06 February, 2025 12:44 PM IST | Mumbai | Rajul Bhanushali
જુઓ જાતજાતની ચૂંક
ભારતીય મૅરિડ મહિલાના સોળ શણગારમાં ચાંદલો, મંગળસૂત્ર અને બંગડીઓ જેટલું જ મહત્ત્વપૂર્ણ ચૂંક પહેરવાનું પણ છે. બાળપણમાં કે જુવાનીમાં છોકરીઓ ચૂંક પહેરે કે ન પહેરે, લગ્ન પછી તો અવશ્ય પહેરવામાં આવતી. જોકે હવે અવળું થઈ રહ્યું છે. આ ચૂંક જનરેશન ઝીની ભાષામાં કહીએ તો નોઝ પિન તરીકે વધુ ઓળખાય છે. આ ચૂંકનો ઇતિહાસ પણ ૪૦૦૦ વર્ષથી વધુ જૂનો છે. ચૂંક સ્ત્રીત્વનું પ્રતીક મનાય છે, પણ હકીકતમાં એ સ્ત્રીના હૉર્મોનલ સ્વાસ્થ્ય સાથે પણ ઊંડી રીતે સંકળાયેલી છે. ગુજરાતીઓ ચૂંક કહે તો મહારાષ્ટ્રિયનો નથણી અને પંજાબીઓ નથ કહે. વેસ્ટ બેન્ગાલ અને ઓડિશામાં બાલા, સાઉથમાં મુખુટ્ટી, રાજસ્થાનમાં ફુલ નથ અને પંજાબમાં લૉન્ગ નથ તરીકે ઓળખાતું આ નાકમાં પહેરવાનું પરંપરાગત ઘરેણું આજકાલ દરેક નાની-મોટી ઉંમરની સ્ત્રીના મન અને નાક પર કબજો જમાવીને બેઠું છે. યસ, નોઝ પિન ઇઝ ઇન ન્યુ ટ્રેન્ડ!
મોટા ભાગે ચૂંકને સૌભાગ્યની સાથે સાંકળવામાં આવે છે. અગાઉ પતિના મૃત્યુ સાથે નાકની ચૂંક પણ કાઢી નાખવામાં આવતી. હવે જોકે આ પ્રથામાં બદલાવ આવ્યો છે. આપણે ત્યાં દીકરીઓ સાવ નાની હોય ત્યારે જ નાક વીંધાઈ ગયું હોય. છેલ્લા એકાદ બે દાયકાઓમાં નાક વીંધાવાનું અને ચૂંક પહેરવાનું ઓછું થયું હતું પરંતુ હમણાં ફરી પાછો ટ્રેન્ડ છે. નાક ન વીંધાવ્યું હોય એ છોકરીઓ પણ ડીટૅચેબલ કે ક્લિપ ઑન નોઝ પિન પહેરવા લાગી છે, જે પ્રેસ કરીને પહેરી શકાય છે.
નોઝ પિનના પૉપ્યુલર પ્રકારો
નથ અથવા રાણી નથ - મહારાષ્ટ્ર અને રાજસ્થાનની આ પરંપરાગત ડિઝાઇન છે જે ખૂબ અલંકૃત પ્રકારની હોય છે. ઘણી વખત વધારાના ફ્લેર માટે વાળને જોડતી નાજુક સાંકળ પણ હોય છે.
હીરાની ચૂંક - આર્ટિફિશ્યલ કે રિયલ ડાયમન્ડની નોઝ પિન એવરગ્રીન પ્રકાર છે. એ રોજબરોજનું ઘરેણું છે એમ કહી શકાય.
નોઝ હુપ્સ - ઘણાબધા શેપ અને સાઇઝમાં અવેલેબલ હોય છે. મોટા ભાગે ડેલિકેટ મેટલનાં હોય છે અને એમાં મૉડર્ન ટચ વધુ હોય છે. આમાં સામાન્ય રીતે ટ્રેન્ડ આધારિત ડિઝાઇન્સ આવતી જતી હોય છે.
ક્લાસિક નોઝ પિન – મોટા ભાગે ગોલ્ડ, સિલ્વર કે પછી રિયલ ડાયમન્ડની બનેલી હોય છે.
