29 June, 2026 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચોમાસામાં સેફ્ટી અને કમ્ફર્ટ માટે યોગ્ય ફુટવેઅરની પસંદગી કરવી જરૂરી
ચોમાસું એટલે માત્ર વરસાદની મજા નહીં, દરરોજ બહાર નીકળતી વખતે આજે કયાં ચંપલ પહેરવાં એની મોટી મૂંઝવણ. રસ્તા પર ભરાતાં પાણી અને કાદવ વચ્ચે ફૅશન સાથે કૉમ્પ્રોમાઇઝ કર્યા વગર કમ્ફર્ટેબલ રહેવું એ એક મોટો ટાસ્ક છે. ઘણી વાર આપણે માત્ર દેખાવ જોઈને ચંપલ ખરીદી લઈએ છીએ જે કાં તો લપસી જાય છે અથવા પગમાં ઇન્ફેક્શનનું કારણ બને છે. મૉન્સૂન ફૅશનનો ગોલ્ડન નિયમ એ છે કે તમારાં ફુટવેઅર વૉટરપ્રૂફ હોવાની સાથે સ્ટાઇલિશ પણ હોવાં જોઈએ. જો તમે પણ આ વરસાદમાં તમારા લુકને પર્ફેક્ટ અને સ્માર્ટ બનાવવા માગો છો તો અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહેલા આ લેટેસ્ટ ફુટવેઅર ટ્રેન્ડ્સ ચોક્કસ ટ્રાય કરવા જેવા છે.
હાઈ ક્વૉલિટી PVC કે રબરનાં બનેલાં જેલી ફ્લૅટ્સ પાણીને બિલકુલ શોષતાં નથી. એ કાદવ લાગતાં જ પાણીથી તરત સાફ થઈ જાય છે અને ખૂબ ઝડપથી સુકાય છે એટલે પગમાં ભેજ કે ફંગલ ઇન્ફેક્શન થતું નથી. ઑફિસ કે કૉલેજ માટે આ બેસ્ટ ઑપ્શન છે. અત્યારે બક્કલ સ્ટ્રૅપવાળી ક્લાસિક મૅરી જેન અને જાળીદાર ફિશરમૅન ડિઝાઇન સુપરટ્રેન્ડિંગ છે. કલર્સની વાત કરીએ તો પેસ્ટલ લૅવન્ડર, ન્યુડ શેડ્સ, મિન્ટ ગ્રીન, સેમી-ટ્રાન્સપરન્ટ લુક અને કાદવના ડાઘ ન દેખાય એવા સ્મોક્ડ બ્લૅક કે માઇક્રો-ગ્લિટર કલર્સ યુવતીઓમાં ભારે ક્રેઝ ધરાવે છે.
જો તમે ચોમાસામાં પણ કુરતી, પલાઝો કે એથ્નિક સેટ્સ પહેરવાના શોખીન હો તો રિંગ સૅન્ડલ્સ બેસ્ટ ચૉઇસ છે. અંગૂઠામાં ફિટ થતી આ રિંગ ડિઝાઇન ચાલતી વખતે પગને પર્ફેક્ટ ગ્રિપ આપે છે એટલે કાદવવાળા રસ્તા પર ચંપલ પગમાંથી નીકળી જતાં નથી અને પાછળથી કાદવ ઊડતો નથી. અત્યારે બજારમાં સૉફ્ટ સિલિકૉન અને ફ્લેક્સિબલ રબર મટીરિયલમાં બનેલી એકદમ સિમ્પલ સિંગલ લૂપ ડિઝાઇન ખૂબ જ પૉપ્યુલર છે. કલર્સમાં સદાબહાર મેટલિક ગોલ્ડન, રોઝ ગોલ્ડ, ટૅન બ્રાઉન અને બ્લૅક કલર ઇન-ટ્રેન્ડ છે જે જોવામાં ટ્રેડિશનલ ટચ આપે છે અને દરેક ઇન્ડિયન આઉટફિટ સાથે પર્ફેક્ટ્લી મૅચ થઈ જાય છે.
ટ્રાન્સપરન્ટ અથવા કાચ જેવા પારદર્શક પટ્ટાવાળાં આ સૅન્ડલ્સ જોવામાં ખૂબ જ સ્લીક, લાઇટવેઇટ અને મૉડર્ન લાગે છે. પ્લાસ્ટિક કે સિલિકૉનની સ્ટ્રૅપ હોવાને કારણે એના પર પાણીની કોઈ અસર થતી નથી. આ ફુટવેઅરની ખાસિયત એ છે કે એ પગને બિલકુલ હેવી લુક નથી આપતાં અને લાંબા સમય સુધી નવા જેવાં જ દેખાય છે. ફ્લૅટ સોલ અથવા હળવી બ્લૉક હીલ્સ સાથે સિંગલ બ્રૉડ ટ્રાન્સપરન્ટ પટ્ટી અથવા મલ્ટિપલ ક્રૉસ સ્ટ્રૅપ ડિઝાઇન અત્યારે હાઈ ફૅશનમાં ઇન છે. પટ્ટા બિલકુલ પારદર્શક અને નીચેનો સોલ પેસ્ટલ શેડ્સ જેમ કે મિન્ટ, બ્લશ પિન્ક કે ન્યુડ કલરની રાખવાનો મૉડર્ન ટ્રેન્ડ છે.
