લગ્નની વરમાળામાં લેટેસ્ટ શું છે જાણી લો

26 November, 2021 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાજુક થાઇ ફ્લાવર્સની ડિમાન્ડ વચ્ચે ફૂલને નુકસાન ન પહોંચાડવા માગતા કુદરતપ્રેમીઓ માટે આર્ટિફિશ્યલ મોતી અને એલચીથી બનાવેલી માળાઓ બની રહી છે પહેલી પસંદ

લગ્નની વરમાળામાં લેટેસ્ટ શું છે જાણી લો

થોડા દિવસ પહેલાં કાંદાની કિંમતે દેશમાં હોબાળો મચાવ્યો હતો. એ દરમિયાન વારાણસીના એક કપલે કાંદાની કિંમતના આ પ્રશ્ન સામે સરકારનું ધ્યાન દોરવા એકબીજાને કાંદાના બનેલા હાર પહેરાવ્યા હતા. ખેર, આ તો વાત થઈ કાંદાની દેશવ્યાપી ચળવળની. બાકી લગ્ન દરમિયાન સૌથી વધુ મજાક-મસ્તી અને એન્જૉયમેન્ટ વરમાળા વખતે જ થતી હોય છે. ક્યાંક દુલ્હા-દુલ્હનને મિત્રો દ્વારા ઊંચકી લઈને મશ્કરી કરવામાં આવે છે તો કેટલાક દુલ્હાઓ પોતાની દુલ્હન સામે વરમાળા પહેરવા માટે ગોઠણિયે બેસી જાય છે. વરમાળા-સેરેમની માટે વેડિંગ-પ્લાનરો ખાસ નવા-નવા એન્ટ્રી-કન્સેપ્ટ પણ લાવે છે. જોકે આ બધામાં આકર્ષણનું કેન્દ્ર હોય તો એ છે ફૂલના બનાવેલા એ હાર જે દુલ્હા-દુલ્હન એકબીજાને પહેરાવે છે. આ હારમાં હવે ઓછા વજનના અને સોબર લાગે એવા કન્સેપ્ટ આવી ગયા છે. પહેલાંના સમય જેવાં રંગબેરંગી ફૂલો અને જરીવાળા હાર હવે આઉટ થઈ ગયા છે. સાથે જ નવી ડિઝાઇનોના હારની કિંમત પણ ભારે ઊંચી હોય છે. આવા કલાત્મક હારની કિંમત ૨૦૦૦ રૂપિયા જોડીથી શરૂ થઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની હોય છે. કેટલાંક પ્રકૃતિપ્રેમી યુગલો સાચાં ફૂલોને નુકસાન ન પહોંચે કે એ વેસ્ટ ન થાય એ માટે ખોટાં ફૂલો અને મોતીમાંથી બનેલી વરમાળાઓ પણ પસંદ કરી રહ્યાં છે. ચાલો જાણીએ આ વેડિંગ સીઝનમાં કેવી ડિઝાઇન્સ ટ્રેન્ડમાં છે.  
પેસ્ટલ કલર્સ
અનુષ્કા અને વિરાટ કોહલીનાં લગ્નના ફોટોએ આખી વેડિંગ-ઇન્ડસ્ટ્રીને હવે ભડકાઉ રંગો છોડી આંખોને શાંતિ મળે એવા રંગો વડે રમવાનું શીખવી દીધું હતું. પિન્ક અને આછા પીળા, આછા લીલા જેવા રંગો આજકાલ લગ્નમાં ડેકોરેશનથી લઈને વરવધૂનાં કપડાંમાં પણ જોવા મળે છે અને એ જ રંગો હવે વરમાળામાં પણ પસંદ કરાઈ રહ્યા છે. સફેદ, પીળાં કે ગુલાબી રંગનાં આખાં મોટાં ગુલાબને જ પરોવીને એમાંથી માળાઓ બનાવવામાં આવે છે. કેટલીક વાર વરમાળાના રંગોની પસંદગી કપડાં અને ડેકોરેશનને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવે છે. આ વરમાળાઓ દેખાવમાં રૉયલ લાગે છે અને ફોટોમાં પણ સુંદર દેખાય છે. 
થાઇ ફ્લાવર્સ 
