✕

ટ્રેડિશનલ ઝાંઝરને બદલે જિયોમેટ્રિક સિલ્વર ઍન્ક્લેટનો વધ્યો ક્રેઝ

26 November, 2026 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરંપરાગત ઘૂઘરીવાળાં ઝાંઝરને બદલે યુવતીઓ ત્રિકોણ, ચોરસ, ગોળ અને અન્ય ભૌમિતિક આકારોની ડિઝાઇન ધરાવતાં સિલ્વર ઍન્ક્લેટ પસંદ કરી રહી છે. વેસ્ટર્નવેઅરથી લઈને સાડી અને ફ્યુઝન આઉટફિટ્સ સુધી આ જ્વેલરી સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે

સિલ્વર ઍન્ક્લેટ

ફૅશનમાં હવે જ્વેલરીની પસંદગી મૉડર્ન બની રહી છે. પરંપરાગત ઘૂઘરીવાળાં ઝાંઝરને બદલે યુવતીઓ ત્રિકોણ, ચોરસ, ગોળ અને અન્ય ભૌમિતિક આકારોની ડિઝાઇન ધરાવતાં સિલ્વર ઍન્ક્લેટ પસંદ કરી રહી છે. વેસ્ટર્નવેઅરથી લઈને સાડી અને ફ્યુઝન આઉટફિટ્સ સુધી આ જ્વેલરી સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે

બદલાતા ફૅશન-ટ્રેન્ડ્સ સાથે હવે ઝાંઝરની ડિઝાઇન અને પહેરવાની રીતમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. અગાઉ ભારેખમ અને ઘૂઘરીવાળાં ઝાંઝર પસંદ કરવામાં આવતાં હતાં; જ્યારે હવે હળવાં, સિમ્પલ અને મિનિમલ ડિઝાઇન તરફ યુવતીઓનો ઝુકાવ વધ્યો છે. આ જ ટ્રેન્ડમાં જિયોમેટ્રિક સિલ્વર ઍન્ક્લેટ ખાસ ધ્યાન ખેંચી રહ્યાં છે.

ત્રિકોણ, ચોરસ, ગોળ, હેક્સાગૉન અને સીધી રેખા જેવા જિયોમેટ્રિક આકાર ધરાવતાં આ ઍન્ક્લેટ દેખાવમાં મૉડર્ન હોવાની સાથે પગને એલિગન્ટ લુક આપે છે. એને માત્ર વેસ્ટર્ન કપડાં સાથે જ નહીં, ઇન્ડો-વેસ્ટર્ન અને એથ્નિક આઉટફિટ્સ સાથે પણ પહેરી શકાય છે.

જીન્સ અને કૅઝ્યુઅલવેઅર
સાથે મિનિમલ લુક

જિયોમેટ્રિક ઍન્ક્લેટને સ્ટાઇલ કરવાની સૌથી સરળ રીત એને કૅઝ્યુઅલ આઉટફિટ્સ સાથે પહેરવાની છે. ઍન્કલ-લેન્ગ્થ જીન્સ, ક્રૉપ્ડ ટ્રાઉઝર, કુલોટ્સ કે શૉર્ટ્‍સ સાથે સિંગલ લેયર ઍન્ક્લેટ સારો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને નાનાં ચોરસ, ગોળ કે બાર શેપનાં ચાર્મ્સ ધરાવતી પાતળી સિલ્વર ચેઇન રોજિંદા લુકમાં સુંદર લાગે છે. આ પ્રકારની જ્વેલરી સાથે સિમ્પલ ટી-શર્ટ, શર્ટ કે મિડી સ્કર્ટ પહેરી શકાય છે. બન્ને પગમાં ઍન્ક્લેટ પહેરવાને બદલે એક પગમાં જ સ્ટેટમેન્ટ પીસ પસંદ કરી શકાય.

ઑફિસવેઅર સાથે સોબર અને ક્લાસી લુક

ઑફિસમાં જ્વેલરીની પસંદગી કરતી વખતે આરામ અને સિમ્પ્લિસિટી બન્ને મહત્ત્વનાં છે. આવી સ્થિતિમાં ઘૂઘરી વગરનું બારીક જિયોમેટ્રિક ઍન્ક્લેટ સારો વિકલ્પ છે. ફૉર્મલ ટ્રાઉઝર, ઍન્કલ-લેન્ગ્થ પૅન્ટ્સ અથવા સિમ્પલ કુરતી સાથે નાની ભૌમિતિક ડિઝાઇન ધરાવતી સિલ્વર ચેઇન પહેરી શકાય છે. વધુ પડતાં ચાર્મ્સ કે લેયરિંગ ટાળીને સિંગલ ડિઝાઇન પસંદ કરવાથી લુક સોબર રહે છે. જોકે ઑફિસના ડ્રેસકોડ અને ફુટવેઅર પ્રમાણે એની પસંદગી કરવી.

ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે ફ્યુઝન ટચ

જિયોમેટ્રિક ઍન્ક્લેટની ડિઝાઇન પરંપરાગત અને આધુનિક ફૅશન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. ધોતી-પૅન્ટ્સ, પલાઝો, લૉન્ગ શ્રગ, કુરતા સેટ કે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે એને સરળતાથી પહેરી શકાય છે. આવાં આઉટફિટ્સ સાથે ઑક્સિડાઇઝ્ડ સિલ્વર ફિનિશ, મલ્ટિ-લેયર્ડ ચેઇન અથવા જિયોમેટ્રિક શેપનાં ચાર્મ્સ ધરાવતાં ઍન્ક્લેટ પસંદ કરી શકાય છે. ખાસ કરીને હૅન્ડલૂમ કે કૉટન આઉટફિટ્સ સાથે આ પ્રકારની જ્વેલરી સુંદર કૉન્ટ્રાસ્ટ ઊભો કરે છે.

સાડી અને એથ્નિકવેઅર
સાથે મૉડર્ન ટ્‍‌વિસ્ટ

સિલ્વર ઍન્ક્લેટ માત્ર વેસ્ટર્નવેઅર પૂરતાં મર્યાદિત નથી. સાડી, લેહંગા, અનારકલી કે સિમ્પલ એથ્નિક સૂટ સાથે પણ એને સ્ટાઇલ કરી શકાય છે. કૉટન, લિનન અને હૅન્ડલૂમ સાડી સાથે જાડું સિલ્વર બૅન્ડ સ્ટાઇલ ઍન્ક્લેટ અથવા સ્ટોનવર્ક ધરાવતી જિયોમેટ્રિક ડિઝાઇન પસંદ કરી શકાય છે. સાદા એથ્નિક આઉટફિટ સાથે થોડું બોલ્ડ ઑક્સિડાઇઝ્ડ ઍન્ક્લેટ લુકને ખાસ બનાવી શકે છે.

ફુટવેઅર સાથે કૉમ્બિનેશન

ઍન્ક્લેટની ડિઝાઇનને હાઇલાઇટ કરવા માટે ફુટવેઅરની પસંદગી પણ એટલી જ મહત્ત્વની છે. સ્ટ્રૅપી સૅન્ડલ્સ, કોલ્હાપુરી ચંપલ, મ્યુલ્સ, બૅલેરિના અને સિમ્પલ ફ્લૅટ્સ સાથે જિયોમેટ્રિક ઍન્ક્લેટ સુંદર લાગે છે. ખાસ કરીને ખુલ્લા પગ અને ઍન્કલ-લેન્ગ્થ બૉટમવેઅર સાથે એની ડિઝાઇન વધુ સારી રીતે દેખાય છે. બીજી તરફ ઍન્ક્લેટ બૂટ્સ કે પગની ઘૂંટી ઢાંકી દેતાં ફુટવેઅર સાથે એને પહેરવાથી જ્વેલરીનો ઉઠાવ ઓછો થઈ શકે છે.

લેયરિંગથી આપો સ્ટેટમેન્ટ લુક

જો તમને એક્સપરિમેન્ટલ જ્વેલરી પસંદ હોય તો એક જ પગમાં બે અલગ-અલગ ડિઝાઇનનાં ઍન્ક્લેટનું લેયરિંગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે એક બારીક બૉક્સ ચેઇન સાથે બીજી ત્રિકોણ કે ગોળ આકારના ચાર્મ્સ ધરાવતી ચેઇન પહેરી શકાય. આ રીતે એક જ્વેલરી પીસને બદલે બે ડિઝાઇનનું કૉમ્બિનેશન વધુ આકર્ષક લાગે છે. જોકે લેયરિંગ કરતી વખતે બન્ને ચેઇનની લંબાઈ અને ડિઝાઇન અલગ રાખવી જેથી એ એકબીજામાં ગૂંચવાય નહીં.

 

fashion news fashion lifestyle news life and style