ક્રૉક્સ સ્ટાઇલના ક્લૉગ્સ આખો દિવસ ચાલે એવા કમ્ફર્ટ અને મજબૂત સોલ માટે જાણીતા છે. એના જાડા સોલ લપસણા રસ્તા પર પર્ફેક્ટ ઍન્ટિ-સ્લિપ ગ્રિપ આપે છે. આગળથી બંધ હોવા છતાં એમાં રહેલાં કાણાંને લીધે પગમાં પૂરતી હવા મળી રહે છે એટલે પરસેવો કે બૅક્ટેરિયા થતા નથી. અત્યારે થોડા ઊંચા સોલવાળા ક્લૉગ્સ વધુ ઇન-ટ્રેન્ડ છે. ચોમાસાના ડલ વાતાવરણને બ્રાઇટ કરવા માટે લેમન યલો, વાઇબ્રન્ટ ઑરેન્જ, પાઉડર બ્લુ અને ક્લાસિક વાઇટ કલર વધારે પસંદ કરવામાં આવે છે.
રોજિંદા વપરાશ, ક્વિક આઉટિંગ કે શાકભાજી લેવા જવા માટે ફ્લિપ-ફ્લૉપ્સ સૌથી હળવો અને સરળ ઑપ્શન છે. એથનિલ વિનાઇલ એસિટેટ (EVA) મટીરિયલમાંથી બનતાં આ ચંપલ વજનમાં એકદમ હલકાં હોય છે. પગ આખો ખુલ્લો રહેતો હોવાથી વરસાદમાં ભીના થયા પછી પણ એ મિનિટોમાં સુકાઈ જાય છે. અત્યારે સાવ પાતળાં ચંપલને બદલે ૧થી ૧.૫ ઇંચના જાડા સોલવાળા પ્લૅટફૉર્મ સ્લાઇડર્સ અને બબલ ટેક્સ્ચરવાળી ડિઝાઇન મૉડર્ન ફૅશનમાં હિટ છે. કલર્સમાં નિયોન ગ્રીન, હૉટ પિન્ક, ઑલિવ ગ્રીન અને ડ્યુઅલ ટોન એટલે કે બે કલરના મિશ્રણવાળા શેડ્સ વાઇડ લેગ જીન્સ અને શૉર્ટ્સ સાથે ખૂબ કૂલ લાગે છે.
લેધર અને સ્વેડ : પાણી અડતાં જ આ મટીરિયલ પર ફૂગ વળી જાય છે અને મોંઘાં શૂઝ કાયમ માટે બગડી જાય છે.
કૅન્વસ સ્નીકર્સ : કપડાનાં આ શૂઝ પાણી શોષી લે છે જેને લીધે પગ આખો દિવસ ભીના રહે છે અને ફંગલ ઇન્ફેક્શન તેમ જ દુર્ગંધની સમસ્યા થાય છે.
પેન્સિલ હીલ્સ : ભીના અને લપસણા રસ્તા પર પેન્સિલ હીલ્સ પહેરવાથી બૅલૅન્સ બગડી શકે છે.
ઍન્ટિ-સ્લિપ સોલ : ફુટવેઅર ગમે એટલાં સુંદર હોય, એની નીચેની સપાટી પર પ્રૉપર ખાંચા હોવા જરૂરી છે. ખરીદતાં પહેલાં ગ્રિપ ચોક્કસ ચેક કરો.
ઍન્કલ સ્ટ્રૅપને પ્રાધાન્ય આપો : પાછળ પટ્ટી હોય એવાં ફુટવેઅર ચોમાસામાં વધુ કમ્ફર્ટેબલ રહે છે, કારણ કે ચાલતી વખતે એ પગમાંથી નીકળી નથી જતાં અને કાદવ પાછળ ઊડતો નથી.
સાઇઝ થોડી લૂઝ રાખવી : ભેજને કારણે ચોમાસામાં ઘણી વાર પગમાં થોડો સોજો આવે છે અથવા ચંપલ ચામડી પર ઘસાય છે. તેથી બહુ ટાઇટ ફુટવેઅર ન ખરીદવાં.