24 March, 2026 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પર્પલ કા મૅજિક
ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય કે વેડિંગ સીઝન, અત્યારે એક જ રંગ સૌથી વધુ ઊડીને આંખે વળગે છે અને એ છે પર્પલ કલર. આ રંગ દેખાવમાં એટલો રિચ છે કે પહેરતાંવેંત જ રૉયલ વાઇબ આવવા લાગે છે. જો આ વર્ષે તમે પણ તમારા લુકમાં ગ્લૅમર અને થોડો ઠાઠ ઍડ કરવા માગતા હો તો પર્પલ કલરને મિસ કરવા જેવો નથી. ૨૦૨૬માં આ કલર સુપર ટ્રેન્ડિંગ બન્યો છે. ભલે નેઇલ-આર્ટ હોય કે ઍક્સેસરીઝ હોય, પર્પલ કલર તમારી પર્સનાલિટીમાં અલગ જ ચાર્મ ઍડ કરે છે. આ રૉયલ કલરને આપણે ડેઇલી ફૅશનમાં કેવી રીતે વણી શકીએ એની સ્ટાઇલ-ગાઇડ અહીં જાણી લેજો.
પર્પલ રંગની સૌથી મોટી ખૂબી એ છે કે એ દરેક સ્કિનટોન પર સૂટ થાય છે. જો તમારી સ્કિનનો રંગ ઘઉંવર્ણ કે ડાર્ક હોય તો ડીપ પર્પલ કે વાઇન શેડ્સ તમારા પર ખૂબ જ ગ્રેસફુલ લાગશે. જો તમે ફેર હો તો લૅવન્ડર કે લાઇટ પર્પલ તમને સૉફ્ટ લુક આપશે. ઑફિસ કે બિઝનેસ મીટિંગ માટે રૉયલ પર્પલ કલરનાં પૅન્ટ-સૂટ અથવા કો-ઑર્ડ સેટનો મોનોક્રોમ લુક તમને કૉન્ફિડન્ટ અને પાવરફુલ બતાવશે. વેડિંગ-ફંક્શન્સમાં આ કલરનો મોનોક્રોમ લુક મેળવવો હોય તો કોઈ લગ્ન કે રિસેપ્શન માટે પર્પલ સિલ્કની સાડી અથવા પર્પલ કલરનો જરીકામવાળો લેહંગા બેસ્ટ છે. એક જ કલર હોવાથી તમારી હાઇટ પણ વધુ લાગશે અને લુક પણ એકદમ રિચ આવશે.
કૉન્ટ્રાસ્ટ કલર પહેરવો હોય તો પર્પલ સાથે મસ્ટર્ડ યલો કે ગોલ્ડન કલર પર્ફેક્ટ રીતે મૅચ થાય છે. પર્પલ કુરતી સાથે પીળો દુપટ્ટો કે પલાઝો પેર કરશો તો એકદમ વાઇબ્રન્ટ લુક આપશે. પર્પલની સાથે પિસ્તા ગ્રીન અથવા બેબી પિન્ક જેવા પેસ્ટલ કલર્સ પહેરવાથી લુકમાં સૉફ્ટનેસ આવશે. રાતની પાર્ટી હોય તો પર્પલ ટૉપ કે ડ્રેસ સાથે સિલ્વર જ્વેલરી અથવા હીલ્સ પહેરવી. આ કૉમ્બિનેશન તમને ભીડમાં સૌથી અલગ તારવશે.
મેકઅપમાં પર્પલ કલર અત્યારે માત્ર ટ્રેન્ડ નથી, એક પાવર-સ્ટેટમેન્ટ બની ગયું છે. જો તમે રોજિંદા બ્લૅક કાજલથી કંટાળ્યા હો તો ડીપ પર્પલ આઇલાઇનર ટ્રાય કરો. એ તમારી આંખોને એક અનોખો નિખાર આપશે. જો તમારે પાર્ટી-લુક જોઈએ છે તો પર્પલ આઇશૅડો સાથે સ્મોકી આઇ લુક બેસ્ટ રહેશે. પર્પલ આઇશૅડોની સાથે થોડો સિલ્વર અથવા ગોલ્ડન ગ્લિટર મિક્સ કરવાથી આંખો એકદમ ડ્રામેટિક અને આકર્ષક લાગશે.
