કરવી જોઈએ. ક્રિસમસ થીમના હિસાબે કલરની વાત કરીએ તો રેડ, ગ્રીન, બ્લૅક, વાઇટ કલરના ગાઉન પહેરીને તમે પાર્ટીમાં જઈ શકો.’

આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી
સામાન્ય રીતે આપણે સાડી પહેરીએ ત્યારે નીચે પેટિકોટ પહેરીએ એટલે નીચેની આપણી જે પ્લીટ્સ હોય એનું વજન પેટિકોટ ઉઠાવી લે છે. હવે સાડી ગાઉન હોય એ સ્લિપ અને ટાઇટ્સ પર પહેરવાનો હોય છે. એટલે સાડી ગાઉન પહેરવા માટે તમારે કમરમાં નાડું બાંધવું પડે છે. આ નાડું સરખી રીતે તમારી પ્લીટ્સને પકડીને રાખી શકશે કે નહીં એ જોવું જરૂરી છે. બીજું એ કે સાડી ડ્રેપ કરી લીધા બાદ એના પર એક સ્ટાઇલિશ બેલ્ટ જરૂર પહેરવો જોઈએ. આનાથી બે ફાયદા થશે. એક તો તમારા ગાઉનનો લુક એન્હેન્સ થશે અને બીજું એ કે કમરમાં તમે જે પ્લીટ્સ ટક ઇન કરી છે એ બેલ્ટ નીચે ઢંકાઈ જશે. ડિફરન્ટ સ્ટાઇલમાં સાડી ગાઉન કઈ રીતે પહેરાય એ વિશેના અસંખ્ય વિડિયોઝ તમને યુટ્યુબ પર ઈઝીલી મળી જશે. એટલે આ વખતે ક્રિસમસ પાર્ટીમાં સાડી ગાઉન ટ્રાય કરવાનું ભૂલતા નહીં.

મયૂરી બિયાણી પાસેથી જાણીએ ત્રણ અલગ-અલગ સ્ટાઇલમાં સાડી ગાઉન કઈ રીતે પહેરાય એ
વન-શૉલ્ડર ગાઉન - સૌથી પહેલાં તો એક સાઇડથી સાડીના ખૂણાને લઈને એની ડાબા ખભા પર ગાંઠ વાળી લો. સાઇડનો જે ખુલ્લો ભાગ છે એને પિન લગાવીને કવર કરી લો. એ પછી કમરમાં એક નાનું એવું નાડું બાંધી દો. નીચેથી સાડીની એક-એક પાટલીને વાળી એને કમરની ગોળ ફરતે ખોસતા જાઓ. એટલે તમારો વન-શૉલ્ડર ગાઉન રેડી થઈ જશે. 
સ્લિટ ગાઉન - આ ગાઉન માટે સૌથી પહેલાં લાંબી સાડીને બે સરખા ભાગમાં વહેંચી વચ્ચેના ભાગને ભેગો કરીને એને નાડાથી બાંધી લો. આ ભાગને ગળાની પાછળ નાખી દો. એ પછી આગળથી સાડીને સરખી રીતે સેટ કરીને કમર પર નાડું બાંધી લો. એ પછી સાડીનો જે નીચેનો ભાગ છે એની એક-એક પાટલી વાળીને એને કમર ફરતે વીંટાળતા જાઓ. કમરમાં પાટલી એ રીતે ખોસવી જેથી એક સાઇડ નીચેથી સ્લિટ દેખાય. 
હાઈ-લો ડ્રેસ - સૌથી પહેલાં તો સાડીનો જે પલ્લુ તેને ઉપરથી થોડો ફોલ્ડ કરીને ટૉવેલની જેમ એને શરીર ફરતે વીંટાળી પાછળથી એને સરખી રીતે પિનઅપ કરી દો. એ પછી પાછળથી બંને બાજુ સાડીને સરખા ભાગમાં વહેંચીને સાડીની પાટલી બનાવી દો. એ પાટલીને સાઇડથી કમરમાં ખોસી દો. એટલે તમારો હાઈ-લો ડ્રેસ રેડી થઈ જશે.

fashion news fashion life and style columnists