બન બની ગયો છે સેલિબ્રિટી અપ્રૂવ્ડ હેરસ્ટાઇલ

06 September, 2022 02:39 PM IST  |  Mumbai | Aparna Shirish

એથ્નિકથી લઈને કૅઝ્યુઅલ અને ફૉર્મલ સુધી બધે જ ફેવરિટ બનેલા અંબોડામાં અનેક વેરિએશન કરી શકાય છે

દીપિકા પાદુકોણ

નવરાત્રિ આવી રહી છે ત્યારે અંબોડાની હેરસ્ટાઇલ માનુનીઓની ફેવરિટ બની જાય છે. અને આ વર્ષે તો વિશ્વભરમાં ગરમી અને હીટ વેવને કારણે અંબોડો બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધી બધે જ અપનાવાયો છે. બ્રાઇડલ લુકમાં સબ્યસાચીના ડિઝાઇનર લુકવાળો ફ્લૅટ બન અને કૅઝ્યુઅલ લુક માટે મેસી બન આમ અનેક વેરિએશન બનમાં શક્ય છે. 

હાલની હૉટ ટ્રેન્ડ હેરસ્ટાઇલ વિશે વાત કરતાં મેકઅપ અને હેર આર્ટિસ્ટ નિશા પુંજાણી કહે છે, ‘અંબોડો ભારતીય સ્ત્રીનો જ નહીં પણ હવે આખા વિશ્વમાં ફેવરિટ બની ગયો છે. એ કમ્ફર્ટેબલ અને સુંદર લાગે છે અને ગરમીના દિવસો માટે બેસ્ટ અને કોઈ પણ આઉટફિટ સાથે સારો લાગે છે.’

સ્લિક બન 

સ્લિક બન કે જે બેલેરીના બન તરીકે પણ ઓળખાય છે એ ફ્લૅટ લુક આપે છે અને ખૂબ સિમ્પલ લાગે છે. ફૉર્મલમાં બ્લેઝર કે ગાઉન સાથે અથવા એથ્નિકમાં લેહંગા અને સાડી સાથે આવો સ્લિક અને ફ્લૅટ અંબોડો સુંદર લાગે છે. આ વિશે નિશા પુંજાણી કહે છે, ‘અંબોડામાં તમે કેવી ટાઇપની ઍક્સેસરીઝ નાખો છો એના પરથી એ ઓકેઝન અને ડ્રેસ માટે સૂટ થશે કે નહીં એ કહી શકાય. ફૉર્મલ્સ સાથે કે કૅઝ્યુઅલ માટે પહેરો ત્યારે બનમાં ઍક્સેસરીઝ ન હોય, જ્યારે ચણિયાચોળી કે સાડી સાથે અંબોડાની હેરસ્ટાઇલ કરો ત્યારે એમાં ફ્રેશ કે આર્ટિફિશ્યલ ફ્લાવર્સની ઍક્સેસરીઝ મસ્ટ છે. અનારકલી ડ્રેસિસ કે ફેસ્ટિવ વેઅર સાથે ગજરાવાળો બન સારો લાગશે.’

કઈ રીતે કરશો? |  સ્લિક બન બનાવવા માટે હેરસ્પ્રે કે જેલ લઈ આગળથી સેંથો પાડી લેવો. ફ્લૅટ લુકમાં વાળ બેસાડી પાછળ પોનીટેઇલ વાળી પછી બન બનાવવો. બન પર નેટ લગાવવી અને પિન્સથી ફૂલ કે ગજરો ફિક્સ કરવો. 

મેસી બન | મેસી બન ફૅશનેબલ યુવતીઓનો ફેવરિટ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલનો દીપિકા પાદુકોણનો ટ્રાઉઝર્સ અને શર્ટવાળો લુક યાદ છે? બન્ને સાઇડથી લટો કાઢી કરવામાં આવતો લૂઝ પણ કમ્ફર્ટેબલ એવો મેસી બન કૅઝ્યુઅલ તેમ જ બ્રાઇડલ લુક સાથે સ્ટાઇલિશ લુક આપે છે. મેસી બન વિશે નિશા કહે છે, ‘ટ્વિસ્ટેડ સ્ટાઇલમાં મેસી બન સુંદર લાગે છે. એથ્નિક લુકની વાત આવે ત્યાં ખાસ કરીને બ્રાઇડ્સ આવો મેસી બન રિસેપ્શન માટે પસંદ કરે છે. અહીં પણ ફ્લોરલ ઍક્સેસરીઝ અને રિયલ ફ્લાવર્સથી મેસી બનને વધુ સુંદર બનાવી શકાય.’

કેવી રીતે કરશો? 

મેસી બન જાતે કરવો થોડો મુશ્કેલ છે. મેસી બનમાં સાઇડ પાર્ટિંગ વધુ શોભે છે. ફ્રન્ટથી લટ કાઢી કે એની બ્રેઇડ બનાવી કે પછી થોડો પફી લુક આપી પાછળના વાળને અવ્યવસ્થિત રીતે બાંધી લેવા. આ જ છે મેસી બન. અહીં ચૅલેન્જ એ છે કે મેસી હોવા છતાં એ હેરસ્ટાઇલ કર્યા બાદ સુંદર લાગવી જોઈએ. વાળમાં હાઇલાઇટ્સ કરાવેલા હોય તો મેસી બન વધુ સુંદર લાગે છે. 
ટૂંકા વાળમાં પણ શક્ય છે એવું જણાવતાં નિશા પુંજાણી કહે છે, ‘મારા પોતાના વાળ બ્લન્ટ કટ હોવા છતાં હુ બન વાળી શકું છું. નાના વાળમાં પણ એ શક્ય છે. એક પોનીટેઇલ વાળી એમાં વાળનું રેડીમેડ મળતું સ્ટફિંગ નાખી બન બનાવી શકાય. ઉપરથી નેટ લગાવી વાળને સિક્યૉર કરી લો. એ રિયલ લાંબા વાળના અંબોડા જેવો જ લુક આપે છે.’

columnists fashion news fashion life and style