13 July, 2026 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુલાબજળ, લીમડો, અલોવેરા અને ગ્રીન ટી જેવાં કુદરતી તત્ત્વો ધરાવતું ફેસ મિસ્ટ ત્વચાને ચીકાશ વગર હાઇડ્રેશન અને ફ્રેશનેસ આપે છે.
ચોમાસું પોતાની સાથે ગરમીમાંથી રાહત તો લાવે છે, પરંતુ સાથે-સાથે ત્વચા માટે ઘણી નવી સમસ્યાઓ પણ લાવે છે. આ દિવસોમાં હવામાં રહેલો વધુ પડતો ભેજ, પરસેવો અને બદલાતું વાતાવરણ ત્વચા પર અસર કરે છે. ઑઇલનું પ્રમાણ વધવાથી પૉર્સ ક્લોગ થવા, બ્લૅકહેડ્સ, ખીલ અને ત્વચા પર ઇરિટેશન થવું જેવી સમસ્યાઓ વધી શકે છે. આવી ભેજવાળી સીઝનમાં પણ ત્વચાને હાઇડ્રેટ રાખવી એટલી જ જરૂરી છે. ઘણી વાર લોકો ચહેરા પરની ચીકાશને હાઇડ્રેશન સમજી લે છે જે એક મોટી ભૂલ છે. મૉન્સૂનમાં ત્વચા પર તેલ દેખાવા છતાં અંદર પાણીની ઊણપ હોઈ શકે છે. આવી સ્થિતિમાં હેવી મૉઇશ્ચરાઇઝર લગાવવાથી ત્વચા વધુ ચિપચિપી લાગી શકે છે. આ સમસ્યાના અસરકારક ઉપાય તરીકે અત્યારે ફેસ મિસ્ટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. એ ત્વચાને ચીકણી કર્યા વગર તરત જ ફ્રેશનેસ અને હળવું હાઇડ્રેશન આપે છે.
મૉન્સૂનમાં વધુ ભેજ, પરસેવો અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે ત્વચાનું નૅચરલ બૅલૅન્સ બગડી શકે છે. હાઈ હ્યુમિડિટીને કારણે પૉર્સ ક્લોગ થવા, ઑઇલી સ્કિન અને ફંગલ ઍક્ને જેવી સમસ્યાઓ જોવા મળે છે. યોગ્ય ફેસ મિસ્ટ ત્વચાને ભારે કર્યા વગર હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. એ ત્વચાને રીફ્રેશ કરે છે, ઑઇલનું બૅલૅન્સ જાળવવામાં મદદરૂપ બને છે અને ત્વચાને કમ્ફર્ટેબલ ફીલ આપે છે. આ સીઝનમાં સ્કિનને ભારે ક્રીમની જગ્યાએ હળવા, વૉટર-બેઝ્ડ હાઇડ્રેશનની જરૂર હોય છે.
માર્કેટમાં મળતું દરેક ફેસ મિસ્ટ ત્વચા માટે સારો વિકલ્પ હોય એવું જરૂરી નથી. કેટલાંક મિસ્ટમાં આલ્કોહૉલનું પ્રમાણ વધારે હોય છે જે લાંબા ગાળે ત્વચાને ડ્રાય અને સેન્સિટિવ બનાવી શકે છે. એટલે તમારી સ્કિન-ટાઇપને અનુરૂપ અને કુદરતી ઇન્ગ્રીડિઅન્ટ્સ ધરાવતું ફેસ મિસ્ટ પસંદ કરવું જોઈએ. જોકે કોઈ પણ નૅચરલ ઇન્ગ્રીડિઅન્ટ દરેક વ્યક્તિની ત્વચાને અનુકૂળ હોય એવું જરૂરી નથી. તેથી નવી પ્રોડક્ટનો ઉપયોગ કરતાં પહેલાં પૅચ ટેસ્ટ કરવી હંમેશાં યોગ્ય છે.
ગ્રીન ટી અર્ક : ગ્રીન ટી એક પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. એ ત્વચાને વધારે ડ્રાય કર્યા વગર વધારાનું તેલ નિયંત્રિત કરવામાં અને ફ્રેશ રાખવામાં મદદ કરી શકે છે.
ટી ટ્રી : ટી ટ્રી એના ઍન્ટિ-માઇક્રોબાયલ ગુણો માટે જાણીતું છે. ઑઇલી અને ઍક્ને પ્રોન સ્કિનમાં એ મદદરૂપ થઈ શકે છે. જોકે સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોએ એનો ઉપયોગ કરતાં પહેલાં પૅચ ટેસ્ટ કરવી જોઈએ.
લીમડો અને તુલસી : લીમડો અને તુલસી આયુર્વેદમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાતાં ઇન્ગ્રીડિઅન્ટ્સ છે. એ ત્વચાની અશુદ્ધિઓ દૂર કરવામાં અને ઑઇલનું બૅલૅન્સ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
અલોવેરા : અલોવેરા ત્વચાને ઠંડક અને હળવું હાઇડ્રેશન આપે છે. એ ચીકાશ વગર ત્વચાને સૉફ્ટ અને કમ્ફર્ટેબલ રાખવામાં મદદ કરે છે.
ગુલાબજળ : ગુલાબજળ ત્વચાને રીફ્રેશ કરે છે અને નૅચરલ સાંદ્રતા બૅલૅન્સ જાળવવામાં મદદ કરી શકે છે. એ ત્વચાનું ઇરિટેશન ઘટાડીને ચહેરાને સૉફ્ટ લુક આપે છે.
સૌપ્રથમ ચહેરાને માઇલ્ડ ફેસવૉશથી સાફ કરી લો. ત્યાર બાદ ફેસ મિસ્ટની બૉટલને ચહેરાથી લગભગ છથી ૮ ઇંચ દૂર રાખી આંખો બંધ કરીને ચહેરા અને ગરદન પર સ્પ્રે કરો. મિસ્ટને ત્વચા પર થોડા સમય માટે રહેવા દો અથવા હળવા હાથે ડેપ કરો. ત્યાર બાદ જરૂરિયાત મુજબ સિરમ, મૉઇશ્ચરાઇઝર અથવા સનસ્ક્રીન લગાવી શકાય છે. મેકઅપ કર્યા બાદ પણ કેટલાંક ફેસ મિસ્ટનો ઉપયોગ રીફ્રેશિંગ અથવા સેટિંગ સ્પ્રે તરીકે કરી શકાય છે.
બદલાતી ઋતુ સાથે સ્કિનકૅર રૂટીનમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. મૉન્સૂનમાં ભારે અને ચીકણી પ્રોડક્ટ્સની જગ્યાએ હળવા, વૉટર-બેઝ્ડ હાઇડ્રેશનને પ્રાથમિકતા આપો. યોગ્ય ફેસ મિસ્ટ ત્વચાને ફ્રેશ, હાઇડ્રેટેડ અને કમ્ફર્ટેબલ રાખવામાં મદદ કરી શકે છે જેથી તમે ખીલ અને ચીકાશની ચિંતા વગર ચોમાસાની મજા માણી શકો છો.