આ સમરમાં ચલાવો ઑફ-શોલ્ડર ડ્રેસનો જાદુ

17 March, 2026 05:17 PM IST  |  Mumbai | Heena Patel

ઉનાળાની ગરમીમાં સ્ટાઇલિશ અને હળવાં આઉટફિટ્સની શોધ દરેકને હોય છે. ઑફ-શોલ્ડર ડિઝાઇન્સ એવી જ એક ટ્રેન્ડી પસંદગી છે જે આરામ સાથે ગ્લૅમર પણ આપે છે. રફલ્સ, બોલ્ડ રંગો અને મૉડર્ન કટ્સ સાથે આ સ્ટાઇલ આ સમર સીઝનમાં ખાસ ચર્ચામાં છે

ઑફ-શોલ્ડર ડ્રેસ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે તાપમાનનો પારો આસમાને પહોંચે છે ત્યારે ફૅશન-જગતમાં કમ્ફર્ટ અને સ્ટાઇલનો સુંદર સમન્વય જોવા મળે છે. સમર સીઝનમાં ઑફ-શોલ્ડર ડિઝાઇન્સ હંમેશા ફૅશનપ્રેમીઓની પસંદગી રહે છે, કારણ કે એ ગરમીમાં રાહત આપવાની સાથે અત્યંત આકર્ષક લુક આપે છે. આ સમર સીઝનમાં ઑફ-શોલ્ડર ડિઝાઇન્સમાં રોમૅન્ટિક રફલ્સ અને શરીરના આકારને આકર્ષક બતાવતી સ્ટાઇલ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના આઉટફિટ ગરદન અને ખભાના ભાગને, જેને ફૅશનની ભાષામાં કૉલરબોન કહેવામાં આવે છે, ખૂબ જ સુંદર રીતે હાઇલાઇટ કરે છે. ઉનાળાના વેકેશન, બીચ-પાર્ટી કે ફૅન્સી ડિનર માટે આ સ્ટાઇલ સદાબહાર સાબિત થાય છે. અત્યારે ઑફ-શોલ્ડરમાં વૉલ્યુમ એટલે કે ઘેરવાળી ડિઝાઇનનો દબદબો છે. સૉફ્ટ રફલ્સ અને લેયર્ડ ડિઝાઇન્સ ઑફ-શોલ્ડર મૅક્સી ડ્રેસ અને ઈવનિંગ વેઅરમાં એક પ્રકારની નરમાશ અને ગ્લૅમર ઉમેરે છે. આ લહેરાતી ડિઝાઇન્સ પહેરનારને એક ડ્રીમી અને ફેમિનાઇન લુક આપે છે. બીજી તરફ ઑફ-શોલ્ડર સ્ટ્રક્ચર્ડ બૉડીસ અને કૉર્સેટ સ્ટાઇલના ડ્રેસ પણ ખૂબ લોકપ્રિય બન્યા છે. શરીરને વળગી રહેતા આ સિલુએટ્સ પૉલિશ્ડ અને સુઘડ દેખાવ આપે છે. ખાસ કરીને ઑફ- શોલ્ડર મિડી-કૉર્સેટ ડ્રેસમાં નાજુકતા અને આધુનિક ફિટિંગનું જે મિશ્રણ જોવા મળે છે, એ એને કોઈપણ પ્રસંગ માટે અનુકૂળ બનાવે છે. આ ડિઝાઇન્સ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે એ પહેરનારને આત્મવિશ્વાસનો અનુભવ કરાવે છે. ઉનાળાનાં આ આઉટફિટ્સમાં રંગોનું પણ વિશેષ મહત્ત્વ છે. અત્યારે ફૅશનમાં બ્રાઇટ અને બોલ્ડ રંગોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. કોબાલ્ટ બ્લુ, એમરલ્ડ ગ્રીન અને સની યલો જેવા રંગો ઉનાળાના તાપમાં પણ એક અલગ જ આકર્ષણ ઊભું કરે છે. આ સિવાય રુબી રેડ અને કૅન્ડી પિન્ક જેવા શેડ્સ યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ઑફ-શોલ્ડરની સાથે-સાથે વન શૉલ્ડર વેરિએશન્સ પણ એક નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે, જે પરંપરાગત ડિઝાઇનમાં આધુનિક ટ્વિસ્ટ લાવે છે.

સ્ટાઇલિંગ ટિપ્સ

fashion news fashion lifestyle news life and style gujarati mid day columnists