22 October, 2026 08:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફર્નિચર રિનોવેટ કરીને ઘરને આપો રૉયલ અને ફેસ્ટિવ લુક
નવરાત્રિ પૂરી થતાં જ મોટા ભાગના લોકો ઘરની સફાઈ અને રિનોવેશન કરાવતા હોય છે. ઘરને નવો અને તાજગીભર્યો લુક આપવા માટે દર વખતે નવું ફર્નિચર ખરીદવું જરૂરી નથી. જો ઘરના સોફા અને કૅબિનેટનું યોગ્ય રીતે રિનોવેશન કરવામાં આવે તો આખું ઇન્ટીરિયર નવુંનકોર લાગે છે. આ સાથે જ તહેવારોમાં સ્માર્ટ ફૅબ્રિક સિલેક્શન કરીને ખૂબ જ સરળતાથી ફેસ્ટિવ અને એ પછી એવરીડે સોબર લુક મેળવી શકાય.
ફ્રેમ, ફોમ અને યુનિક યુઝેબિલિટી
સોફા રિનોવેટ કરતી વખતે માત્ર ઉપરનું કાપડ જ બદલવું પૂરતું નથી. લાંબા ગાળાના વપરાશ માટે અમુક બાબતો ચકાસવી જરૂરી છે. સૌથી પહેલાં સોફાની લાકડાની કે મેટલની ફ્રેમ ચેક કરી લો. જો ફ્રેમમાં ક્યાંક ઊધઈ હોય કે ઢીલી પડી ગઈ હોય તો એ પહેલાં રિપેર કરાવો.જો સોફાની ગાદી બેસી ગઈ હોય તો હાઈ-ડેન્સિટી ફોમ વાપરો, જેથી સોફા આરામદાયક રહે અને લાંબો સમય ટકી રહે.સોફાનું મુખ્ય કવર નૅચરલ કે ન્યુટ્રલ શેડ્સ જેવા કે ગ્રે, બીજ, ક્રીમ રંગનું રાખવું. આ રંગો આંખને ઠંડક આપે છે અને એના પર કોઈ પણ તહેવાર મુજબનું ડેકોરેશન સરળતાથી થઈ શકે છે.
કૅબિનેટ મેકઓવ
લિવિંગરૂમ કે કિચનની કૅબિનેટ ઘરના લુકમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આખી કૅબિનેટ બદલવાને બદલે સ્માર્ટલી એને નવો લુક આપી શકાય છે.જો કૅબિનેટનું લાકડું મજબૂત હોય તો માત્ર ઉપરનું સનમાઇકા કે પેઇન્ટ બદલીને મૉડર્ન લુક આપી શકાય છે. આજકાલ મેટ ફિનિશ અને ટેક્સ્ચરવાળું સનમાઇકા બહુ ટ્રેન્ડમાં છે.કૅબિનેટનાં જૂનાં હૅન્ડલ્સ બદલીને બ્રાસ, રોઝ ગોલ્ડ કે મેટ બ્લૅક ફિનિશવાળાં મૉડર્ન નૉબ્સ અને હૅન્ડલ્સ લગાવો. આ નાનો બદલાવ કૅબિનેટને એકદમ રૉયલ લુક આપશે.કૅબિનેટના નીચેના ભાગમાં કે અંદરના પ્રોફાઇલ બૉક્સમાં વૉર્મ LED પ્રોફાઇલ લાઇટ્સ લગાવો. આનાથી ઘરમાં એક વૉર્મ અને લક્ઝુરિયસ વાતાવરણ ઊભું થશે.
તહેવારોમાં આપો ફેસ્ટિવ ટચ
દિવાળી નજીક આવે ત્યારે ઘરને ફેસ્ટિવ ટચ આપવા ન્યુટ્રલ રંગના સોફા પર રૉયલ બ્લુ, ડીપ મરૂન, રાણી પિન્ક કે એમરલ્ડ ગ્રીન રંગના સિલ્ક, બ્રૉકેડ કે વેલ્વેટ ફૅબ્રિકનાં કુશન કવર્સનો ઉપયોગ કરી શકાય. જરી કે ગોલ્ડન વર્કવાળા કુશન રૂમને તરત જ તહેવારનો રૉયલ લુક આપશે.સોફા સાથે મૅચિંગ અથવા કૉન્ટ્રાસ્ટમાં ટ્રેડિશનલ મોટિફ્સ કે રૉયલ રગ્સ પાથરવાથી ઘરને ફેસ્ટિવ લુક મળશે.
તહેવાર પૂરા થતાં જ મેળવો એવરીડે સોબર લુક
દિવાળી, ભાઈબીજ અને દેવદિવાળી જેવા તહેવારો પૂરા થયા પછી સોફાને ડેઇલી લાઇફ માટે શાંત અને સોબર લુકમાં કન્વર્ટ કરી શકાય છે. તહેવારો પૂરા થાય એટલે બ્રોકેડ અને વેલ્વેટનાં હેવી કુશન કવર્સ ઉતારીને કૉટન, લિનન કે સૉફ્ટ સૉલિડ કલર્સનાં સોબર કુશન કવર્સ ચડાવી દો. ભારે રગ્સ અને હેવી ડેકોરેટિવ પીસની જગ્યાએ મિનિમલ રગ્સ અને ઇન્ડોર પ્લાન્ટ્સ ગોઠવી દો. ઘરનું રિનોવેશન એ મોંઘો ખર્ચ નહીં પણ સમજદારીપૂર્વકનું આયોજન છે. સોફા અને કૅબિનેટ જેવા કાયમી ફર્નિચરને ન્યુટ્રલ અને મજબૂત રાખીને માત્ર ફૅબ્રિક્સ અને ઍક્સેસરીઝ બદલીને તમે જ્યારે ઇચ્છો ત્યારે ઘરને ફેસ્ટિવ કે સોબર મોડમાં ટ્રાન્સફૉર્મ કરી શકો છો.