23 June, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હીંચકો
એક જમાનો હતો જ્યારે ગામડાના મોટા ઘરના આંગણામાં કે ઓસરીમાં લાકડાના, ભારે લોઢાની સાંકળવાળા હીંચકા ફરજિયાત જોવા મળતા. બદલાતા સમય સાથે ઘરનાં કદ નાનાં થયાં છે, પણ હીંચકા પ્રત્યેનો આપણો પ્રેમ જરાય ઓછો નથી થયો. આજે મૉડર્ન ફ્લૅટ્સ કે બંગલાઓમાં પણ લોકો કસ્ટમાઇઝ્ડ હીંચકા રાખવાનું પસંદ કરે છે. જો તમે પણ તમારા ઘરમાં હીંચકો ઉમેરવાનું વિચારી રહ્યા હો તો જગ્યાની મર્યાદા અને ઘરના ઇન્ટીરિયરને ધ્યાનમાં રાખીને એનું સિલેક્શન કરવું ખૂબ જરૂરી છે. તો જાણીએ ઘરના કયા ખૂણા માટે કેવા પ્રકારનો હીંચકો બેસ્ટ સાબિત થશે.
લિવિંગરૂમ
ઘરનો મુખ્ય ભાગ ગણાતો લિવિંગ રૂમ મોટો હોય તો તમે ત્યાં ટ્રેડિશનલ ટચ આપતો લાકડાનો સોફા-સ્ટાઇલ હીંચકો મૂકી શકો છો. પિત્તળની ડિઝાઇનર સાંકળો અને આકર્ષક કુશનવાળો બે કે ત્રણ સીટનો હીંચકો લિવિંગ રૂમને એક શાનદાર લુક આપે છે. એને સોફા સેટની સમાંતર એવી રીતે ગોઠવો જેથી મહેમાન આવે તો તેમની સાથે વાતચીત કરવામાં સરળતા રહે.
સ્ટડી-કૉર્નર
જો તમારી પાસે જગ્યા ઓછી છે અથવા લિવિંગ રૂમના કોઈ એક ખૂણાને હાઇલાઇટ કરવો છે તો પરંપરાગત હીંચકાના સ્થાને મૉડર્ન ઑપ્શન પસંદ કરો. સિંગલ-સીટર મક્રામી જે ગૂંથેલો હીંચકો આવે એ અથવા ટેરાકોટા કલરનો સિંગલ ડ્રૉપ સ્વિંગ. આ હીંચકા સીલિંગમાં લટકાવી શકાય છે અને એ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. એનાથી રૂમ મોકળો અને મૉડર્ન લાગે છે.
બેડરૂમ
જો તમને બેડરૂમમાં પુસ્તક વાંચતાં-વાંચતાં કે મ્યુઝિક સાંભળતાં હીંચવાનો શોખ હોય તો અહીં એકદમ સૉફ્ટ અને આરામદાયક વાઇબ્સ હોવી જોઈએ. કાપડનો બનેલો હૅમક સ્વિંગ અથવા ગાદીવાળો ફૅબ્રિક સીલિંગ સ્વિંગ હીંચકો બેસ્ટ છે જે તમારા બેડરૂમના કલર-ટોન સાથે મૅચ થતો હોય અને રૂમને વધુ કોઝી બનાવે.
બાલ્કની કે ટેરેસ
સાંજની ચા કે સવારના ન્યુઝપેપરનો આનંદ લેવા માટે બાલ્કની સૌથી બેસ્ટ જગ્યા છે. અહીં હવા-ઉજાસ અને આઉટડોર વાતાવરણ હોવાથી હીંચકાનું મટીરિયલ મજબૂત હોવું જોઈએ. બાલ્કની માટે વેધર-પ્રૂફ રૉટ-આયર્ન અથવા વાંસ-વેતરનો ઓવલ શેપનો સ્ટૅન્ડવાળો હીંચકો બેસ્ટ છે. એને સીલિંગમાં ફિક્સ કરવાની જરૂર નથી પડતી, જેથી તમે ગમે ત્યારે એની દિશા બદલી શકો છો.
સ્માર્ટ હીંચકો
જો તમારા ઘરમાં સ્પેસ ઓછી છે અથવા તમે લિવિંગ રૂમને એકદમ મિનિમલિસ્ટિક અને ક્લટર-ફ્રી રાખવા માગો છો તો મોટરાઇઝ્ડ હીંચકાનો ઑપ્શન તમારા માટે બેસ્ટ છે. આ સ્પેશ્યલ હીંચકાની આખી મેકૅનિઝમને છતની ફૉલ્સ સીલિંગની અંદર કન્સીલ કરવામાં એટલે કે છુપાવી દેવામાં આવે છે. જ્યારે તમારે હીંચકે બેસવું હોય ત્યારે માત્ર રિમોટ કન્ટ્રોલનું એક બટન દબાવતાં જ હીંચકો સીલિંગમાંથી નીચે આવી જાય છે. જ્યારે એનો ઉપયોગ ન કરવો હોય ત્યારે એ પાછો ઉપર જઈને ફૉલ્સ સીલિંગનો જ એક ભાગ બની જાય છે અને નીચેની આખી જગ્યા ખાલી થઈ જાય છે. લિવિંગરૂમ, મલ્ટિપર્પઝ હૉલ અથવા ઘરના એવા ખૂણામાં જ્યાં ક્યારેક મહેમાનો માટે વધુ સ્પેસની જરૂર પડતી હોય ત્યાં આવા સ્માર્ટ હીંચકાને લગાવી શકાય.
છતમાં હીંચકો ઇન્સ્ટૉલ કરતી વખતે હુક એકદમ મજબૂત હોવો જોઈએ. ખાસ કરીને જો ઘરમાં બાળકો હોય તો સેફ્ટી-ચેક કરાવવું અનિવાર્ય છે.
હીંચકો જ્યારે આગળ-પાછળ થાય ત્યારે દીવાલ કે અન્ય ફર્નિચર સાથે અથડાય નહીં એટલી જગ્યા ઓછામાં ઓછી ત્રણથી ૪ ફુટ આગળ અને પાછળ રાખવી.