હર ટૅટૂ કુછ કહતા હૈ

26 March, 2021 10:10 PM IST  |  Mumbai | Bhakti D Desai

પોતે જે વ્યક્તિ કે વસ્તુને દિલોજાનથી ચાહે છે એ ચાહતને સદા પોતીકી બનાવવા માટે કેટલાક લોકો પોતાની જ ત્વચા પર એનું છૂંદણું છુંદાવી લેતા હોય છે.

માઓરી ટૅટૂ સાહસ અને નીડરતાનું પ્રતીક છે જેનાથી જુદો જ આત્મવિશ્વાસ અનુભવાય છે : કુણાલ તિંબાડિયા

પોતે જે વ્યક્તિ કે વસ્તુને દિલોજાનથી ચાહે છે એ ચાહતને સદા પોતીકી બનાવવા માટે કેટલાક લોકો પોતાની જ ત્વચા પર એનું છૂંદણું છુંદાવી લેતા હોય છે. આ બાબતમાં આજની યુવાપેઢી બહુ એક્સપ્રેસિવ છે. જાણીએ યુવાનો પાસેથી કે તેમણે કરાવેલાં ટૅટૂ તેમની કઈ લાગણીની અભિવ્યક્તિની નિશાની છે

બદલાતા જમાનાની સાથે યુવાઓના આચાર-વિચારોમાં પણ ફરક આવે છે. સૌથી મોટો ફરક છે યુવા પેઢીની ભાવનાઓને વ્યક્ત કરવાની શૈલીમાં. આજકાલ ભાવનાઓ વ્યક્ત કરવાના ઘણા માધ્યમ છે જેમ કે મેસેજ, ઇમોજિસ થકી શરીર પર ટૅટૂ આર્ટ કરાવવાનો. ધ્યાન કે આત્મ-અભિવ્યક્તિ, કલાત્મક સ્વતંત્રતા, બળવો કરવાની જિદ, કોઈ આર્ટિસ્ટિક બાબત કે વ્યક્તિગત સ્ટોરીટેલિંગ કરવા કે પછી આધ્યાત્મિક/સાંસ્કૃતિક પરંપરાઓને આગળ ધપાવવા જેવાં અનેક કારણો હોય છે. આમ તો આદિકાળથી ટૅટૂની પ્રથા ચાલતી આવી છે. પહેલાં ટપકાંઓના રૂપમાં થતી. એ પછી સિમ્બૉલનું ચિતરામણ શરૂ થયું અને પછી એમાં આર્ટિસ્ટિક બાબતો ભળી. હવે ટૅટૂ એ એક સ્વતંત્ર આર્ટ તરીકે વિકસી છે અને યંગસ્ટર્સને એ અલગ જ કારણોસર આકર્ષે છે. આજે મળીએ એવાં યુવક-યુવતીઓને જેમણે શરીરનાં અંગો પર ટૅટૂ આર્ટ કરાવી છે અને જાણીએ એની પાછળ તેમના મનમાં રહેલા ભાવ શું છે.

બોરીવલીમાં રહેતી ધ્રુવી દડિયા કૉલેજમાં ભણતી વિદ્યાર્થિની છે અને તેનું દૃઢપણે માનવું છે કે પોતાના શરીર પર કોઈ કાયમી રચના ત્યારે જ બનાવાય જ્યારે આપણે કોઈક હૃદયના ઊંડાણમાં રહેલી લાગણી વ્યક્ત કરવી હોય. કૉલેજમાં ભણતી બોરીવલીની ધ્રુવી દડિયા આવું માને છે અને કહે, ‘મારા જીવનમાં મારા હૃદયની સૌથી નજીક જો કોઈ બે જણ હોય તો તે છે મારાં માતા-પિતા. અમને હંમેશાંથી મનમાં એમ હતું કે મારે તેમની કોઈક એવી વાત  આખી જિંદગી માટે મારી સાથે એવી રીતે રાખવી છે કે જે મારો જ એક હિસ્સો હોય. વ્યક્તિની આંગળીઓની છાપ વિશિષ્ટ હોય છે અને એ છાપ પ્રત્યેક વ્યક્તિની ઓળખાણ છે. તો મેં મારાં મમ્મીની એક અને પપ્પાની એક એમ બે આંગળીઓની છાપમાંથી એક હૃદયનો આકાર બનાવડાવ્યો છે અને આને ટૅટૂ આર્ટ દ્વારા મેં મારા હૃદય પર કોતરાવ્યો છે. આને મેં મારા હાંસડીના ડાબી બાજુના હાડકાની નીચે એટલે કે મારા હૃદયના સ્થાન પર બનાવડાવ્યું છે. આની સાથે જ મને પ્રાણીઓ પ્રત્યે બહુ પ્રેમ છે અને કૂતરા પ્રત્યે મને વિશેષ લગાવ છે તેથી મેં કૂતરાના પગનાં આંગળાં હોય એવું એક પો પ્રિન્ટવાળું ટૅટૂ બનાવડાવ્યું છે, જે મારા હાથ પર જ છે. હવે એને લગોલગ હું એક એલ લખાવીશ, જે મારા ઘરમાં પાળેલા કૂતરા લિયોના નામનો પહેલો અક્ષર હશે. લિયોને મારા જીવનમાં આવીને નવ મહિના થઈ ગયા છે.’

