23 September, 2024 12:03 PM IST | Mumbai | Heta Bhushan
પ્રતીકાત્મક તસવીર
નાના ઘરમાં પણ એક મજાનો ગાર્ડન એરિયા વિકસાવવાની ઇચ્છા હોય તો આ નવો ગાર્ડનિંગ ટ્રેન્ડ બહુ કામનો છે. એ જગ્યા પણ ઓછી રોકે છે અને આ ગાર્ડન મેઇન્ટેન કરવામાં બહુ સમય પણ નથી લાગતો
કૉન્ક્રીન્ટના જંગલ એવા મુંબઈમાં ગ્રીનરી બહુ ઓછી છે. જો ઘરમાં નાનું ગાર્ડન જેવું બનાવવું હોય તો એમાં પણ જગ્યાની સંકડામણ અડચણરૂપ બને છે. જોકે હવે હોમ ડેકોરમાં ઘરની અંદર જ નાનું ગાર્ડન બનાવવાનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. ઇન્ટીરિયર ડેકોરેટરોના મતે આ નવો ટ્રેન્ડ ઘરને ગ્રીન પ્લાન્ટ્સ અને ફૂલોની જીવંતતાથી ભરી દે છે.
સામાન્ય રીતે ઘરમાં જીવંતતા અને ગ્રીનરી માટે ક્યાંક ને ક્યાંક ફલાવરવાઝમાં ફૂલો કે કૂંડામાં સજાવટના પ્લાન્ટ્સ કે વેલ કે બાઉલમાં બામ્બુ પ્લાન્ટ્સ વગેરે સજાવવામાં આવે છે, પણ મુંબઈમાં કૉમન પ્રૉબ્લેમ છે જગ્યાનો અને સમયનો. આજની બિઝી લાઇફમાં ગાર્ડનની કાળજી લેવાનો સમય પણ ન મળતો હોય એવા સંજોગોમાં ગાર્ડનિંગ અને ગ્રીનરીનો શોખ પૂરો કરવા માટેનો એક રસ્તો છે મિનિએચર ગાર્ડન. આ મિની ગાર્ડનમાં એક મોટી ડિશ સાઇઝની ટ્રે જેવા પ્લાન્ટરમાં કે ફૅન્સી મોટા ક્લે બાઉલમાં નાના સફેદ કે રંગીન પથ્થર, પાણી, ઘાસ, મિની પ્લાન્ટ, સકલન્ટ્સ પ્લાન્ટ વગેરે સુંદર રીતે ગોઠવી એને ઘરમાં સજાવીને નાનકડી જગ્યામાં પણ ગ્રીન વાઇબ્સ ઉમેરી શકાય છે. આવા મિનિએચર ટ્રે ગાર્ડન ડિઝાઇન કરતાં હોમ ડેકોર એક્સપર્ટ પ્રિયાંકા ગરુડ પાગારે કહે છે, ‘થોડું ગાર્ડનિંગ નૉલેજ હોય, ગાર્ડનિંગનો શોખ હોય અને ક્રીએટિવિટી હોય તો આ મિનિએચર ટ્રે ગાર્ડન જાતે પણ બનાવી શકાય છે. આ એક સુંદર હોમ ડેકોર આઇટમ તરીકે તો ટ્રેન્ડમાં છે જ અને એક સરસ ગિફ્ટિંગ ઑપ્શન પણ છે.’
કેવી રીતે બને?
મિનિએચર ગાર્ડન કઈ રીતે તૈયાર થાય છે એ વિશે પ્રિયાંકા કહે છે, ‘એક મોટા ટ્રે પ્લાન્ટરમાં આપણા વાતાવરણ અનુસારના પ્લાન્ટ્સ પસંદ કરવા. સેમ્પેરવિવિઅમ કે થોરની જુદી-જુદી વરાઇટી જેવા પ્લાન્ટ્સ અનુકૂળ રહે છે. મોટા ભાગે જે પ્લાન્ટ્સને ઓછું પાણી જોઈએ એવા જેડ, એલો, અગાવે, સ્ટ્રિંગ ઑફ પર્લ્સ, ક્રોસુલા જેવા પ્લાન્ટ્સ મિનિએચર ટ્રે ગાર્ડનમાં વાપરવામાં આવે છે. આ ટ્રે ગાર્ડન ઘરની અંદર સજાવવામાં આવે છે એટલે એમાંથી પાણી બહાર ડ્રિપ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. ટ્રે પ્લાન્ટરની સાથે-સાથે કાચનું મોટું બાઉલ, ફિશ બાઉલ, ક્લે પ્લાન્ટર્સ કે બેથી ત્રણ કૂંડાં એકસાથે જોડીને પણ મિનિએચર ગાર્ડન બનાવવામાં આવે છે.’
