છવાઈ રહ્યો છે સ્કૉલપ્ડ જૅકેટનો ટ્રેન્ડ

03 February, 2026 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમે એવું માની રહ્યા હો કે પાવરફુલ દેખાવા માટે શાર્પ અને સ્ટ્રેટ જૅકેટ જ કામ લાગે તો તમારી આ માન્યતાને સ્કૉલપ્ડ જૅકેટ ખોટી પાડશે

સ્કૉલપ્ડ જૅકેટ

સ્કૉલપ્ડ જૅકેટ પહેરીને કરીના કપૂર ખાને સાબિત કર્યું છે કે તે શાલીન છતાં પ્રભાવશાળી દેખાવામાં માહેર છે. સ્કૉલપ્ડ જૅકેટમાં તેનો આખો લુક જેટલો સાદો છે એટલો જ રુઆબદાર પણ છે. આ એ વાતનો પુરાવો છે કે સ્ટેટમેન્ટ-ફૅશન માટે હંમેશાં ભભકાની જરૂર નથી હોતી. બસ, યોગ્ય પસંદગી હોવી જોઈએ. જમીન સુધી લાંબું આ જૅકેટ સોબર મેટલિક ફિનિશ ધરાવે છે અને આખા જૅકેટ પર એકસરખા અંતરે અને ખૂબ જ સપ્રમાણ રીતે અર્ધચંદ્રાકાર વળાંકોની ડિઝાઇનની એમ્બ્રૉઇડરી કરવામાં આવી છે જે આંખોને ગમે એવી સુંદર પૅટર્ન બનાવે છે. કરીનાએ આ જૅકેટ સાથે આઇવરી રંગનો સુંદર ડ્રેપ ડ્રેસ પહેર્યો છે.

શું છે આ સ્કૉલપ્ડ જૅકેટ?

સામાન્ય જૅકેટની કિનારીઓ સીધી હોય છે, પરંતુ સ્કૉલપ્ડ જૅકેટમાં એને અર્ધચંદ્રાકાર અથવા દરિયાઈ શંખ જેવો વળાંક આપવામાં આવે છે. આ ગોળાકાર કિનારીઓ જૅકેટના કડક અને તીક્ષ્ણ લુકને એક નરમાશ અને સૌમ્યતા આપે છે.

કેમ અત્યારે ટ્રેન્ડમાં?

સેલિબ્રિટી અને રનવેનો પ્રભાવ: બૉલીવુડ સિતારાઓ અને મોટા ફૅશન-શોમાં ફરીથી સ્કૉલપ્ડ ડિઝાઇન જોવા મળતાં જ આ ટ્રેન્ડ ફરી લોકપ્રિય થયો છે. જૂની ક્લાસિક ડિઝાઇનને આજે એકદમ આધુનિક રીતે રજૂ કરવામાં આવી રહી છે.

સૉફ્ટ પાવર ડ્રેસિંગનો ટ્રેન્ડ: આજકાલ લોકોને એકદમ કડક કપડાં કરતાં સૉફ્ટ પાવર-ડ્રેસિંગ વધુ ગમે છે. સ્કૉલપ્ડ જૅકેટ દેખાવમાં મજબૂત અને સ્ટાઇલિશ હોવા છતાં સ્ત્રીસહજ નરમાશ આપે છે. આથી જ એ ઑફિસ હોય કે સાંજની પાર્ટી, બન્ને જગ્યાએ પર્ફેક્ટ લાગે છે.

મિનિમલ ફૅશનની બોલબાલા: હાલમાં લોકો ભારે ચમક-દમકવાળાં કપડાંને બદલે સાદી અને સારી ડિઝાઇન પસંદ કરી રહ્યા છે. સ્કૉલપ્ડ જૅકેટની ખાસિયત એ છે કે એમાં બહુ વધુપડતું કામ ન હોવા છતાં એના ખાસ કટ અને ફિનિશિંગને કારણે એ ભીડમાં અલગ તરી આવે છે.

ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે શ્રેષ્ઠ: આ જૅકેટની સૌથી સારી વાત એ છે કે એને તમે સાડી, પલાઝો, લેહંગા, પૅન્ટ, સ્કર્ટ સાથે પહેરી શકો છે. આમ એ આજના ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન ટ્રેન્ડમાં સહેલાઈથી ભળી જાય છે. 

fashion fashion news life and style lifestyle news columnists