પર્પલ લિપસ્ટિક સાંભળવામાં થોડી બોલ્ડ લાગે પણ એના ઘણા શેડ્સ ઉપલબ્ધ છે. જો તમારો સ્કિનટોન ફેર છે તો લૅવન્ડર કે લાઇટ પર્પલ શેડ્સ કૂલ લાગશે. જો સ્કિનટોન થોડો ડાર્ક કે મીડિયમ છે તો ડીપ વાઇન કે પ્લમ કલરની મૅટ લિપસ્ટિક તમને એકદમ રૉયલ લુક આપશે.
રૉયલ પર્પલ નેઇલ-આર્ટ અત્યારે મિનિમલ છતાં લક્ઝુરિયસ ફૅશનનું બેસ્ટ ઉદાહરણ છે. જો તમારે પાર્ટીમાં જવાનું હોય તો પર્પલ ક્રોમ નેઇલ્સ ટ્રાય કરો. આમાં એક પ્રકારની મેટલિક ચમક હોય છે જે લાઇટમાં ચમકે છે. જો તમારે ઑફિસ કે કૅઝ્યુઅલ લુક માટે કંઈક ક્લાસી જોઈએ છે તો મૅટ પર્પલ બેસ્ટ ઑપ્શન છે. એ જોવામાં એકદમ સૉફિસ્ટિકેટેડ અને મૉડર્ન લાગે છે. દરેકને ડાર્ક પર્પલ ગમે એવું જરૂરી નથી. જો તમને હળવા રંગો પસંદ હોય તો લૅવન્ડર કે લાઇલેક શેડ પસંદ કરો. આ શેડ્સ ઉનાળામાં કે ડે-ટાઇમ ઇવેન્ટ્સમાં તમારા હાથને એકદમ કૂલ અને ફ્રેશ લુક આપે છે. તમે પર્પલ બેઝ પર ગોલ્ડન કે સિલ્વર લાઇન્સ દોરાવી શકો છો, જેને ફ્રેન્ચ મૅનિક્યૉરમાં પર્પલ ટિપ્સ તરીકે પણ વાપરી શકાય. પર્પલ સાથે વાઇટ ડૉટ્સ અથવા માર્બલ ઇફેક્ટ અત્યારે સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા છે. નેઇલ-આર્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે એ તમારા કોઈ પણ સાદાં આઉટફિટ જેમ કે સફેદ કુરતી કે બ્લૅક ટી-શર્ટને ઇન્સ્ટન્ટ્લી અપગ્રેડ કરી દે છે.
ઘણા લોકોને પર્પલ આઉટફિટ પહેરવા લાઉડ લાગતા હોય એવા સમયે ઍક્સેસરીઝ પૉપ ઑફ ધ કલર બની શકે છે. ધારો કે તમે એકદમ સાદું સફેદ લિનન શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે અથવા તો એક ક્લાસિક બ્લૅક ડ્રેસ પહેર્યો છે. હવે એની સાથે માત્ર એક રૉયલ પર્પલ હૅન્ડબૅગ અથવા પર્પલ બેલ્ટ ઍડ કરો. આ એક નાનકડો ફેરફાર તમારા સાદા આઉટફિટને સીધો લક્ઝુરિયસ અને મોંઘા લુકમાં ફેરવી નાખશે. જો તમે તમારા લુકમાં થોડો ડ્રામા ઉમેરવા માગતા હો તો પર્પલ પૉઇન્ટેડ હીલ્સ અથવા સ્લીક બૅલેરિના ફ્લૅટ્સ બેસ્ટ ઑપ્શન છે. ગળામાં નાખેલો એક પર્પલ સિલ્ક સ્કાર્ફ ખૂબ જ એલિગન્ટ લાગે છે. આ સિવાય જો તમારે જ્વેલરીમાં પ્રયોગ કરવો હોય તો ઍમેથિસ્ટ જેવા પર્પલ સ્ટોનવાળી ઇઅરરિંગ્સ કે સ્ટેટમેન્ટ નેકલેસ ટ્રાય કરો. એ તમારા ચહેરા પર એક અલગ જ તેજ અને રૉયલ વાઇબ લાવશે. રૉયલ પર્પલ સાથે સિલ્વર કે ડાયમન્ડ જ્વેલરી એકદમ રૉયલ લુક આપે છે. જો તમે ટ્રેડિશનલ કપડાં પહેર્યાં હોય તો ગોલ્ડન જ્વેલરી પણ આ રંગ સાથે ખૂબ જ રિચ લાગે છે. જો તમે પર્પલ આઉટફિટ પહેર્યું હોય તો મેકઅપ અને ઍક્સેસરીઝ થોડી સિમ્પલ રાખો જેથી તમારું આઉટફિટ હાઇલાઇટ થાય.