વૉર્ડરોબમાં રાખેલા કૉર્સેટ ટૉપને આ રીતે સ્ટાઇલ કરશો તો મળશે હાઈ-ફૅશન લુક

16 June, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૉપિંગ દરમ્યાન કૉર્સેટ ટૉપ ખરીદી તો લીધું, પણ એને સ્ટાઇલ કેવી રીતે કરવું એ વાતને લઈને ઘણી વાર મૂંઝવણ થતી હોય છે. આ ગાઇડ તમારા લુકને પળવારમાં એલિગન્ટ અને ક્લાસી બનાવશે

કૉર્સેટ ટૉપને આ રીતે સ્ટાઇલ કરો

કૉર્સેટ ટૉપ બૉડીને સુંદર અને પર્ફેક્ટ સ્ટ્રક્ચર આપે છે અને ઇન્સ્ટન્ટ લુક ક્રીએટ કરે છે. ઘણી યુવતીઓ એને ખરીદ્યા પછી વૉર્ડરોબની બહાર કાઢતાં અચકાય છે, કારણ કે તેમને ડર લાગે છે કે આ ટૉપ ક્યાંક લિન્જરી જેવો બોલ્ડ લુક ન આપી દે. જોકે ફૅશનનો નિયમ કહે છે કે કોઈ કપડું ખરાબ નથી હોતું, એને સ્ટાઇલ કરતાં આવડવું જોઈએ. કૉર્સેટ ટૉપ બહુ વર્સેટાઇલ છે. જો તમે યોગ્ય ફૅબ્રિક અને સ્માર્ટ બૉટમવેઅર સાથે પેર કરો તો એ લાન્જરી જેવું લાગવાને બદલે સૉફિસ્ટિકેટેડ અને પ્રીમિયમ લુક આપશે. તમારા એ જ કૉર્સેટ ટૉપનો ઉપયોગ કરીને તમે કેવી રીતે મૉડર્ન અને હાઈ-ફૅશન સ્ટેટમેન્ટ ક્રીએટ કરી શકો એ અહીં જાણી લો.

મૅચિંગ કો-ઑર્ડ સેટ

માર્કેટમાં એવાં કૉર્સેટ ટૉપ્સ પણ ઉપલબ્ધ છે જે મૅચિંગ સ્કર્ટ કે ટ્રાઉઝર સાથે સેટ તરીકે આવે છે. એકસરખા ફૅબ્રિક કે પ્રિન્ટવાળું આ આઉટફિટ પહેરવાથી લુક એકદમ ક્લીન, મૉડર્ન અને હાઈ-ફૅશન લાગે છે.

સ્કર્ટ સાથે રોમૅન્ટિક લુક

જો તમને સૉફ્ટ લુક ગમતો હોય તો કૉર્સેટ ટૉપને મિડી કે મૅક્સી સ્કર્ટ સાથે ઇન કરીને પહેરો. સ્કર્ટનું સૉફ્ટ ફૅબ્રિક અને કૉર્સેટનું કડક સ્ટ્રક્ચર લુકમાં કૉન્ટ્રાસ્ટ ઊભો કરશે. ખાસ કરીને સૅટિન સ્કર્ટ કૉર્સેટ ટૉપ સાથે લક્ઝરિયસ લુક આપે છે.

ટી-શર્ટ અથવા ટર્ટલનેક પર લેયર કરો

કૉર્સેટને કૅઝ્યુઅલ અને સ્ટ્રીટ-સ્ટાઇલ લુક આપવો હોય તો એની અંદર સાદું વાઇટ ટી-શર્ટ અથવા ફિટેડ રિબ્ડ ટૉપ પહેરો. સ્ટ્રક્ચર્ડ અને કૅઝ્યુઅલ ટી-શર્ટ વચ્ચેનો આ કૉન્ટ્રાસ્ટ તમારા લુકને કૂલ બનાવશે. આ સ્લિક લુક માટે ડાર્ક કલરના કૉર્સેટની અંદર બ્લૅક કલરનું પાતળું ટર્ટલનેક ટૉપ પહેરી શકાય.

