ઘરચોળું રે ઘરચોળું

24 June, 2024 01:51 PM IST  |  Mumbai | Rajul Bhanushali

કચ્છની બાંધણી કે પાટણના પટોળાને જેટલી ફેમ મળી છે એટલી કચ્છના ઘરચોળાને નથી મળી

યોગિતા ભાનુશાલી

કચ્છની બાંધણી કે પાટણના પટોળાને જેટલી ફેમ મળી છે એટલી કચ્છના ઘરચોળાને નથી મળી. થોડાક સમય પહેલાં સોનમ કપૂરે એક ફંક્શનમાં પોતાની મમ્મીનું ઘરચોળું પહેર્યું હતું એ વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. કચ્છી મહિલાઓ સામાન્ય રીતે લગ્નમાં સોનાના તારવાળું ઘરચોળું પહેરે જ અને પરંપરા મુજબ એને કાતર ન અડાડાય એટલે વર્ષોવર્ષ સુધી જાળવી રાખવામાં આવે. ઘરચોળાનો આ ટ્રેન્ડ આજે ક્યાં પહોંચ્યો છે એ જાણી લો

કચ્છી ગુજરાતી સમાજમાં લગ્નમાં પાનેતર અને ઘરચોળા પહેરવાની પરંપરા આજેય છે. ફૅશન અને ટ્રેન્ડ બદલાતાં રહે છે પણ આ પરંપરા બદલાઈ નથી. જોકે કચ્છની બાંધણી કે પાટણના પટોળાને જેટલી ફેમ મળી છે એટલી કચ્છના ઘરચોળાને નથી મળી. તાજેતરમાં સોનમ કપૂરે એક ફંક્શનમાં પોતાની મમ્મીનું ઘરચોળું પહેર્યું હતું એ વિડિયો ખૂબ વાઇરલ થયો. ત્યાર બાદ કચ્છી ઘરચોળા વિશે ફૅશન વર્લ્ડમાં ચર્ચા થઈ રહી છે ત્યારે અમે કેટલીક કચ્છી બહેનોને પૂછી જોયું તેમની પાસે રહેલા ઘરચોળા અને એની સાથે સંકળાયેલી મેમરીઝ વિશે.

બનાવટ અને સાચવણી

છેલ્લાં પંદર વર્ષથી આખી પટેલ જ્ઞાતિને ઘરચોળાં પહેરાવતાં માધવી પટેલ આ વિશે ઉત્સાહથી કહે છે, ‘કચ્છથી બિલૉન્ગ કરતી કચ્છી-ગુજરાતી જ્ઞાતિઓમાં સાચી જરીનાં ઘરચોળાં એટલે કે સોનાના તાર જડેલા હોય એવાં ઘરચોળાંનું માહાત્મ્ય છે. અલબત્ત, સોનાના તાર જડેલા હોય એટલે મોંઘાં આવે પણ એમ છતાં મોટા ભાગની બહેનોની આ ડ્રીમ સાડી છે અને મોટા ભાગની બહેનો પાસે હોય પણ. સાચી જરીનાં ઘરચોળાં ફૂલવાયલ કૉટન પર બને છે. અડધો ઇંચ, એક ઇંચ, દોઢ ઇંચ કે પછી બે ઇંચના સોનાના તારવાળા ચેક્સ હોય. જેમ ઇંચ વધુ, ભાવ વધુ. મોંઘામાં મોંઘું ઘરચોળું એકાદ લાખ રૂપિયાનું આવતું હોય છે. કચ્છમાં બને છે એથી ત્યાંથી લો તો ભાવમાં ફરક પડે. ઘરચોળાંમાં બંધ બાંધેલા હોય. લઈએ ત્યારે બંધ ખોલે અને ઇસ્ત્રી કરીને આપે ત્યાર બાદ ઘરચોળાને ક્યારેય ડ્રાયક્લીનિંગ કે રોલ પ્રેસ કરવામાં આવતું નથી. મજાની વાત એ છે કે ઘરચોળાનું કાપડ એવું હોય છે જેમાં સળ જ નથી પડતા. તમે આખો દિવસ પહેરી રાખો, એ ચોળાતું નથી. આની જાળવણી કરવાની પણ એક ચોક્કસ પદ્ધતિ છે. ઘરચોળાં ઘણુંખરું મલ કૉટનના સફેદ કે પછી પીળા કપડામાં વીંટીને મૂકવામાં આવતાં હોય છે. વર્ષમાં બે વખત એને હવા લાગવી જોઈએ. એટલે કે તમે પહેર્યું હોય કે ન પહેર્યું હોય, તડકાના દિવસો હોય ત્યારે કબાટમાંથી બહાર કાઢવાનું અને ઘડી ખોલીને પાંચ-સાત કલાક મૂકી રાખવાનું. સીધો તડકો ન આવવો જોઈએ. આ રીતે જાળવણી કરવાથી આયુષ્ય વધે છે. ઘરચોળામાં મુખ્યત્વે દેવી વર્ક કે પછી જરદોસી જેવા ટ્રેડિશનલ વર્કની બૉર્ડર લગાડવામાં આવતી હોય છે. એનું આયુષ્ય વધે. જો તમે ઘરચોળું વર્ષોવર્ષ સુધી બહાર ન કાઢો તો પછી કાપડ ફસકી જવાનો ડર રહે છે.’