ક્રીએટિવિટી
ગાર્ડનની સજાવટમાં વ્યક્તિગત કલ્પના અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરવાથી એ યુનિક પણ બનશે અને વ્યક્તિને સંતોષ પણ થશે. એ વિશે પ્રિયાંકા કહે છે, ‘ટ્રે પ્લાન્ટર, સૉઇલ, પ્લાન્ટ્સ તૈયાર કર્યા બાદ તમે તમારી ક્રિએટિવિટી પ્રમાણે એમાં પથ્થર, શંખ, છીપલાં, રેતી કે બીજા શો-પીસ ઍડ-ઑન કરીને સજાવી શકાય છે. સરસ ફેરી ગાર્ડન , ફેરી હાઉસ કે ટ્રી હાઉસ, દાદા-દાદી સિટિંગ ઑન બેન્ચ કે કપલ પેકે સ્વાનની જોડી વગેરે ગોઠવીને કોઈ સરસ સીન બનાવી શકાય છે. ઘરમાં અને રૂમમાં પૉઝિટિવિટી, ગ્રીન વાઇબ્સ અને વાતાવરણ જીવંત કરવા માટે પણ આ મિનિએચર ટ્રે ગાર્ડન પર્ફેક્ટ હોમ ડેકોર ઑપ્શન છે. એને ઘરના ડાઇનિંગ ટેબલ પર, હૉલમાં સેન્ટર ટેબલ પર, બેડરૂમમાં સાઇડ ટેબલ પર, ઘરના એન્ટ્રસ પાસે કે પછી બારીમાં સજાવી શકાય છે.’
કેવી રીતે કાળજી લેવી
મિનિએચર ટ્રે ગાર્ડનની સ્પેશ્યલ કાળજી વિશે વાત કરતાં પ્રિયાંકા કહે છે, ‘આ ગાર્ડન એક વાર બનાવી દીધું એટલું પૂરતું નથી. બનાવ્યા પછી એની કાળજી પણ લેવી પડે. જોકે એમાં બહુ સમય નથી જતો. સૌથી પહેલાં તો ગાર્ડન અને એના પ્લાન્ટ્સ સાફ રાખવાં, એના પર ધૂળ ન થવા દેવી. મિનિએચર ટ્રે ગાર્ડનને માટી ભીની જોઈએ છે, પણ બહુ ભીની નહીં એટલે બહુ પાણી ન રેડવું. માટીની અંદર આંગળી નાખીને કે ફુટપટ્ટી કે ચપ્પુ નાખીને માટી અંદરથી ભીની છે કે સુકાઈ ગઈ છે એ ચેક કરવું અને જ્યારે ગાર્ડનની માટી પૂરેપૂરી સુકાઈ ગયેલી લાગે પછી જ થોડું માટી ભીની થાય એટલું પાણી નાખવું. પ્લાન્ટ્સનાં મૂળ સડી ન જાય કે એમાં ફંગલ ઇન્ફેક્શન ન લાગે એ માટે એકદમ જરૂર પૂરતું પાણી નાખવું. મિનિએચર ટ્રે ગાર્ડનમાં વધુ ઊગેલા પ્લાન્ટ્સનાં પાન જરૂર પ્રમાણે કટ કરી શેપ આપીને ટ્રિમ કરતા રહેવું પણ જરૂરી છે. નર્સરીમાંથી ટ્રે ગાર્ડનમાં જે પ્લાન્ટ્સ હોય એને અનુકૂળ પ્લાન્ટ ફૂડ મહિનામાં એક વાર માટીમાં ભેળવવું જેથી ગ્રોથ સારો થાય અને પ્લાન્ટ્સ હેલ્ધી રહે.’
ગિફ્ટ ઑપ્શન્સ
મિનિએચર ટ્રે ગાર્ડન જ્યારે ગિફ્ટ આપવાનું વિચારો ત્યારે પ્રસંગને અનુરૂપ સજાવટ પણ કરી શકો છો. વૅલેન્ટાઇન્સ સ્પેશ્યલ, ગ્રૅન્ડ પેરન્ટ્સ સ્પેશ્યલ, રાખી સ્પેશ્યલ વગેરે. આ ઉપરાંત હાઉસ વૉર્મિંગ પાર્ટીમાં આ યુનિક ગિફ્ટિંગ ઑપ્શન છે.