12 May, 2025 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આઇ મેકઅપ તમારા ચહેરાની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે એ વાત તો સાચી, પણ જે યુવતી રેગ્યુલર રૂટીનમાં મિનિમલ મેકઅપ કરવાનું પસંદ કરતી હોય અથવા તો જે યુવતીની આંખો પહેલેથી જ આકર્ષક હોય તેને આઇ મેકઅપ લગાવવાની જરૂર નથી પડતી; ફક્ત આઇલાઇનર, કાજલ અને મસ્કરાથી પણ આંખોને વધુ ડિફાઇનિંગ બનાવી શકે છે. અત્યારે કાજલ અને આઇલાઇનરની જેમ મસ્કરાનો ઉપયોગ પણ વધી રહ્યો છે. એ આંખોને સુંદર બનાવે છે એ વાત ખોટી નથી, પણ દરરોજ એને અપ્લાય કરવાથી આંખોને નુકસાન પહોંચી શકે છે.
આંખોમાં બળતરા
મસ્કરામાં એવાં કેમિકલ્સ હોય છે જે આંખો માટે હાનિકારક છે. એના વધુપડતા ઉપયોગથી આંખોમાં ખંજવાળ અથવા બળતરાની સમસ્યા ઉદ્ભવી શકે છે. ઘણી વાર આંખો લાલ થવી અને આંખમાંથી પાણી આવવાની સમસ્યા પણ થાય છે.
પાંપણ ખરવી
જો તમે રોજ મસ્કરા લગાવો છો અને રાત્રે એને કાઢ્યા વગર જ સૂઈ જાઓ છો તો આંખોની પાંપણ કમજોર બને છે અને એ ખરવાનું શરૂ થાય છે. એટલું જ નહીં, પાંપણની થિકનેસ પણ ઓછી થવા લાગે છે. આથી સૂતાં પહેલાં મસ્કરાને બેબી ઑઇલની મદદથી કાઢી નાખવું જેથી તમારી આંખો રિલૅક્સ ફીલ કરે.
આંખો ડ્રાય થવી
મસ્કરા લગાવવાથી ડ્રાય આઇ સિન્ડ્રૉમનું જોખમ પણ વધી જાય છે. મસ્કરામાં રહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ આંખોને ડ્રાય બનાવે છે, જેને લીધે આંખોમાં પાણી સુકાઈ જવાની સમસ્યા ઉદ્ભવે છે. એટલું જ નહીં; આંખોની આસપાસ સોજા, નાની ફોલ્લીઓ અને ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધે છે.
ઍલર્જીનું જોખમ
મસ્કરામાં પ્રિઝર્વેટિવ્સ અને અન્ય કેમિકલ્સનો ઉપયોગ થાય છે જે આંખો સંબંધિત ઍલર્જીનું કારણ બને છે. આ સિવાય જો મસ્કરાનું બ્રશ એક કરતાં વધુ વ્યક્તિ વાપરે તો એ પણ ઇન્ફેક્શનનું કારણ બને છે. ઘણી વાર મસ્કરા લગાવતી વખતે એ આંખોમાં જાય તો કૉર્નિયાને નુકસાન પહોંચાડે છે જેને કારણે દૃષ્ટિ નબળી પડી શકે છે.
આટલું ધ્યાન રાખજો
હંમેશાં બ્રૅન્ડેડ મસ્કરા ખરીદવાનો આગ્રહ રાખવો, કારણ કે માર્કેટમાં સસ્તા ભાવે મળતા મસ્કરામાં કેમિકલ્સનું પ્રમાણ વધુ હોય છે.
જો મસ્કરા લાંબા સમયથી ઘરમાં પડેલું હોય તો એને વાપરવાને બદલે ડિસ્કાર્ડ કરી દેવું અને એક્સપાયરી ડેટ ચેક કરવી.
રાત્રે સૂતાં પહેલાં ફેસ વૉશ કરીને સૂવું અને મસ્કરા પાંપણમાંથી બરાબર નીકળ્યું છે કે નહીં એનું ધ્યાન રાખવું.
મસ્કરા પોતાનું જ વાપરવું, બીજાનું વાપરશો તો ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જશે.