16 July, 2025 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિપ્સને હાઇલાઇટ નહીં, બ્લર કરો
બ્યુટી અને મેકઅપના અલગ-અલગ હૅક્સ અને અવનવી ટ્રિક્સ સોશ્યલ મીડિયા પર છાશવારે વાઇરલ થતાં હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી બ્લર્ડ લિપ્સનો ટ્રેન્ડ પણ ચગ્યો છે. હોઠને ભરાવદાર દેખાડવા હોય એ લોકો આ ટ્રેન્ડને આંખો બંધ કરીને અનુસરી રહ્યા છે. હોઠની આઉટલાઇનને ત્વચા સાથે બ્લેન્ડ કરીને એ ભરાવદાર હોવાનું ઇલ્યુઝન ક્રીએટ કરવામાં આવે છે. જેના હોઠ પાતળા અને ચપટા હોય છે એ લોકો આ મેકઅપ ટ્રિકને યુઝ કરશે તો ચહેરો બૅલૅન્સ્ડ લાગશે અને હોઠ વધુ સારા લાગશે.
આ રીતે કરો લિપ્સ બ્લર
મેકઅપનો બેઝ ચહેરા પર લગાવ્યા બાદ તમારા હોઠની આસપાસ પણ થોડું કન્સીલર લગાવીને હોઠની આઉટલાઇનને ત્વચા સાથે મર્જ થાય એ રીતે બ્લેન્ડ કરો.
ત્યાર બાદ તમારી પસંદગીની લિપસ્ટિક પસંદ કરો અને એને હોઠની વચ્ચેના ભાગમાં લગાવો.
પછી બ્લર ઇફેક્ટ આપવા માટે એને બ્રશ અથવા આંગળીની મદદથી બહારની દિશામાં હલકા હાથેથી બહુ જ ચીવટ અને સાવધાનીપૂર્વક ડૅબ-ડૅબ કરીને લગાવો જેથી નૅચરલ લુક મળે. જોરથી કરશો તો એ હોઠની બહાર જશે અને તમારો લુક ખરાબ થશે અને લિપ-લાઇનર્સનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આપણે હોઠને હાઇલાઇટ નથી કરવા.
લિપસ્ટિકની આ બ્લર ઇફેક્ટ લાંબા સમય સુધી ટકી રહે એ માટે લિપસ્ટિક લગાવ્યા બાદ થોડો ટ્રાન્સલુશન પાઉડર લગાવો જેથી એને મૅટ લુક પણ મળી જાય.