સાસરાનું ઘરચોળું

અસલનાં સોનાનાં તારવાળાં ઘરચોળાં તો જ્યારે આપણે પાછાં આપીએ ત્યારે એમાં રહેલા સોનાની કિંમત પાછી મળી જતી. મુખ્યત્વે કચ્છના લોકોમાં લગ્નમાં ઘરચોળું પહેરવાનો રિવાજ છે. આ ઘરચોળા સાથે એવી લાગણી ગુંથાયેલી છે કે ચોરીએ ચડેલા ઘરચોળા પર ક્યારેય કાતર અડાવવામાં આવતી નથી. માધવીબહેન કહે છે, ‘પિયરનું પાનેતર હોય અને સાસરાનું ઘરચોળું. હજી હમણાં સુધી કચ્છી લાડીઓ આ બે સાડી પહેરીને લગન કરતી, પરંતુ હમણાં-હમણાં ફૅશનને રવાડે ચડીને લોકો પાનેતરને બદલે ચણિયાચોળી પહેરતી થઈ છે. પરંતુ ઘરચોળું હજીયે મસ્ટ છે. ચણિયાચોળી સાથે આખું ઘરચોળું પાછળના ભાગમાં ટક કરવામાં આવે અને ગુજરાતી સ્ટાઇલનો પાલવ લેવામાં આવે. આગળથી ચણિયાચોળી પહેરેલાં છે એવું જ લાગે. જોકે આજકાલ આર્ટિફિશ્યલ જરીનાં ઘરચોળાં મળવા લાગ્યાં છે. અગાઉ ઘરચોળાં લાલ, લીલા અને મરૂન જેવા પરંપરાગત રંગોમાં બનતાં. હવે તો ઘણાબધા ઇંગ્લિશ કલર્સ પણ આવી ગયા છે. હમણાંથી આર્ટિફિશ્યલ જરીવાળાં ઘરચોળાંમાંથી ગાઉન કે ડ્રેસ કે પછી ચણિયાચોળી બનવા લાગ્યાં છે પરંતુ આજની તારીખે પણ ચોરીએ ચડેલા ઘરચોળા પર કાતર અડાડવામાં આવતી નથી. ઈશા અંબાણીએ પોતાનાં લગ્નમાં પ્રૉપર ગુજરાતી લુક રાખેલો. તેણે ઘરચોળું પહેરેલું અને ટ્રેડિશનલ રીતથી પીયળ પણ કાઢેલી. આર્ટિફિશ્યલ જરીવાળાં ઘરચોળાં તો હજી હવે મળતાં થયાં છે પણ અગાઉ જ્યારે સાચી જરીનાં લેવાનું કોઈ માટે શક્ય ન બનતું ત્યારે કસબ અને ટીકલીવાળાં ઘરચોળાં મળતાં. કસબ એટલે સોનેરી રંગના દોરાનો ઉપયોગ કરીને હાથેથી ભરવામાં આવતો સાંકળી ટાંકો. એનું પોત હૂલીનું રહેતું, જે દુબઈથી આવતું એવું સાંભળેલું છે. આજની તારીખે પણ એવા ઘરચોળાની કસબ કાળી પડી હોય કે કાપડ ફસકી ગયું હોય એવું સાંભળવામાં આવ્યું નથી.’

વિન્ટેજ ઘરચોળાંની ફૅશન

આજકાલ એવાં વિન્ટેજ ઘરચોળાંની ફૅશન ફરીથી આવી છે. આવી વિન્ટેજ ઓઢણીઓ અને બ્લાઉઝ પણ ધૂમ વેચાય છે. પરંતુ ફરક એ છે હવે બધું મશીન વર્ક થાય છે. યંગ છોકરીઓ પ્રસંગોપાત્ત તો ઠીક ઑફિસમાં પણ સાડી પહેરતી થઈ ગઈ છે અને મોટા ભાગે ઇન્ડોવેસ્ટર્ન લુક પસંદ કરતી હોય છે. મુલુંડમાં રહેતાં ફૅશન-ડિઝાઇનર યોગિતા ભાનુશાલીને લુક સાથે એક્સપરિમેન્ટ કરવા ગમે છે. તેઓ કહે છે, ‘જનરલી લગ્નમાં પહેરેલાં ઘરચોળાં પર કાતર અડાડવામાં આવતી નથી એટલે એમાંથી કોઈ નવો આઉટફિટ બનાવી શકાતો નથી. વળી ટ્રેડિશનલ બ્લાઉઝ સાથે એનો લુક બહુ જ હેવી હોય છે એટલે ઘરના પ્રસંગો સિવાય ઘરચોળાં બહુ પહેરાતાં નથી. આટલી સરસ સાડી વર્ષોવર્ષ કબાટમાં પડી રહેતી એટલે હવે એના પણ રસ્તા નીકળ્યા છે. આજકાલ ઘરચોળાં સાથે પણ ઇન્ડો-વેસ્ટર્ન લુક ક્રીએટ થવા લાગ્યા છે. એવી રીતે તમે એ તમારી બેસ્ટ ફ્રેન્ડનાં લગ્નમાં પણે પહેરી શકો છો કે પછી જેઠાણીના પિયરમાં પ્રસંગ હોય તોય પહેરી શકો. ટૂંકમાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલિંગ કરવાથી ઘરચોળું એલિગન્ટ અને સોબર લાગે એટલે આપણે ઘણીબધી વખત પહેરી શકીએ. હમણાં એક પ્રસંગમાં મેં મારા યલો કલરના ક્રૉપ ટૉપ ટી-શર્ટ સાથે પહેર્યું હતું અને એ પણ લૂઝ પલ્લુ રાખીને! ટૉપ વિન્ટરવેઅર હતું અને એનું કાપડ ટેક્સચરવાળું હતું. આજકાલ બેન્ગૉલી સ્ટાઇલમાં પહેરાતી સાડીમાં લૂઝ પલ્લુ રાખવાનો ટ્રેન્ડ છે. ઘરચોળામાં લગાવાતી બૉર્ડરની પણ એક જુદી દુનિયા છે. આજકાલ પરંપરાગત હેવી બૉર્ડરને બદલે ફૅન્સી બૉર્ડર લગાવવાનું ચાલુ થયું છે એના કારણે પણ હવે ઘરચોળાં સામાન્ય પ્રસંગોમાં પહેરવાનું શક્ય બન્યું છે.’