હાઈ-વેસ્ટેડ ટ્રાઉઝર સાથે પેર કરો

કૉર્સેટ ટૉપ પોતે જ ફિટેડ હોય છે. તેથી નીચેનું બૉટમવેઅર થોડું લૂઝ અને સ્ટ્રક્ચર્ડ હોવું જરૂરી છે. કૉર્સેટને હાઈ-વેસ્ટેડ અને વાઇડ લેગ પૅન્ટ્સ સાથે પેર કરો. આ કૉમ્બિનેશન તમારા લુકને સુંદર રીતે બૅલૅન્સ કરશે અને વિન્ટેજ લુક આપશે. ફૉર્મલ સ્ટ્રેટકટ ટ્રાઉઝર પણ આની સાથે ક્લાસી વાઇબ્સ આપે છે.

બ્લેઝર ઍડ કરો

એક ઓવરસાઇઝ્ડ બ્લેઝર આખા લુકનો નક્શો બદલી નાખે છે. કૉર્સેટને ઇનર-બેઝ તરીકે પહેરીને ઉપરથી બ્લેઝર ઓપન જૅકેટની જેમ પહેરો. આ સ્ટાઇલ તમે ઑફિસ-પાર્ટી કે ઈવનિંગ આઉટિંગ્સ બન્નેમાં અપનાવી શકો છો. બ્લૅક, બેજ કે ગ્રે કલર્સ જેવા ન્યુટ્રલ શેડ્સ બેસ્ટ ઑપ્શન છે.

સ્ટાઇલિંગ ટિપ્સ

કૉર્સેટ ટૉપની સુંદરતા એની નેકલાઇનમાં હોય છે. એને હાઇલાઇટ કરવા માટે ગળામાં જ્વેલરી પહેરવાનું ટાળો. જો પહેરવી જ હોય તો સિમ્પલ, પાતળી ચેઇન અથવા મિનિમલ પેન્ડન્ટ પહેરો. જો કૉર્સેટ ઑફ-શોલ્ડર હોય તો કૉલર-બોનને હાઇલાઇટ કરવા નાનું ચૉકર પણ પહેરી શકાય. ગળું ખાલી રાખીને કાનમાં હૂપ્સ અથવા સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ પહેરશો તો લુક વધુ એલિગન્ટ અને મૉડર્ન લાગશે.

તમારો લુક કેવો દેખાશે એનો આધાર ફુટવેઅર પર પણ છે. કૉર્સેટને તમે જીન્સ કે ટી-શર્ટ પર લેયર કર્યું હોય તો વાઇટ સ્નીકર્સ કે ચન્કી બૂટ્સ સાથે સરસ લાગશે. ટ્રાઉઝર્સ અથવા મિડી સ્કર્ટ સાથે કૉર્સેટ પહેરતી વખતે સ્ટ્રેપી હીલ્સ અથવા પૉઇન્ટેડ બેલીઝ પસંદ કરો. આનાથી પગ લાંબા દેખાશે અને આખો લુક ઇન્સ્ટન્ટ અપલિફ્ટ થશે.

જો તમારે એક જ આઉટફિટમાં આખા દિવસનું અને સાંજનું ફંક્શન અટેન્ડ કરવાનાં હોય તો દિવસે કૉર્સેટ ટૉપ પર ડેનિમ જૅકેટ અથવા કૅઝ્યુઅલ લિનન શર્ટ ઓપન રાખીને પહેરો. રાત્રે એ જૅકેટ કાઢીને ગળામાં પાતળી ચેઇન સાથે એક પેન્ડન્ટ ઍડ કરો. થોડી ડાર્ક લિપસ્ટિક લગાવો અને ઉપરથી ક્લાસી બ્લેઝર અથવા શ્રગ કૅરી કરી લો. 

fashion fashion news life and style lifestyle news columnists