સેલિબ્રિટીઓનાં લગ્નમાં જોવા મળતી આછા લીલા અને સફેદ રંગની વરમાળાઓ યાદ છે? આ વરમાળાની ડિઝાઇન તો યુનિક હતી જ, સાથે આ રંગ પણ વરમાળામાં પહેલી વાર જોવા મળ્યો હતો. આ ટાઇપની થાઇલૅન્ડની સ્પેશ્યલ ગૂંથણીવાળી રીતથી બનાવવામાં આવતી વરમાળાઓ હાલમાં ઇન-ટ્રેન્ડ છે. થાઇમાં ફુઆંગ મલઈ તરીકે ઓળખાતા આ હારમાં મુખ્યત્વે મોગરાની કળી, ગુલાબની કળી અને ઑર્કિડનાં ફૂલોનો વપરાશ થાય છે. આ વરમાળાની ખાસિયત એ છે કે એ વજનમાં ખૂબ જ હલકી હોય છે જેથી વરવધૂ આખાં લગ્ન દરમિયાન આ વરમાળાઓ પહેરીને એન્જૉય કરી શકે. 
લોટસ ગાર્લેન્ડ
અસલ લક્ષ્મીજીની મૂર્તિને પહેરાવવામાં આવે એવી કમળની માળા પણ હવે ટ્રેન્ડમાં આવી રહી છે. આ વરમાળા સાઉથમાં ખૂબ લોકપ્રિય છે. જોકે મુંબઈમાં આ ટ્રેન્ડ હજી પૂર્ણપણે નથી આવ્યો. બાકી જો કમળનાં ફૂલો અને થોડો સ્પિરિચ્યુઅલ ટચ આપવો હોય તો કમળના ગુલાબી અને સફેદ આ બન્ને શેડ્સ અજમાવવા જેવા છે. 
રંગબેરંગી વરમાળા
વરમાળામાં ગુલાબ મુખ્ય હતાં અને એમાં લીલાં પાન કે થોડાં સફેદ ફૂલો ઉમેરવામાં આવતાં. જોકે હવે વરમાળામાં રંગબેરંગી કન્સેપ્ટ આવી ગયા છે જે લગ્નના બાકીના ડેકોરેશન સાથે મેળ ખાય. અહીં સાચાં ફૂલો સાથે રંગ ઉમેરવા માટે કલર કરેલાં ફૂલ, રિબન્સ અને મોતી ઉમેરવામાં આવે છે. પીળા અને કેસરી જેવા રંગોનાં ફૂલો તેમ જ બ્લુ અને પર્પલ ઑર્કિડના પર્યાય જેમને રંગો પસંદ હોય તેમના માટે છે. 
બૉટનિકલ વરમાળા
કેટલાકને ફૂલમાંથી આવતી સુગંધની ઍલર્જી હોય છે. આવા લોકો માટે પણ આ વરમાળામાં પર્યાયો હાજર છે. પૂરી રીતે તુલસીનાં કે બીજા કોઈ ગંધ વિનાનાં પાનમાંથી બનાવેલા બૉટનિકલ ગાર્લેન્ડ્સ જોવામાં રિફ્રેશિંગ લાગે છે અને યુનિક પણ. આ વરમાળાઓ જેમને સાદગી પસંદ હોય તેમના માટે ખાસ છે. આ વરમાળાઓમાં પાન સાથે કેટલીક વાર ફૂલો જેવો લુક આપતું વિશેષ ઘાસ પણ ઉમેરવામાં આવે છે, જે સુંદર લુક આપે છે. 
એલચીના હાર
ગમેતેટલા મોંઘા હાર હોય તોય છેવટે તો વધુમાં વધુ બે દિવસ ટકશે, કારણ કે સાચાં ફૂલોની શેલ્ફ-લાઇફ એટલી જ હોય અને આર્ટિફિશ્યલ હારને એક મેમરી તરીકે સાચવવા પડશે. જોકે એલચીમાંથી પણ લોકો આજકાલ વરમાળા બનાવી રહ્યા છે. એલચી આમેય શુકનની કેટલીક ચીજોમાંની એક ગણવામાં આવે છે. આવામાં એલચીમાંથી બનેલી મઘમઘતી વરમાળાઓ લગ્ન પ્રસંગે સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરે છે. વળી એલચીને લગ્ન પત્યા પછી વાપરી શકાય કે સગાંઓમાં વહેંચી પણ શકાય. આવી એલચીની માળાઓની કિંમત એલચીના બજારમાં ચાલતા એ સમયના ભાવ પરથી નક્કી થાય છે. 

