શૉપિંગ કે લિએ કુછ ભી કરેગા

19 August, 2019 03:37 PM IST  |  મુંબઈ | મૅન્સ વર્લ્ડ - દર્શિની વશી

શૉપિંગ કે લિએ કુછ ભી કરેગા

શોપિંગ

ક્યારેય તમે માર્ક કર્યું છે કે દુકાન હોય કે પછી કોઈ શૉપિંગ મૉલ, સેલ હોય કે કોઈ ડિસ્કાઉન્ટ એમાં હંમેશાં મહિલાને જ કેન્દ્રમાં રાખીને જાહેરાત કરવામાં આવે છે. ત્યાં સુધી કે જેન્ટ્સની કેટલીક પ્રોડક્ટ્સની જાહેરાત માટે પણ મહિલાઓનો ઉપયોગ કરાય છે. એની પાછળનું એક એવું કારણ અપાય છે કે મહિલાઓને શૉપિંગ ખૂબ પ્રિય છે, જેના માટે તે તેનું બજેટ પણ ખોરવી નાખે છે. તો ઘણી વખત તર્કવિહીન વસ્તુઓ પણ ઘરે લઈ આવે છે. પરંતુ તાજેતરમાં સીએનબીસી અને સર્વેમન્કીએ સાથે મળીને હાથ ધરેલા એક સર્વેક્ષણમાં કંઈક નવું જ જાણવા મળ્યું છે. સર્વેક્ષણ મુજબ તર્ક વિનાનું શૉપિંગ કરવામાં મહિલાઓ કરતાં પુરુષ આગળ છે તેમ જ એ માટે તેમનું બજેટ પણ ખોરવી નાખવા તૈયાર થઈ જાય છે. બીજું શું ઇન્ટરેસ્ટિંગ જાણવા મળ્યું છે એ જાણીએ આગળ...

સર્વે મુજબ શૉપિંગ કરતા લોકોમાં ૯૦ ટકા જેટલા લોકો ઘણી વખત જરૂરિયાત ન હોય એવી એટલે કે તર્કવિહીન વસ્તુઓ ખરીદતા હોય છે. એની પાછળનું મુખ્ય કારણ શોખ અને બીજું કારણ પછી કામ આવશે અથવા ઘરમાં બીજાને કામ આવશે એવી મનોવૃત્તિ હોય છે. પરંતુ આ આંકડાને આગળ વર્ગીકૃત કરવામાં આવ્યો ત્યારે જે જાણવા મળ્યું એ ખરેખર શૉકિંગ હતું. એ મુજબ આવી બિનઆવશ્યક વસ્તુઓની ખરીદી કરવામાં પુરુષ વર્ગે મહિલાઓને પણ પાછળ છોડી દીધી છે. એટલે કે તેમનામાં શૉપિંગનો એક ક્રેઝ જોવા મળ્યો છે. ત્યારે અમે આ સર્વેને લઈને કેટલાક શૉપિંગપ્રેમી જેન્ટ્સની સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે શૉપિંગના શોખને કોઈ બજેટ ખોરવી શકે એમ નથી. તો ચાલો જાણીએ તેમની પાસેથી જ તેમના શૉપિંગ અને શોખના ફન્ડાને...