બોરીવલીમાં રહેતા જશ પાંધીએ તેમના મિત્રવર્તુળમાં ઘણા એવા કિસ્સાઓ જોયા છે જેમાં જીવનના એક તબક્કામાં લોકો એકબીજાની ખૂબ નજીક હોય ત્યારે તેઓ તેમના નામનું ટૅટૂ પોતાના શરીર પર કરાવડાવે અને સમય જતાં જો ભાવ અભાવમાં પરિવર્તિત થઈ જાય તો ટૅટૂ કેમ બનાવડાવ્યું એનો પસ્તાવો કરે. તેથી તેઓ ટૅટૂના ભાવોની ગંભીરતા સમજે છે અને કહે છે, ‘મારું આખું અસ્તિત્વ જેમના થકી છે તે છે મારાં મમ્મી એટલે કે મા. હું કોઈ પણ વાત કહું એ પહેલાં મારા મનના ભાવ સમજી લેનાર આ જગતમાં એક મમ્મી જ હોય છે. મારાં મમ્મીના જન્મદિવસે એટલે કે ગઈ ૨૩ જાન્યુઆરીએ મેં આ ટૅટૂ કરાવ્યું. મારા શરીર પર કરાવેલું આ પહેલવહેલું  ટૅટૂ છે. હાથ પરના આ ટૅટૂ માટે ખૂબ જ વિચારપૂર્વક ‘માં’ શબ્દ પસંદ કર્યો છે. ટૅટૂ આર્ટિસ્ટે મને કહ્યું કે આજકાલ લોકો મમ્મી, મૉમ, મધર આવા શબ્દો લખાવે છે પણ આ શબ્દોમાં એવી ઉષ્મા નથી જે ‘માં’ આ એકમાત્ર શબ્દમાં છે. ‘માં’ નામના ટૅટૂમાં ભલે આ શબ્દના રૂપમાં છે, પણ મારે માટે તો આ એક સતત પ્રેમનું ઝરણું વરસાવતી મારી મમ્મી છે. ટૅટૂ મેં શોખ ખાતર કરાવેલું, પણ હવે એને જોઈને હું ગર્વ અનુભવું છું. મારા જીવનમાં અને હૃદયમાં માનો વિશેષ દરજ્જો છે, જેને શરીર પર કોતરણીના રૂપમાં કાયમ માટે મેં અભિવ્યક્ત કર્યો છે, થૅન્ક્સ ટુ ટૅટૂ આર્ટ.’