લગ્નમાં વરમાળાનું મહત્ત્વ

વરમાળા ફક્ત રિવાજ કે રસમ જ નહીં પણ હિન્દુ લગ્નનો એક અભિન્ન ભાગ માનવામાં આવે છે. પ્રાચીનકાળના સાહિત્ય અને વેદોમાં પણ આ વિધિનો ઉલ્લેખ છે. વરમાળા એટલે કન્યા અને વરરાજા દ્વારા માળાની આપ-લે કરવી. પ્રાચીન સમયમાં એને કન્યા દ્વારા લગ્ન માટેના સ્વીકારની વિધિ તરીકે જોવામાં આવતી. ગાંધર્વ વિવાહમાં પણ વરમાળાનો ઉલ્લેખ છે. કહેવામાં આવે છે કે આપણાં દેવી-દેવતાઓ પણ આ જ પ્રમાણે વરમાળા એક્સચેન્જ કરીને લગ્ન કરતાં. સ્વયંવર સમારંભમાં પણ કન્યા વરમાળા પહેરાવીને પુરુષનો પતિ તરીકે સ્વીકાર કે પસંદગી કરતી. ટૂંકમાં, વરમાળા પહેરાવી વર અને વધૂ એકબીજાનો પતિ-પત્ની તરીકે સ્વીકાર કરે છે.

અસલી ફૂલોને ટક્કર આપતી વરમાળાઓ

આપણે ત્યાં ચુસ્ત જૈન ધર્મ પાળતાં યુગલો સાચાં ફૂલોનું ડેકોરેશન તેમ જ વરમાળા ઉપયોગમાં લેવાનું ટાળે છે. આવામાં નકલી મોતીઓની માળા અથવા લેસમાંથી બનેલા હારનો ઑપ્શન રહેતો. જોકે આજકાલ અસલીને ટક્કર મારે એવી નકલી ફૂલોની વરમાળાઓ બને છે. આવા હાર ડિઝાઇનર અને એક્સક્લુઝિવ હોય છે જે તમને બીજા કોઈનાય લગ્નમાં જોવા નહીં મળે.  વરમાળા ડિઝાઇન કરનારા કલાકારોનું કહેવું છે કે, ‘આર્ટિફિશ્યલ હારનો સૌથી મોટો ફાયદો એટલે તમે એને આજીવન લગ્નની યાદગીરી તરીકે સાચવી શકો છો. વળી, આ હાર લૉન્ગ લાસ્ટિંગ હોય છે. લેસ, મોતી અને આબેહૂબ અસલી જેવાં જ દેખાતાં નકલી ફૂલોમાંથી આ હાર બનાવવામાં આવે છે. જૈનોમાં આ હારની ખાસ ડિમાન્ડ છે. આ હારમાં પણ પીચ, પિન્ક જેવા પેસ્ટલ શેડ અને ટ્રેડિશનલ રેડનો ઉપયોગ કરવામાં આવે છે જેની કિંમત ૧૫૦૦ રૂપિયાથી શરૂ થઈને ડિઝાઇન પ્રમાણે સાતથી આઠ હજાર સુધીની હોય છે. આ સિવાય ફેરા સમયે પહેરાવવામાં આવતી ફેરામાળામાં પણ હવે નવી ડિઝાઇનો આવી ગઈ છે. નકલી ફૂલો સાથે કુંદન અને મોતીઓની માળા ઉમેરી કલાત્મક હાર બનાવવામાં આવે છે. 

fashion news fashion