સ્પ્રિંગ ફૅશનમાં આ વર્ષે શું છે ટ્રેન્ડમાં?

24 February, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણો શ્રેષ્ઠ આઉટફિટ્સ અને સ્ટાઇલિંગ ટિપ્સ

ફ્લોરલ ડ્રેસ, પેસ્ટલ જૉગર્સ, કૉટન લેગિંગ્સ, ક્રૉપ ટૉપ્સ

વસંત ઋતુ માત્ર પ્રકૃતિના ખીલવાનો સમય નથી પણ તમારી પર્સનાલિટીને રંગો, આરામ અને આત્મવિશ્વાસ સાથે અભિવ્યક્ત કરવાની શ્રેષ્ઠ તક છે. શિયાળાની ભારે ઠંડી વિદાય લેતી હોય અને ઉનાળાની શરૂઆત થતી હોય ત્યારે યોગ્ય આઉટફિટની પસંદગી તમને તાજગીસભર રાખી શકે છે.

વસંત ઋતુ ફૅશનના પ્રયોગો કરવા માટેનો સૌથી ઉત્તમ સમય છે. શિયાળાની ભારે ઠંડી વિદાય લેતી હોય અને ઉનાળાનો તાપ હજી બહુ વધ્યો ન હોય ત્યારે હળવાં, સુંદર અને સ્ટાઇલિશ કપડાં પહેરવાની મજા જ કંઈક અલગ હોય છે. આ સીઝન માટે કયા પ્રકારનાં આઉટફિટ્સ સૌથી વધુ લોકપ્રિય છે અને એને કેવી રીતે સ્ટાઇલ કરવાં એની વિગતવાર માહિતી અહીં છે.

ફ્લોરલ ડ્રેસ

વસંતની ખરી ઓળખ એટલે હળવા ફ્લોરલ ડ્રેસ. બ્રન્ચ, પિકનિક કે કૅઝ્યુઅલ ડેટ માટે આ ડ્રેસ એકદમ પર્ફેક્ટ છે. ફ્લોરલ પ્રિન્ટ લુકમાં તાજગી લાવે છે. તમે એને લેગિંગ્સ સાથે અથવા સ્વતંત્ર રીતે પણ પહેરી શકો છો.

ટિપ : સૌમ્ય લુક માટે મિનિમલ જ્વેલરી અને સૅન્ડલ્સ પહેરો.

પેસ્ટલ જૉગર્સ

જૉગર્સ હવે માત્ર લાઉન્જવેઅર નથી રહ્યાં, એ એક ફૅશન સ્ટેટમેન્ટ બની ગયાં છે. લૅવન્ડર, મિન્ટ અને પીચ જેવા પેસ્ટલ રંગનાં જૉગર્સ ૨૦૨૬માં ખૂબ લોકપ્રિય છે. એને ક્રૉપ ટૉપ, કૅઝ્યુઅલ ટી-શર્ટ કે ઓવરસાઇઝ્ડ શર્ટ સાથે પહેરીને સ્ટાઇલિશ લુક મેળવી શકાય છે. 

ટિપ : કૉલેજ-રેડી લુક માટે જૉગર્સને સ્નીકર્સ અને ડેનિમ જૅકેટ સાથે સ્ટાઇલ કરો.

કૉટન લેગિંગ્સ

આના વગર ઉનાળા કે વસંત ઋતુનો વૉર્ડરોબ અધૂરો છે. આરામદાયક અને બ્રીધેબલ હોવાને કારણે એ ટ્યુનિક, ટૉપ્સ કે કુરતા સાથે ખૂબ સરસ લાગે છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લેગિંગ્સ, દરેક લુકમાં ફિટ બેસે છે. 

ટિપ : પર્ફેક્ટ ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે ડાર્ક લેગિંગ્સને ફ્લોરલ ટ્યુનિક સાથે પહેરો.

ક્રૉપ ટૉપ્સ 

યંગ ગર્લ્સની આ પહેલી પસંદ છે. પ્લેન, પેસ્ટલ કે પ્રિન્ટેડ ક્રૉપ ટૉપ્સને જૉગર્સ, સ્કર્ટ્સ અથવા હાઈ-વેસ્ટ લેગિંગ્સ સાથે સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે. 

ટિપ : બહાર ફરવા જવા માટે પેસ્ટલ ક્રૉપ ટૉપ પર હળવું શ્રગ લેયર કરો.

લેયર્ડ આઉટફિટ્સ

વસંતની સાંજ ઘણી વાર ઠંડી હોય છે તેથી લેયરિંગ જરૂરી બની જાય છે. લેગિંગ્સ અથવા ડ્રેસ પર શ્રગ કે ઓવરસાઇઝ્ડ શર્ટ પહેરવાથી સ્ટાઇલિશ લુક તૈયાર થાય છે. 

ટિપ : પેસ્ટલ આઉટફિટ્સ સાથે બેજ અથવા સફેદ જેવા ન્યુટ્રલ કલરના લેયર પસંદ કરો.

સ્ટાઇલિંગ ટિપ્સ

કાપડની પસંદગી : ગરમીની શરૂઆત હોવાથી હંમેશાં હળવાં અને આરામદાયક કાપડ જેવાં કે કૉટન, લિનન, રેયૉન જેવાં બ્રીધેબલ કાપડનો ઉપયોગ કરો.

પેસ્ટલ રંગોનો જાદુ : અત્યારે સૌમ્ય રંગોનો ટ્રેન્ડ છે. તમારા વૉર્ડરોબમાં લૅવન્ડર, પીચ, મિન્ટ ગ્રીન અને પાઉડર બ્લુ જેવા રંગોનાં આઉટફિટ્સ ઉમેરો.

પ્રિન્ટ્સનું સંતુલન : જો તમે ફ્લોરલ ટૉપ પહેરતા હો તો એની સાથે નીચે પ્લેન પૅન્ટ કે લેગિંગ્સ પહેરો. એવી જ રીતે જો નીચે પ્રિન્ટેડ સ્કર્ટ કે પલાઝો હોય તો ઉપર પ્લેન ટૉપ પહેરવું. આ રીતે પ્રિન્ટ અને પ્લેનનું સંતુલન જાળવવાથી લુક વધુ વ્યવસ્થિત લાગે છે.

ઍક્સેસરીઝમાં સાદગી : વસંતમાં હેવી જ્વેલરીને બદલે લાઇટ જ્વેલરી જેમ કે પાતળી ચેઇન કે નાની ઇઅરરિંગ્સ પસંદ કરો. સાથે જ ટોટ બૅગ અને પેસ્ટલ કલરનાં સ્નીકર્સ તમારા લુકને આધુનિક અને ફ્રેશ ટચ આપશે. 

fashion fashion news life and style lifestyle news columnists