મારા શૉપિંગથી મારા મિત્રો પણ કંટાળી ગયા છે : પ્રીતેશ સોઢા

ગુજરાતી નાટક ‘મારા અસત્યના પ્રયોગો’ ના પ્રોડ્યુસર અને એને ડિરેક્ટ કરનાર પ્રીતેશ સોઢા કહે છે, ‘એક સેલિબ્રિટી હો કે પછી કૉમન મૅન, શૉપિંગ કરવાનો કીડો કોઈને છોડતો નથી. એમાં પણ જો તમને શૉપિંગ કરવાની રુચિ લાગી ગઈ પછી કંઈ પૂછવાનું જ નહીં. મને શૉપિંગ કરવાનો ભયંકર શોખ છે એમ કહું તો કંઈ ખોટું નથી. મારા શૉપિંગ કરવાના શોખ વિશે જાણવું હોય તો મારા મિત્રોને પૂછી જોજો, તેઓ હવે મારી સાથે શૉપિંગ કરવા માટે આવવાની રીતસરની ના જ પાડે છે, કેમ કે હું શૉપિંગ કરવામાં ટાઇમ પણ બહુ કાઢું છું. એમાં ઘણી વખત ન જોઈતી વસ્તુઓ પણ લેવાઈ જવાય છે. હું સૌથી વધારે કપડાં, બૅગ અને શૂઝનો ખૂબ શોખીન છું. મોટે ભાગે હું કુરતા, જીન્સ, ઇન્ડોવેસ્ટર્ન કપડાં પહેરવાનો આગ્રહ રાખું છું. માર્કેટમાં શું નવું આવ્યું છે એ જોવા માટે હું દર બે-ત્રણ અઠવાડિયે ખાદી ગ્રામઉધોગ, ફૅબ ઇન્ડિયા, એચ ઍન્ડ એમ વગેરે સ્ટોર્સમાં લટાર મારતો હોઉં છું ત્યારે જોતાં-જોતાં ગમી જાય તો હું એને ઉપાડી લઉ છું. એનું એક ઉદાહરણ આપું તો થોડા સમય પહેલાં મેં વરસાદમાં પહેરવા માટે વુડલૅન્ડ્સનાં શૂઝ લીધાં હતાં. આ શૂઝ લીધાને માંડ થોડા દિવસ થયા હશે ને મને સ્કેચર્સના સ્પોર્ટ્સ શૂઝ એક શૉપમાં દેખાયાં અને એ મેં લઈ લીધાં. મને ખબર હતી કે આ શૂઝ હું ચોમાસામાં નહીં પહેરી શકું, પણ એ મને ગમી ગયાં અને મેં ખરીદી લીધાં, જે આજે મારા કબાટમાં એમ જ પડેલાં છે. આવી તો મેં આજ સુધીમાં કેટલીયે ખરીદી કરી હશે.’

આઇ ઍમ વેરી બ્રૅન્ડ-કૉન્શિયસ : અનુપ ચંદક

જેમ પ્રેમ માટે ઉંમરની કે નાતજાતની કોઈ સીમા હોતી નથી એમ શૉપિંગ માટે પણ કોઈ સીમા હોતી નથી. અગ્રણી બ્રોકિંગ કંપની શેરખાનના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ અનુપ ચંદક કહે છે, ‘હું ખૂબ જ બ્રૅન્ડ-કૉન્શિયસ છું. બેસ્ટ બ્રૅન્ડની બેસ્ટ ક્વૉલિટી ધરાવતી લેટેસ્ટ વસ્તુઓ ખરીદવા માટે હું હંમેશાં તત્પર રહું છે. આજે મારી પાસે એ તમામ વસ્તુઓ છે. ઘડિયાળ તરફ પણ મારો વિશેષ ઝુકાવ છે. મારી પાસે ટાઇટન નેબ્યુલા, રાગા, પોલિસ, એમ. કે., સૅમસંગ સ્માર્ટ વૉચ જેવી વિવિધ વૉચનું કલેક્શન છે જેમાંની કેટલીક વૉચની કિંમત ૪૦,૦૦૦ રૂપિયાની આસપાસ છે. ઇલેક્ટ્રૉનિક વસ્તુઓમાં મને ઍપલની પ્રોડક્ટ્સ વધારે ગમે છે. કપડાંમાં હું ઍરોનાં શર્ટ પ્રિફર કરું છું. મોટા ભાગે હું મારા ઑફિસ વેઅર કસ્ટમાઇઝ કરાવું છું. એથી હું બૉમ્બે શર્ટ કંપની પાસે મારાં શર્ટ તૈયાર કરાવું છું. જો તમારે ઑફિસમાં મજબૂત ઇમ્પ્રેશન પાડવી હોય, એક ઇમેજ ઊભી કરવી હોય તો આવા શૉપિંગ ખર્ચા કરવા પડે છે.’

