સોનાલી બેન્દ્રેએ પહેરેલાં લૉન્ગ ઇઅર રિંગ્સ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયાં છે

05 August, 2025 06:58 AM IST  |  Mumbai | Kajal Rampariya

લૉન્ગ ઇઅર-રિંગ્સનો ટ્રેન્ડ છે ત્યારે કઈ રીતે આ ઍક્સેસરી તમારા લુકને એન્હૅન્સ કરે છે એ જાણીએ. એની સાથે લૉન્ગ ઇઅર-રિંગ્સમાં કેવા પ્રકારનાં ઇઅર-રિંગ્સનું ચલણ છે એ જાણીએ

સોનાલી બેન્દ્રે

થોડા સમય પહેલાં બૉલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પેસ્ટલ યલો કલરની સાડી સાથે ઑક્સિડાઇઝ્ડ ઇઅર-રિંગ્સ પહેર્યાં હતાં. સિમ્પલ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ સાથે તેનાં લૉન્ગ ઑક્સિડાઇઝ્ડ ઇઅર-રિંગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. તેણે પહેરેલાં લાંબાં ટ્રેડિશનલ ઇઅર-રિંગ્સ તેના લુકને રૉયલ અને કમ્પ્લિટ બનાવતાં હતાં ત્યારે ફૅશનમાંથી ક્યારેય આઉટડેટેડ ન થતાં લૉન્ગ ઇઅર-રિંગ્સ અત્યારે સ્ટેટમેન્ટ ઍક્સેસરી બની ગયાં છે. એ ફક્ત એક આભૂષણ નહીં પણ આખા લુકને ડિફાઇન કરનારું સ્ટાઇલ-પીસ બની ગયું છે.

ચાંદબાલી ઇઅર-રિંગ્સ


અર્ધચંદ્રાકારમાં બનેલાં ચાંદબાલી ઇઅર-રિંગ્સ રૉયલ અને ટ્રેડિશનલ લુક આપે છે. આમ તો એ કુંદન, મોતી અને ઑક્સિડાઇઝ્ડ ડિઝાઇનમાં આવે છે, પણ કુંદનનાં ઇઅર-રિંગ્સનો ચાર્મ અલગ જ છે. ફેસ્ટિવલ્સમાં સાડી, અનારકલી, લેહંગા અને શરારા જેવા એથ્નિકવેઅર પર પહેરવાથી તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

ચેઇન-ડ્રૉપ ઇઅર-રિંગ્સ 


નાના સ્ટડમાંથી નીચે ચેઇન લટકતી હોય એને ચેઇન-ડ્રૉપ ટસલ ઇઅર-રિંગ્સ કહેવાય છે. પર્લ અને સ્ટોનની પૅટર્નમાં આવાં ઇઅર-રિંગ્સ સૉફ્ટ લુક આપશે. ગાઉન અને ફૉર્મલ ડ્રેસ પર આ ટસલ ઇઅર-રિંગ્સ પર્ફેક્ટ મૅચ લાગશે.

કાશ્મીરી દેઝૂર


કાનથી ખભા સુધી અથવા એના કરતાં પણ નીચે આવે એટલાં લાંબાં ચેઇન જેવાં ઇઅર-રિંગ્સને કાશ્મીરી દેઝૂર કહેવાય છે. આ પરંપરાગત  ઇઅર-રિંગ્સ હવે કાશ્મીર સુધી સીમિત ન રહીને નૅશનલ ટ્રેન્ડ બની ગયાં છે. હવે એમાં અંગૂર, સફરજન, બુલબુલ, મોર અને પાનની ડિઝાઇનવાળાં ઇઅર-રિંગ્સ બહુ વાઇરલ થઈ રહ્યાં છે. દેઝૂર સાથે ઘણા લોકો નાની ઘૂઘરીવાળી કાનચેઇન પહેરે છે. આ પ્રકારે ઇઅર-રિંગ્સ પહેરો અને કોઈ હેરસ્ટાઇલ ન કરો તો પણ ચાલે. આઉટિફટ એકદમ સિમ્પલ હોય તો ગળામાં પણ કંઈ ન પહેરીને આ કાશ્મીરી દેઝૂર પહેરશો તો તમારા લુકને ચાર ચાંદ લાગી જશે.

ટસલ ઇઅર-રિંગ્સ

ટસલ ઇઅર-રિંગ્સ તમારા લુકમાં એક પ્રકારનો ડ્રામા ઍડ કરે છે. ઇઅર-રિંગ્સના અંતમાં લટકતા ધાગાને ટસલ કહેવાય છે. એ ઇયર-રિંગ્સ અલગ-અલગ કલર્સ અને મલ્ટિ-કલર્સમાં ઉપલબ્ધ હોય છે. આવાં ઇઅર-રિંગ્સ વેસ્ટર્ન ડ્રેસ, જમ્પ-સૂટ, ફ્યુઝનવેઅરમાં પહેરી શકાય છે. કૅઝ્યુઅલ પાર્ટીમાં પણ પહેરીને જશો તો એ સારાં જ લાગશે.

સ્ટાઇલિંગ ટિપ્સ

જો તમારા કાનની બૂટ નાજુક હોય તો ઑક્સિડાઇઝ્ડ, પર્લ ચેઇન-ડ્રૉપ અને ટસલ ઇઅર-રિંગ્સ જેવાં લાઇટવેઇટ ઇઅર-રિંગ્સ પસંદ કરો અને વજનદાર ઇઅર-રિંગ્સ પહેરો ત્યારે ઇઅર-ચેઇન કે હુક્સનો ઉપયોગ કરવો જેથી કાનને તકલીફ ન થાય. કાશ્મીરી દેઝૂર એથ્નિકવેઅર પર વધુ સારાં લાગશે. એમાં લો બન કે સ્લીક બ્રેઇડમાં દેઝૂર ફુલ્લી વિઝિબલ દેખાશે અને તમારા ટ્રેડિશનલ લુકને એન્હૅન્સ કરશે.

લાંબા ઇઅર-રિંગ્સ ત્યારે જ પહેરવાં જ્યારે તમારું આઉટફિટ સિમ્પલ હોય. સાડી અને બ્લાઉઝ પણ એકદમ પ્લેન અથવા મિનિમલિસ્ટ ડિઝાઇનવાળાં હોય ત્યારે સૉફ્ટ મેકઅપ સાથે ઍક્સેસરીઝમાં ફક્ત લૉન્ગ ઇઅર-રિંગ્સ પહેરશો તો પણ ચાલશે.

હેરસ્ટાઇલમાં સ્લીક લો બન અથવા ઓપન હેરમાં લૂઝ વેવ્ઝ સારાં લાગશે.

sonali bendre fashion news fashion beauty tips life and style columnists gujarati mid day mumbai