સૂટકેસના મિનિએચર જેવી સ્લિંગ બૅગ છે ઇન થિંગ

28 April, 2023 05:13 PM IST  |  Mumbai | Kajal Rampariya

પહેલાંના જમાનામાં દરેક પરિવાર પાસે સામાન સાચવવા અથવા બહારગામ જવા માટે એક પેટી રહેતી હતી અને એ જ પેટીનાં બેબી વર્ઝન અત્યારે ટીનેજર્સમાં સ્લિંગ બૅગના રૂપમાં ટ્રેન્ડ કરી રહ્યાં છે.

સૂટકેસના મિનિએચર જેવી સ્લિંગ બૅગ

કોઈ પણ નાનાં-મોટાં ફંક્શન હોય કે પછી ફૉર્મલ મીટિંગ્સ, ફૅશનેબલ દેખાવની સાથે ફૅશન ઍક્સેસરીઝનો પણ મહત્ત્વનો રોલ હોય છે. કપડાંના હિસાબે એની સાથે કેવી વૉચ સૂટ થશે, સ્નીકર્સ સારાં લાગશે કે પછી સૅન્ડલ સારાં લાગશે, હૅન્ડબૅગ લેવી જોઈએ કે સ્લિંગ બૅગ એ તમામ બાબતોનું ધ્યાન આજની ટીનેજર્સ રાખે જ છે. ફૅશનના મામલે આજની જનરેશન વધુ ઍડ્વાન્સ છે એમ કહેવું ખોટું નથી અને એમાંય વળી ફૅશન જગતમાં અવનવી ચીજો ટ્રેન્ડમાં આવે તો કિશોરીઓને એને ટ્રાય કરવાના અભરખા હોય. પહેલાંના જમાનામાં દરેક પરિવાર પાસે સામાન સાચવવા અથવા બહારગામ જવા માટે એક પેટી રહેતી હતી અને એ જ પેટીનાં બેબી વર્ઝન અત્યારે ટીનેજર્સમાં સ્લિંગ બૅગના રૂપમાં ટ્રેન્ડ કરી રહ્યાં છે. દેખાવમાં નાની બેબી સૂટકેસ, પરંતુ એને ખભે લટકાવીને ફરી શકાય એવી આ સ્લિંગ બૅગ કિશોરીઓના કૅઝ્યુઅલ લુકને ચાર ચાંદ લગાવે છે. ફૅશન જગતમાં સૂટકેસનાં આવાં મિનિએચર્સને સ્લિંગ બૉક્સ બૅગ્સ કહેવાય છે.

ફૅશનેબલની સાથે કમ્ફર્ટેબલ છે આ બૅગ્સ | ટીનેજર્સમાં આવા પ્રકારની સ્લિંગ બૅગ્સની વધી રહેલી ફૅશન વિશે મુલુંડમાં રહેતી ફૅશન એક્સપર્ટ ખિલ્તી સાવલા કહે છે, ‘માર્કેટમાં આમ તો સ્લિંગ બૅગ્સની અઢળક વરાઇટી મળી રહેશે, પરંતુ હાલમાં જે ટ્રેન્ડ કરી રહી છે એ છે સ્લિંગ બૉક્સ બૅગ્સ! બૉલીવુડ સ્ટાર્સ ફૅશનને લઈને નવા-નવા અખતરાઓ કરતા હોય છે અને એમાંથી અમુક ચીજો લોકોમાં એટલી વાઇરલ થઈ જાય છે કે એ ટ્રેન્ડ બની જાય છે. આજના યુવાનો કમ્ફર્ટેબલ ફૅશન પ્રિફર કરી રહ્યા છે. કૅઝ્યુઅલ્સની સાથે તેઓ ઍક્સેસરીઝ પણ એવી જ યુઝ કરી રહ્યા છે જે સંભાળવામાં અને પહેરવામાં કમ્ફર્ટેબલ હોય. બૉક્સ સ્લિંગ બૅગ્સ પણ એવી જ છે. આવા પ્રકારની સ્લિંગ બૅગ્સની ખાસિયત એ છે કે એ કૅરી કરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ છે.

ટ્રાવેલ-ફ્રેન્ડ્લી છે આ બૅગ્સ | મુંબઈ જેવી મેટ્રો સિટીમાં લોકલમાં ટ્રાવેલ કરતી યુવતીઓ પણ એવી ફૅશન અપનાવે છે જે તેમના માટે ટ્રાવેલ-ફ્રેન્ડ્લી હોય. બૉક્સ સ્લિંગ બૅગ દેખાવમાં તો સ્માર્ટ છે જ પરંતુ બૉક્સ જેવી હોવાથી એમાં રાખેલી વસ્તુઓ પર પ્રેશર નથી આવતું અને એ મહત્ત્વની વાત છે. રફ ઍન્ડ ટફ યુઝ માટે બૉક્સ સ્લિંગ બૅગ્સ બેસ્ટ છે. 