કપડાંના શૉપિંગના શોખને હું સુધારવા માગતો નથી : વિરલ સત્યા

આવા જ કંઈક હાલ મલાડમાં રહેતા અને ગાર્મેન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા વિરલ સત્યાના પણ છે. આપણે ત્યાં એવી કહેવત છે કે હલવાઈ કોઈ દિવસ તેની મીઠાઈ ખાતો નથી. અર્થાત્ તેને મીઠાઈ ખાવાનો કોઈ શોખ હોતો નથી. પરંતુ અહીં એનાથી ઊલટું છે. અહીં હલવાઈને મીઠાઈ જ બહુ પ્રિય છે એટલે કે કપડાંનો બહુ શોખ છે. તેઓ કહે છે, ‘હું રેડીમેડ ગાર્મેન્ટના બિઝનેસની સાથે જોડાયેલો છું, જેથી મારે અવારનવાર મારા માણસો સાથે બધી શૉપમાં ફરવું પડતું હોય છે. આમ તો હું આ શૉપ્સમાં મારા માલ માટે જતો હોઉં છું, પરંતુ સાથે-સાથે મારા માટે કપડાં પણ ખરીદી લાવું છું. મને જો કંઈ ગમી જાય તો હું મારા ખિસ્સામાં કેટલા પૈસા છે એ જોયા વિના એ ખરીદી લઉં છું. કપડાં મારી પૅશન છે. મારો જબરો શોખ છે. મારી પાસે ૧૦૦થી પણ વધારે શર્ટ અને ટી-શર્ટ છે એ છતાં મને આજની તારીખમાં કોઈ શર્ટ કે ટી-શર્ટ ગમી જાય તો ફટ ખરીદી લઉં છું. થોડા સમય પહેલાં હું મૉલમાં એમ જ ફરવા ગયો હતો ત્યાં ફરતાં-ફરતાં મને એક યુ એસ પૉલોનું ટી-શર્ટ ખૂબ ગમી ગયું. શૉપમાં જઈને પૂછ્યું તો કહ્યું કે એની કિંમત ૫૦૦૦ રૂપિયા છે. હા, થોડું મોંઘું હતું, પરંતુ મને ગમી ગયું એટલે મેં એ તરત ખરીદી લીધું હતું. મારી આ આદતના લીધે મારી મમ્મી ઘણી વખત ચિડાય છે.’

આ પણ વાંચો : Style Tips: આ ત્રણ ટિપ્સ અપનાવશો તો દરેક આઉટફિટ્સમાં દેખાશો સ્લિમ

ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ મારો ક્રેઝ છે : સુમીત જૈન

શૉપિંગ એક પૅશન છે એવું સુમિત જૈન કહે છે. તેઓ બિલ્ડિંગ બાંધકામના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે, ‘મને શૉપિંગ કરવાનો જબરો શોખ છે. એમાં ઇલેક્ટ્રૉનિક આઇટમનું શૉપિંગ તો હું હદ બહાર કરું છું એમ કહું તો ચાલે. એમાં જોઈતી-ન જોઈતી બધી વસ્તુ આવી જાય. મેં આજ સુધીમાં આવી કેટલી વસ્તુઓ ખરીદી હશે એનો કોઈ હિસાબ નથી. મને ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ ગમે છે એટલે હું જોતાંની સાથે જ એને લઈ લઉં છું. હું મોટે ભાગે ગિફ્ટ આપવા માટે પણ ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ જ લેતો હોઉં છું. થોડા સમય પહેલાં જ મેં કોઈને ગિફ્ટ આપવા માટે બે લૅપટૉપ લીધાં હતાં. મારા માટે ખરીદેલી કોઈ મોટી ઇલેક્ટ્રૉનિક વસ્તુની વાત કરું તો મેં હમણાં જ ૬૫,૦૦૦ રૂપિયાનો આઇફોન ખરીદ્યો છે. ટૂંકમાં કહું તો મને કંઈક યુનિક લાગે, કંઈક ડિફરન્ટ લાગે એવી વસ્તુ દેખાઈ કે તરત હું એને ખરીદી જ લઉં છું પછી એ વસ્તુ ડબલ થઈ જાય છે કે નહીં એ વિચારતો પણ નથી.’

 

fashion news life and style