બ્યુટી-વર્લ્ડમાં ટ્રેન્ડિંગ છે આઇશૅડો જેવા દેખાતા નેઇલ્સ

22 January, 2026 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના-મોટા પ્રસંગોમાં નેઇલ-આર્ટ નેસેસરી બની છે ત્યારે હવે આંખો પર થતા આઇશૅડો જેવી નેઇલ-આર્ટ ટ્રેન્ડમાં છે. ઘેરબેઠાં આ આર્ટ કેવી રીતે કરી શકાય એની પ્રોસેસ અહીં જાણી લો

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધી આપણે આઇશૅડોનો ઉપયોગ માત્ર આંખોના મેકઅપ માટે જ કરતા હતા, પણ હવે આ કલરફુલ પૅલેટ આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. અત્યારે આઇશૅડો નેઇલ્સ અથવા બ્લશ નેઇલ્સ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ નેઇલ-આર્ટ બની રહ્યું છે. આ સ્ટાઇલ નખને એક સૉફ્ટ, વેલ્વેટી અને ગ્રેડિયન્ટ લુક આપે છે જે જોવામાં અત્યંત આકર્ષક અને ક્લાસી લાગે છે. સૌથી સારી વાત એ છે કે આ લુક મેળવવા માટે તમારે મોંઘા નેઇલ-સૅલોંમાં જવાની જરૂર નથી; તમે તમારા જૂના આઇશૅડો પૅલેટની મદદથી ઘેરબેઠાં જ આ લુક મેળવી શકો છો. આઇશૅડો નેઇલ-આર્ટમાં નખના વચ્ચેના ભાગમાં અથવા છેડા પર આઇશૅડો પાઉડરનો ઉપયોગ કરીને એક સ્મજ્ડ ઇફેક્ટ આપવામાં આવે છે. એ નખ પર એક કુદરતી બ્લશ જેવો આભાસ ઊભો કરે છે. આ પદ્ધતિમાં કલર્સ એકબીજામાં એટલી સુંદર રીતે ભળી જાય છે કે એ કોઈ મોંઘી ઍરબ્રશ ટેક્નિક જેવી લાગે છે.

આ સીઝનના ટ્રેન્ડિંગ કલર્સ

અત્યારે પેસ્ટલ પિન્ક અને લૅવન્ડર કલર બહુ ટ્રેન્ડમાં છે. એ નખને કોરિયન બ્લશ લુક આપે છે જે ઑફિસ કે કૅઝ્યુઅલ લુકમાં બેસ્ટ લાગે છે. આ ઉપરાંત બીચ-વેકેશન પર ગયા હો ત્યારે વાઇબ્રન્ટ કલર્સ ફ્રેશ લુક આપે છે. જો તમે પાર્ટી કે સંગીત જેવા નાઇટનાં ફંક્શન્સ અટેન્ડ કરવાના હો મેટલિક આઇશૅડોનો ઉપયોગ કરીને સ્મોકી ઇફેક્ટ આપી શકાય. પ્રોફેશનલ કે એલિગન્ટ દેખાવ માટે બ્રાઉન પૅલેટના શેડ્સ આઇશૅડો ઇફેક્ટ્સમાં સુંદર લાગે છે.

ઘેરબેઠાં કરી શકાય

સૌથી પહેલાં નખને સાફ કરી એના પર એક ન્યુડ અથવા ટ્રાન્સપરન્ટ બેઝ કોટ લગાવો. જો તમે કલર વધુ ઊભરીને આવે એમ ઇચ્છતા હો તો હળવા સફેદ કે ઑફ-વાઇટ કલરની નેઇલપૉલિશ લગાવો.

તમારી પસંદગીનો આઇશૅડો કલર પસંદ કરો. મેકઅપ કિટમાં ન વપરાતા કે વધેલા આઇશૅડો અહીં કામ લાગી શકે છે.

જ્યારે નેઇલપૉલિશ સેમી-ડ્રાય હોય ત્યારે મેકઅપ સ્પન્જ અથવા આઇશૅડો ઍપ્લિકેટરની મદદથી પાઉડર લો અને એને નખની મધ્યમાં હળવેથી ડૅબ-ડૅબ કરો. બ્રશની મદદથી કલરને કિનારીઓ તરફ એવી રીતે ફેલાવો કે એ કુદરતી રીતે ભળતો દેખાય.

આ આર્ટને સુરક્ષિત કરવા માટે એના પર ક્લિયર એટલે કે ટ્રાન્સપરન્ટ ટૉપ કોટ લગાવવો અનિવાર્ય છે. આનાથી તમારા નખમાં ગ્લૉસી ફિનિશ આવશે અને આઇશૅડો પાઉડર લાંબો સમય ટકશે.

fashion fashion news life and style lifestyle news columnists