ડીટૅચેબલ નોઝ પિન, ક્લિપ ઑન નોઝ પિન – નાક ન વીંધાવ્યું હોય એવા લોકો માટે આ પ્રકાર આશીર્વાદ સમાન છે. નાક ઉપર પ્રેસ કરીને પહેરી શકાય એવી આ નોઝ પિન્સ આજકાલ અત્યંત પૉપ્યુલર બની ગઈ છે. અગાઉ નવરાત્રિમાં આ પ્રકારની નોઝ પિન પહેરવાનો વધારે ટ્રેન્ડ હતો પરંતુ હવે તો રોજબરોજના જીવનમાં પહેરાય છે. આવી ક્લિપ ઑનના ભાવ પણ ઘણા રીઝનેબલ હોય છે. તમે દરરોજ તમારા આઉટફિટ અને મૂડને મૅચ કરીને પેર કરી શકો છો.
ચૂંકની ગરજ સારે ચાંદલો
આ બધા છતાં જો નોઝ પિન ન પહેરવી હોય તો એની જગ્યાએ ચાંદલા લગાવવાનો ટ્રેન્ડ પણ ચલણમાં છે. લોકો નોઝ પિનની જગ્યાએ સરસ મજાનો ચાંદલો ચોંટાડીને પણ જાણે ચૂંક પહેરી હોય એવો આભાસ ઊભો કરી શકે છે. દુલ્હનો મોટા ભાગે આ રસ્તો અપનાવતી હોય છે. બજારમાં મળતી આઇલૅશિસ લગાવવાના ગ્લુથી ચાંદલો સરસ રીતે ચોંટી જાય અને સ્કિનને જરા પણ ઇરિટેશન ન થાય. નોઝ પિન વગર દુલ્હનની સુંદરતા અધૂરી છે. ઘણીબધી જ્ઞાતિઓમાં લગ્નના દિવસે પહેરવામાં આવતી ચૂંક સાસરા પક્ષ તરફથી ભેટ આપવામાં આવે છે. રસપ્રદ વાત એ છે નોઝ પિનનું પ્લેસમેન્ટ પણ રૅન્ડમ નથી. ઉત્તર અને મધ્ય ભારતમાં મુખ્યત્વે એ ડાબા નસકોરામાં પહેરવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં જમણા નસકોરામાં વધુ જોવા મળે છે. અને ક્યાંક તો બન્ને તરફ પણ પહેરવામાં આવે છે. આ સૂક્ષ્મ તફાવત સ્ત્રીની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ઉજાગર કરે છે.
સ્વાસ્થ્યનો દૃષ્ટિકોણ
જેમ ભારતીય સંસ્કૃતિમાં દરેક ઘરેણા સાથે કંઈક ને કંઈક વૈજ્ઞાનિક તથ્યો જોડાયેલાં છે એ રીતે ચૂંકનું પણ છે. ચૂંક સ્ત્રીના પ્રજનન સ્વાસ્થ્યને સુધારે છે. આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર ડાબું નસ્કોરું સ્ત્રીની પ્રજનન પ્રણાલી સાથે વિશેષ જોડાણ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ચૂંક પહેરવાથી માસિક ધર્મના દુખાવામાં રાહત થાય છે અને બાળજન્મમાં પણ સરળતા રહે છે. નાક જ્યાં વીંધાય છે એ બિંદુને ઍક્યુપ્રેશર અથવા ઍક્યુપંક્ચર બિંદુ માનવામાં આવે છે જેનું સીધેસીધું કનેક્શન પ્રસૂતિ સાથે છે. એ ઉપરાંત ચૂંક શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાઉથ સાઇડ જ્યાં અત્યંત ગરમી પડે છે ત્યાં બન્ને બાજુ ચૂંક પહેરવાની પ્રથા કદાચ એટલે જ અસ્તિત્વમાં આવી હશે.
આ ઘરેણું એટલું વર્સેટાઇલ છે કે તમે એને ટ્રેડિશનલ, ફૉર્મલ કે પાર્ટીવેઅર કે અન્ય કોઈ પણ અટાયર સાથે પહેરી શકશો. માત્ર એટલું ધ્યાન રાખવું કે એ તમારી અન્ય ઍક્સેસરીઝ સાથે બ્લેન્ડ થતું હોવું જોઈએ.
શું આ જાણો છો?
વીસમી સદીમાં ફ્રેન્ચ સિંગર પોલેરે પ્રથમ વખત આ ભારતીય જ્વેલરી પહેરી હતી અને ૧૯૬૦ અને ’૭૦ના દાયકામાં હિપ્પી અને પંક જાતિના લોકો માટે આ આભૂષણ બળવો અને સ્વઅભિવ્યક્તિનું પ્રતીક બની ગયું હતું. હવે તો આખી દુનિયામાં દરેક ક્ષેત્રના લોકો નોઝ પિન પહેરે છે, પરંતુ ભારતમાં હજી પણ એનું સાંસ્કૃતિક મહત્ત્વ વધુ છે.