છેલ્લી ઘડીએ ગણપતિબાપ્પાના આગમનની તૈયારી શી રીતે કરવી?

11 September, 2026 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરે પડેલી ચીજોની મદદથી પર્યાવરણને અનુકૂળ ક્વિક અને ઈઝી હોમ ડેકોરેશનના આઇડિયા તમારા કામમાં આવે એવા છે

ગણપતિ ડેકોરેશન આઇડિયા

કામની વ્યસ્તતા વચ્ચે ઘરે ગણપતિબાપ્પાના આગમનની તૈયારીમાં વિલંબ થયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઘરે પડેલી ચીજોથી પણ તમે એસ્થેટિક અને રૉયલ લુક આપે એવું ઇકો-ફ્રેન્ડ્લી ડેકોરેશન કરી શકો છો. અત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગરૂક થયા છે. એની જાળવણી માટે થર્મોકોલના ઉપયોગ પર પ્રતિબંધ છે અને પ્લાસ્ટિકનું ડેકોરેશન હવે ઓલ્ડ ફૅશન લાગે છે ત્યારે આર્ટિફિશ્યલ સામગ્રીઓ ખરીદીને ખોટો ખર્ચ કરવાને બદલે ઘરમાં જ પડેલી જૂની સિલ્ક, બ્રોકેડ કે ટ્રાન્સપરન્ટ શિફોન સાડીઓ, ફેરી લાઇટ્સ અને તાજાં ફૂલોના કૉમ્બિનેશન સાથે રૉયલ ડેકોર કરી શકાય છે. આ અભિગમ ઇકો-ફ્રેન્ડ્લી હોવાની સાથે ઘરને સુંદર પણ દેખાડે છે.

દ્રૌપદી ડ્રેપ એન્ટ્રી અને બૅકડ્રૉપ વિથ સિલ્ક સાડી

ઘરના મુખ્ય દરવાજા, હૉલની મુખ્ય દીવાલ કે પૂજાસ્થાનની પાછળના ભાગે બૅકડ્રૉપ બનાવવા માટે સિલ્ક અથવા બ્રોકેડ સાડીનો ઉપયોગ સૌથી બેસ્ટ રહેશે. આ માટે બેથી ૩ સાડીને યુ-શેપ અથવા પડદાની જેમ ઊંચાઈ પરથી ડ્રેપ કરો. સાડીના છેડાને સુંદર પ્લેટ્સ વાળીને બન્ને બાજુ બાંધી દો. પછી સાડીની પાછળ અથવા એની ધાર પર ગરમ પીળા રંગની ફેરી લાઇટ્સ લગાવો. સાડીના જૉઇન્ટ્સ અથવા પ્લેટ્સ જ્યાં બાંધ્યાં હોય ત્યાં ગલગોટા કે મોગરાનાં ફૂલોના ગુચ્છા મૂકો. સિલ્કની ચમક પર જ્યારે લાઇટિંગનો પ્રકાશ પડશે ત્યારે દીવાલને એક ભવ્ય અને રૉયલ લુક મળશે.

સાડીનો મંડપ લુક

લિવિંગરૂમના સિટિંગ એરિયાની ઉપર એક સુંદર મંડપ કે કૅનપી જેવો લુક ઊભો કરી શકાય છે. આ માટે હળવા કાપડવાળી જેમ કે શિફોન, જ્યૉર્જેટ કે નેટની સાડીઓ વધુ અનુકૂળ રહે છે. છતના મધ્ય ભાગમાંથી સાડીઓને ચારેય ખૂણા તરફ ફેલાવીને બાંધી દો. આનાથી રૂમની અંદર એક નાના ટેન્ટ કે મંડપ જેવી સુંદર રચના બનશે. સાડીઓની સાથે જ ફેરીલાઇટ્સની લાઇનો પણ મધ્યમાંથી ખૂણા તરફ લઈ જઈને લટકાવો. મધ્ય ભાગમાં જ્યાં બધી સાડીઓ ભેગી થાય છે ત્યાં મોગરા અથવા ગુલાબની લાંબી સુંદર માળાઓ લટકાવી દો. આ લુક સાંજના સમયે આકર્ષક લાગશે

હૅન્ગિંગ સાડી પૅનલ્સ

જો તમારા ઘરમાં કોઈ ખૂણો સાવ ખાલી હોય કે હૉલની કોઈ ઊભી દીવાલ હોય તો એને હૅન્ગિંગ આર્ટ દ્વારા હાઇલાઇટ કરી શકાય છે. સાડીને ઊભી પટ્ટીના રૂપમાં ઉપરથી નીચેની તરફ લટકાવો. બે વિરોધી રંગની સાડીઓને પાસપાસે ઊભી લટકાવી શકાય. બન્ને સાડીઓની વચ્ચેના ભાગમાં ઉપરથી નીચે સુધી મોગરા કે સેવંતીનાં ફૂલોની સળંગ માળા લટકાવો. એની સાથે ઝિગ-ઝૅગ પૅટર્નમાં લાઇટિંગનું શણગાર કરો. આ બોલ્ડ કલર કૉન્ટ્રાસ્ટ તમારા ઘરના એ ખૂણાને આખા રૂમનું સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બનાવી દેશે.

ફેરીલાઇટ્સ ડેકોર

ઘરની બારીઓ, બાલ્કની કે હૉલના દરવાજા પર સામાન્ય પડદાને બદલે શિફોન કે ટ્રાન્સપરન્ટ ઑર્ગેન્ઝા સાડીનો પડદો બનાવી શકાય છે. ટ્રાન્સપરન્ટ સાડીને પડદાના રૉડ પર સરખી રીતે લટકાવો. સાડીની પાછળના ભાગમાં ઊભી ફેરીલાઇટ્સ લટકાવી દો. કાપડ પાતળું હોવાથી લાઇટિંગનો સૉફ્ટ ગ્લો રૂમમાં ફેલાશે. પડદાની ઉપરની ધાર પર અથવા સાડીને બાંધવા માટે વપરાતી પટ્ટીની જગ્યાએ તાજા ગલગોટા અને આસોપાલવનાં પાંદડાંની તોરણ જેવી માળા લગાવો.

ઉરુલી ડેકોર

સેન્ટર ટેબલને સજાવવા માટે આ કન્સેપ્ટ ખૂબ જ કારગર સાબિત થાય છે. ટેબલ કે જમીન પર સુંદર જરીવાળી કે પટોળા સાડીને એક લાંબા રનર તરીકે ગડી કરીને પાથરી દો. સાડી રનરની મધ્યમાં ઉરુલી મૂકો અને એમાં પાણી ભરીને ગુલાબની પાંખડીઓ, ગલગોટાનાં ફૂલો અને ફ્લોટિંગ કૅન્ડલ્સ મૂકો. ટેબલની આસપાસ કાચની બૉટલોમાં કૉપર વાયર ફેરીલાઇટ્સ ભરીને મૂકી દો. આ ડેકોરેશન કૉમ્બિનેશન આંખોને શાંતિ આપે એવું અને અત્યંત સૉફિસ્ટિકેટેડ લાગે છે. જો ઘરમાં સેન્ટર ટેબલ ન હોય તો ઘરની બહાર આંગણે પણ તમે ઉરુલી રાખી શકો છો.

ganesh chaturthi home decor fashion news fashion lifestyle news life and style