એલિગન્ટ અને એસ્થેટિક લુક આપે છે | અનેક ફૅશન વીક્સમાં ભાગ લઈ ચૂકેલી ખિલ્તી સ્લિંગ બૅગ્સની વરાઇટી વિશે કહે છે, ‘માર્કેટમાં હાલમાં સ્લિંગ બૉક્સ બૅગ્સની બોલબાલા એટલા માટે છે; કારણ કે એ કૅઝ્યુઅલ લુક પર એલિગન્ટ, એસ્થેટિક અને સ્માર્ટ લાગે છે. માર્કેટમાં આવા પ્રકારની સ્લિંગ બૅગ્સની અઢળક વરાઇટી મળી રહેશે. વન-પીસ અને શૉર્ટ સ્કર્ટ પર ફ્લોરલ પ્રિન્ટેડ અથવા ચિતા પ્રિન્ટેડ સ્લિંગ વધુ સારી લાગે છે. આ ઉપરાંત જે યુવતીઓ જીન્સ અને ક્રૉપ ટૉપ્સ અથવા ઓવરસાઇઝ્ડ ટૉપ્સ પહેરવાનું પસંદ કરે છે તેમના પર બ્લૅક ઍન્ડ વાઇટ સ્લિંગ બૅગ ક્લાસિક કૉમ્બિનેશન લાગશે. રેન્બો પ્રિન્ટેડ થ્રી-ડી બૉક્સ સ્લિંગ બૅગ્સ એવરગ્રીન ચૉઇસ કહેવાય. ગ્લિટરી લુક આપતી થ્રી-ડી સ્લિંગ બૅગ્સ પણ યુવતીઓ પ્રિફર કરતી હોય છે. એ બધા જ પ્રકારનાં કપડાં પર સૂટ થઈ જાય છે. આ પ્રકારની બૅગ્સ પાર્ટીવેઅર અને કૅઝ્યુઅલ વેઅર પર બંધબેસતું કૉમ્બિનેશન છે.’

આ પણ વાંચો : શ્લોકા અંબાણી જેવી શીશપટ્ટી તમને પણ બનાવી દેશે સ્ટાઇલિશ

બૅગની સાથે બેલ્ટ પણ છે આકર્ષક |  સ્લિંગ બૅગના બૉક્સી લુક સાથે એનો બેલ્ટ પણ આકર્ષક છે. ફોરેવર યંગ, બેબી ગર્લ જેવા અનેક શબ્દો પ્રિન્ટેડ બેલ્ટ બૅગને વધુ સારો લુક આપે છે. સ્લિંગ બૅગ્સમાં અનેક વરાઇટી મળી જશે, પરંતુ બેલ્ટ બ્લૅક કલરના હોય છે અને એમાં સફેદ કલરના અક્ષરનું પ્રિન્ટિંગ કરેલું હોય છે, જે ક્લાસિક લાગે છે.

ઓછી વસ્તુ માટે બેસ્ટ ઑપ્શન |  પૉલિકાર્બોનેટ મટીરિયલથી બનતી આ સ્લિંગ બૅગની પહોળાઈ સાત ઇંચ, લંબાઈ ૪.૫ ઇંચ અને ઊંચાઈ અઢી ઇંચની હોય છે. આવી બૅગ્સમાં પાણી જતું નથી એ આ બૅગનો પ્લસ પૉઇન્ટ છે. ચોમાસા દરમિયાન જો તમે આ બૅગ લઈને બહાર નીકળો તો તમારી બૅગમાં રાખેલી વસ્તુઓ ભીની નહીં થાય. એમાં સૂટકેસની જેમ જ જગ્યા હોય છે. એમાં મેકઅપ કિટ કૅરી શકાય છે અથવા મોબાઇલ, ઍરપૉડ્સ, ડેબિટ કાર્ડ અને અમુક પૈસા રાખવા હોય તો પણ આ પ્રકારની સ્લિંગ બૅગ્સ બેસ્ટ છે; પણ જો તમે પાણીની બૉટલ, સનગ્લાસિસ અને અન્ય મોટી વસ્તુઓ પણ સાથે લઈ જવાનું વિચારતાં હો તો આ પ્રકારની સ્લિંગ બૅગ્સ ખરીદવાનું ટાળવું જોઈએ. 

 સ્લિંગ બૉક્સ બૅગ્સ કૅઝ્યુઅલ લુક પર એલિગન્ટ, એસ્થેટિક અને સ્માર્ટ લાગે છે. જીન્સ અને ક્રૉપ ટૉપ્સ અથવા ઓવરસાઇઝ્ડ ટૉપ્સ સાથે બ્લૅક ઍન્ડ વાઇટ સ્લિંગ બૅગ ક્લાસિક કૉમ્બિનેશન લાગશે. ખિલ્તી સાવલા

આટલું ધ્યાન જરૂર રાખજો

જો તમે પણ આવા પ્રકારની બૅગ્સ લેવાનું પ્લાનિંગ કરતાં હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બૅગ લેતી વખતે એના બેલ્ટ અને ચેઇનની ક્વૉલિટી ચેક કરવી જરૂરી છે. લેધર બૅગ્સમાં ચેઇન બદલી શકાય છે, પરંતુ આ બૅગ્સમાં ચેઇન બદલવી થોડી મોંઘી અને મુશ્કેલ સાબિત થઈ શકે છે. 

તમે માર્કેટમાં ફેરિયાવાળા પાસેથી બૅગ્સ લેવાનું પસંદ કરો છો એ ૩૦૦ રૂપિયા સુધીમાં આવી જશે, પરંતુ ખરીદતાં પહેલાં ક્વૉલિટી ચેક કરવી જરૂરી છે. જો તમને બજેટનું ટેન્શન ન હોય તો મોટા શોરૂમમાંથી પણ લઈ શકાય. ત્યાં તમારું જેટલું બજેટ હોય એ પ્રમાણે તમે બૉક્સ સ્લિંગ બૅગ પર સ્પેન્ડ કરી શકો છો. 

જો તમને વધુ ચીજો કૅરી કરવી હોય તો આ બૅગ્સ તમારા માટે નથી.

columnists fashion news fashion