બંધ બાંધવાનો કસબ

ઘરચોળામાં હાથી, કળશ જેવી જે ડોઝાઇન હોય એને દોરાથી સજ્જડ બાંધી દે અને પછી પોતને કલર કરે. બંધ હોય એ જગ્યામાં પોતનો કલર ન લાગે અને એને જુદો કલર કરાય. એ ડિઝાઇન ઊપસી આવે. આ દોરા બાંધવાને બંધ કહેવાય. ઘરચોળાના બંધ બાંધવાનો પણ એક અલગ પ્રકારનો કસબ છે. એમાં ખૂબ જ સફાઈપૂર્વક કામ કરવાની જરૂર પડે છે. બંધ પણ અનેક પ્રકારના હોય છે. ઉષા કટારમલ છેલ્લા બે દાયકાથી આ કામ સાથે સંકળાયેલાં છે. તેઓ એ વિશે કહે છે, ‘ફૂલ, ઢીંગલી, કબૂતર, પોપટ, હાથી, ચીકારી, ફૂલપાંદડાં જેવી ડિઝાઇન હોય જે હું વર્ષોથી કરું છું. કોઈ પીસમાં અત્યંત ઝીણા બંધ બાંધવાના હોય તો કોઈમાં જાડા. જેમ બંધ ઝીણા થતા જાય એમ પીસની કિંમત વધતી જાય. સામાન્ય ભાષામાં એને જરીચોકડીવાળાં ઘરચોળાં કહેવાય. મારી પાસે બંધ બાંધવા સાચા અને સંતારાવાળા પણ આવે. સંતારાવાળામાં મુખ્યત્વે ચીકારી અને વેલવાળી ડિઝાઇન હોય. એ આવે તો મહિનામાં દસેક સાડી કરી લઉં. પરંતુ જરીચોકડીવાળાના માંડ ત્રણેક પીસ થાય. અમે એને ‘ભીંડી બાંધવી’ કહીએ. એક ફૂલ પર વીસ ભીંડી બાંધવાની હોય. કોઈકમાં ઘાટું ભરત હોય તો કોઈકમાં પાંખું. અમારી પાસે પીસ ભીંડી બાંધવા માટે આવે ત્યારે પોત સફેદ હોય. ભીંડી બંધાઈ ગયા પછી પોતને કલર થાય. ભીંડી બાંધવાનો ધાગો પણ અલગ આવે. અસલનાં ઘરચોળાં કોઈ કારણથી ખરાબ થઈ જાય તો એને બાળી નાખવામાં આવતાં અને સોનું કાઢી લેવામાં આવતું. સોનાના ભાવ અત્યારે આકાશ આંબી રહ્યા છે ત્યારે ઘરચોળાં પણ ઘણાં મોંઘાં થઈ ગયાં છે. આર્ટિફિશ્યલ જરીવાળાનો લુક સાચા જેવો નથી આવતો. કારીગરોએ આનોય વચલો રસ્તો કાઢ્યો છે. ચાંદીના તાર પર સોનાનું પાણી ચડાવેલું હોય એવાં તારવાળાં ઘરચોળાં આજકાલ બનતાં થયાં છે. એનો ભાવ રીઝનેબલ હોય છે અને લુક પણ ઑલમોસ્ટ સાચા જેવો જ આવે છે. આજકાલ એની ખૂબ માગ છે. ઘણા ઘરચોળાના પોત પર વર્ક કરાવતા થયા છે. આજકાલ તો પોતમાં ગજી કાપડ પણ વપરાતું થયું છે. સારું છે, નવું બધાને ગમતું હોય છે.’

kutchi community fashion fashion news life and style columnists