હવે નેઇલ સૅલોં જવાની ઝંઝટથી મળશે છુટકારો

28 January, 2026 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શૃંગારના ટેબલ સુધી પહોંચ્યું છે ત્યારે AI નેઇલપૉલિશ કિટ માર્કેટમાં આવી છે. સ્માર્ટ ટેક્નૉલૉજીની મદદથી નેઇલપૉલિશનો રંગ સરળતાથી ગમે તેટલી વાર બદલવો શક્ય બનશે

પ્રતીકાત્મક તસવીર

તમે સવારે ઑફિસ જાઓ ત્યારે ગ્રે કલરની નેઇલપૉલિશ લગાવી હોય, પણ સાંજે પાર્ટીમાં જતી વખતે એ આપમેળે લાલ ડ્રેસ સાથે મૅચ થતાં લાલ કલરની થઈ જાય તો? હવે આ જાદુ વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. વારંવાર રિમૂવર ઘસવાની અને ફરીથી કલર કરવાની કંટાળાજનક પ્રક્રિયાને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અમેરિકાની એક બ્યુટી-ટેક બ્રૅન્ડે વિશ્વના પ્રથમ ડિજિટલ કલર ચેન્જિંગ નેઇલ્સનો કન્સેપ્ટ રજૂ કર્યો છે. જ્યારે તમે ઇચ્છો અને જેટલી વાર ઇચ્છો એટલી વાર નેઇલપેઇન્ટનો રંગ બદલી શકાય છે અને રિમૂવરની ઝંઝટ કે સૂકવવાની રાહ જોયા વગર. આ ઍક્રિલિક પ્રેસ-ઑન નેઇલ્સ એક ઍપ્લિકેશન સાથે કનેક્ટેડ હોય છે જે તમને ૪૦૦ કરતાં વધુ શેડ્સ પસંદ કરવાની સુવિધા આપે છે. એક વાર તમે રંગ પસંદ કરી લો પછી તમારે નખનાં ટેરવાંને નાની સ્ટિકમાં મૂકવાનાં હોય છે જેનું કદ પોર્ટેબલ પાવર બૅન્ક કે સ્ટેપલર જેટલું હોય છે. અમુક સેકન્ડ્સમાં જ તમારી નજર સામે નેઇલપેઇન્ટનો રંગ બદલાઈ જશે. આ રંગ કેટલા સમય સુધી રાખવો એ પણ પૂર્ણપણે વ્યક્તિની ઇ પર આધાર રાખે છે. જો તમને લાગે કે આ રંગ કપડાં સાથે મૅચ નથી થતો તો કલર પૅલેટમાંથી બીજો શેડ પસંદ કરીને મૅજિક સ્ટિકને ફરીથી નખ પર ફેરવો. આ રીતે તમારા કબાટમાંથી નીકળતા દરેક નવા ડ્રેસ સાથે નેઇલ સ્ટાઇલ કરવા શક્ય છે. આ ઍક્સેસરી માર્કેટમાં લૉન્ચ થનારી પહેલી ડિજિટલ ફૅશન ઍક્સેસરી છે જે કેમિકલમુક્ત અને ક્રુઅલ્ટી-ફ્રી છે. આ નખ સામાન્ય પ્રેસ ઑન નેઇલ્સ જેટલા જ હોય છે. નખ કુદરતી રીતે વધે ત્યાં સુધી ટકે છે.

કઈ ટેક્નૉલૉજી?

તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે રંગ આપમેળે કેવી રીતે બદલાય? એની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. આ નેઇલપૉલિશમાં એવા સૂક્ષ્મ કણો હોય છે જે ઇલેક્ટ્રોક્રોમિક પિગ્મન્ટ્સ એટલે વીજચુંબકીય તરંગો પર પ્રતિક્રિયા આપે છે. તમારા સ્માર્ટફોનમાં રહેલી ઍપ દ્વારા તમને કયો રંગ જોઈએ છે એ સિલેક્ટ કરી શકો છો. બ્લુટૂથ કનેક્ટિવિટી દ્વારા આ ઍપ નાનકડા સ્ટેપલર જેવા ડિવાઇસને આદેશ આપે છે ત્યારે એ ચોક્કસ તરંગોનાં કિરણો છોડે છે, જે નખ પર રહેલી નેઇલપૉશના મૉલેક્યુલ્સની ગોઠવણી બદલી નાખે છે. પરિણામે સેકન્ડ્સમાં જૂનો રંગ ગાયબ થઈને નવો રંગ આવી જાય છે. આ ટેક્નૉલૉજી સ્ટાઇલ માટે જ નહીં પણ પૈસાની બચત પણ કરાવે છે. વારંવાર નેઇલપૉલિશ રિમૂવરથી નખ ખરાબ કરવાની જરૂર નહીં રહે. AI તમારા ડ્રેસનો ફોટો પાડીને જાતે જ નક્કી કરશે કે એના પર કયો શેડ સારો લાગશે. વારંવાર કેમિકલયુક્ત રિમૂવર વાપરવાથી નખની હેલ્થ ખરાબ થાય છે, પણ AI નેઇલ્સ એક વાર લગાવશો તો લાંબા સમય સુધી ચાલશે અને નખ પણ સુરક્ષિત રહેશે. આ નેઇલ્સ ભારતીય માર્કેટમાં ટૂંક સમયમાં જોવા મળશે અને બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ખરેખર ગેમ-ચેન્જર સાબિત થશે.

સ્માર્ટ નેઇલ્સ માટે સ્માર્ટ ટિપ્સ

પ્રેસ ઑન નેઇલ્સ લગાવતાં પહેલાં તમારા નખને બરાબર સાફ કરો. જો નખ પર ઑઇલ કે મૉઇશ્ચરાઇઝર હશે તો સ્માર્ટ નેઇલ્સ લાંબા સમય સુધી ટકશે નહીં.

આ કિટની સ્ટિક બૅટરીથી ચાલે છે. જ્યારે તમે ટ્રાવેલિંગ કરો ત્યારે એને ફુલ ચાર્જ રાખવી જેથી ગમે ત્યારે આઉટફિટ મુજબ કલર બદલી શકાય.

કિટ સાથે આવતા સ્પેશ્યલ ક્લિયર ટૉપ કોટનો જ ઉપયોગ કરો. સામાન્ય નેઇલપૉલિશનો ટૉપ કોટ કદાચ AI સિગ્નલને બ્લૉક કરી શકે છે, જેનાથી રંગ બદલવામાં મુશ્કેલી પડી શકે.

પ્રેસ-ઑન નેઇલ્સ કાઢ્યા પછી તમારા અસલી નખને ક્યુટિકલ ઑઇલથી મસાજ આપો જેથી નખની કુદરતી ચમક જળવાઈ રહે.

આ ટેક્નૉલૉજી સૉફ્ટવેર પર આધારિત છે, તેથી નવા કલર શેડ્સ અને ફીચર્સ મેળવવા માટે ઍપ્લિકેશનને નિયમિત અપડેટ કરતા રહો.

જો તમને કોઈ મેટલ ઍલર્જી હોય કે ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો સ્માર્ટ નેઇલ્સથી અંતર જાળવવું હિતાવહ છે.

fashion fashion news ai artificial intelligence columnists gujarati mid day