મલાડમાં રહેતા રાહુલ વાળાએ પહેલી વાર દાદી અને વડીલોના શરીર પર છુંદાવેલા છૂંદણા જોઈને આશ્ચર્ય થતું જોકે એમાંથી જ પ્રેરણા લઈને તેમણે પોતાના શરીર પર ટૅટૂ ત્રોફાવ્યા છે. રાહુલ કહે છે, ‘એક દિવસ જ્યારે મેં મારાં દાદીના છુંદણાને જોઈને એ કેમ ભૂંસાતું નથી એમ પૂછ્યું તો દાદીએ કહ્યું કે આ એક જ વસ્તુ છે જે વ્યક્તિની સાથે તેના મર્યા પછી જ જાય છે. એ જાણીને મને એમાં રહેલા ભાવ કેટલા મજબૂત હશે એ સમજાયું. મેં સૌથી પહેલું ટૅટૂ અંગ્રેજીમાં પેરન્ટ્સના નામનું મારા જમણા હાથ પર કરાવ્યું. મારા પૅરન્ટ્સ મારા હૃદયની એકદમ નજીક છે અને તેઓ મારા જીવનના અંત સુધી મારી સાથે આ રીતે રહી શકે છે. એ પછી મેં ૨૦૧૮માં મારા દીકરા રિયાનના નામનું ટૅટૂ મારા ડાબા હાથ પર કરાવ્યું, કારણ કે તે પણ મારા જીવનનું ખૂબ મહત્ત્વપૂર્ણ અંગ છે. હું આ બન્નેને ખૂબ પ્રેમ કરું છું ને મને લાગે છે કે આજે લોકો જે કાયમી ટૅટૂ આર્ટ કરાવે છે એ પ્રેમની અભિવ્યક્તિ માટેનું ખૂબ સુંદર માધ્યમ છે. હું માનું છું કે ઈશ્વરે શરીર આપ્યું છે અને એના પર એક વધારાની ભાવનાત્મક કળા, જે આપણે કરાવી શકીએ છીએ એ છે ટૅટૂ.’

માઓરી ટૅટૂ સાહસ અને નીડરતાનું પ્રતીક છે જેનાથી જુદો જ આત્મવિશ્વાસ અનુભવાય છે : કુણાલ તિંબાડિયા

ટૅટૂ ભલે લોકો ફૅશન માટે કરાવે, પણ એમાંથી પ્રેમ અને નફરત આ બે મુખ્ય લાગણીઓમાંથી એક તો અભિવ્યક્ત થતી જ હોય છે એવું કાંદિવલીમાં રહેતા કુણાલ તિંબાડિયાનું માનવું છે. તેણે પોતે ભુજા પર કોણી સુધી એક વિશેષ ટૅટૂની કરાવ્યું છે જેના વિશે તે કુણાલ કહે છે, ‘ટૅટૂ ઘણાં અર્થસભર હોય છે. મેં ખાસ ગોવા જઈને મારી ડાબી ભુજા પર એક ટૅટૂ બનાવડાવ્યું. મેં જે રચના બનાવડાવી છે એ ટૅટૂ આર્ટના વિશ્વમાં માઓરી નામે ઓળખાય છે. આવી રચના કેટલાક યોદ્ધા પોતાના શરીર પર બનાવડાવતા હતા. આના માધ્યમથી એક મહત્ત્વપૂર્ણ ભાવ વ્યક્ત થાય છે અને આ ભાવ છે નીડરતાનો. જીવનમાં કોઈ પણ વસ્તુથી અને કોઈ પણ પરિસ્થિતિથી ન ડરનાર મારું વ્યક્તિત્વ આ ટૅટૂમાં વ્યક્ત થાય છે. હાલમાં મેં આ રચના મારી ભુજાથી લઈને કોણીથી થોડે નીચે સુધી જ કરાવી છે, પણ આની ખાસિયત એ પણ છે કે તમે આને આખા શરીર પર બનાવડાવી શકો. જો મારે આખા હાથ પર આ ટૅટૂ ફેલાવવું હશે ત્યારે હાલમાં જ્યાં આની અંતિમ રેખા છે ત્યાંથી શરૂ કરી શકાશે. મારા ચહેરા પર આ ટૅટૂ બનાવડાવ્યા પછી એક જુદો જ આત્મવિશ્વાસ ઝળકી રહ્યો છે અને એનાથી મને લાગે છે કે દરેક ડિઝાઇનનો પોતાનો એક ઇતિહાસ અને ભાવ હોય છે, જે તમારા શરીર પર બને પછી તમને એ ભાવ અર્પે છે જેમ કે માઓરી ટૅટૂએ મને સકારાત્મકતા અને વિશ્વાસ અર્પ્યાં છે.’

fashion columnists bhakti desai