19 December, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કટઆઉટ બ્લેઝર
અભિનેત્રી શનાયા કપૂરે પૅન્ટ અને કટઆઉટ બ્લેઝર પહેરીને મિનિમલિસ્ટ, બોલ્ડ અને આર્કિટેક્ચરલ લુક અપનાવીને બ્લેઝર-ફૅશનને રીઇન્વેન્ટ કરી છે. શનાયાના આઉટફિટને ડીકોડ કરીએ તો તેણે મ્યુટેડ સૅન્ડ ટોન એટલે કે બેજ કલરના વાઇડ લેગ ટ્રાઉઝર સાથે કટઆઉટ બ્લેઝરને સ્ટાઇલ કર્યું છે. તેના આખા લુકનો શો બ્લેઝરને લીધે જ સારો આવે છે. કમરથી કટઆઉટ આપીને ડિઝાઇન કરેલું બ્લેઝર ટ્રેડિશનલ સ્ટિફનેસને પૂર્ણપણે દૂર કરી દે છે. ટ્રાઉઝરને લીધે આખા આઉટફિટનો લુક એકદમ સ્ટ્રીમલાઇન અને સ્વચ્છ લાગે છે. ઍક્સેસરીઝમાં પણ શનાયાએ લુકને મિનિમલ રાખ્યો છે. ગ્લૉસી લિપ્સ સાથે નાની કાળી ઇઅર-રિંગ્સ તેના લુકને એન્હૅન્સ કરે છે. સ્ટેટમેન્ટ પીસ તરીકે ફેમસ થઈ રહેલાં કટઆઉટ બ્લેઝર ક્લાસિક ફૅશનને બોલ્ડ અને મૉડર્ન ટ્વિસ્ટ આપે છે. શનાયાના લુકની જેમ જ બ્લેઝરને હાઇલાઇટ કરવાનો તમારો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ.
અત્યારે બોલ્ડ સ્ટાઇલ માટે વેસ્ટલાઇન કટઆઉટ બ્લેઝર ટ્રેન્ડમાં છે. કમરના ભાગે રાઉન્ડ, ટ્રાયેન્ગલ કે ચોરસ કટ આપતાં બ્લેઝર આર્કિટેક્ચરલ લુક આપે છે અને કમરને સુંદર રીતે ડિફાઇન કરે છે. આ સ્ટાઇલ પૅન્ટ-સૂટને ડ્રામેટિક બનાવી દે છે. ઈવનિંગ પાર્ટીઝ કે ફૅશન-ઇવેન્ટ્સ માટે આવાં બ્લેઝર પર્ફેક્ટ ચૉઇસ છે.
શોલ્ડર કટઆઉટ બ્લેઝર કૉલર-બોન્સ અને શોલ્ડર-બોન્સને ઓપન રાખે છે. આ લુક બ્લેઝરને નાજુક અને ફેમિનાઇન ટચ આપે છે. આવાં બ્લેઝર સેમી-ફૉર્મલ ગૅધરિંગ્સ, ડે-આઉટ ઇવેન્ટ્સ કે બ્રન્ચ જેવાં ફંક્શન્સ માટે સૂટેબલ છે.
સ્લીવ્સ કટઆઉટ બ્લેઝર વિઝ્યુઅલ ઇન્ટરેસ્ટ પેદા કરે છે. જો સ્લીવ્ઝના કફ પાસે કટઆઉટ હોય તો એ જ્વેલરીને હાઇલાઇટ કરવામાં મદદ કરે છે. આ સ્ટાઇલ યુનિક અને ટ્રેન્ડી વાઇબ્સ આપે છે.
બૅક કટઆઉટ બ્લેઝર સામેથી ક્લાસિક લુક આપે છે પણ પાછળથી સરપ્રાઇઝ એલિમેન્ટ ઍડ કરે છે. પીઠના ઉપરના ભાગે અથવા કમરના નીચલા ભાગે કટઆઉટ હોય છે. ઘણી વાર એને બો વડે બાંધવામાં આવે છે જે બોલ્ડનેસ ઉમેરે છે. ફૅશનેબલ દેખાવા માગતા હો એવી ઇવેન્ટ્સમાં જેમ કે ડિનર પાર્ટીઝ, ડેટ-નાઇટ કે કૉકટેલ ફંક્શન્સ માટે આવાં બ્લેઝર મસ્ત લાગશે.
કૉલર કટઆઉટ એટલે બ્લેઝરના ખૂણામાં નાના સ્ટ્રક્ચર્ડ કટ હોય છે. આ કટઆઉટ લુકને સ્પૉર્ટી અને મૉડર્ન ફીલ આપે છે.
તમે કટઆઉટ બ્લેઝરને એ જ રંગ અને ફૅબ્રિકના વાઇડ લેગ ટ્રાઉઝર્સ અથવા સ્ટ્રેટ લેગ પૅન્ટ્સ સાથે પેર કરી શકો છો. આ મોનોક્રોમ લુક તમારા કટઆઉટ બ્લેઝરની આર્કિટેક્ચરલ ડિઝાઇનને વધુ ભાર આપે છે અને પ્રોફેશનલ છતાં ફૅશન-ફૉર્વર્ડ લુક આપે છે. કૅઝ્યુઅલ લુક અપનાવવો હોય તો હાઇરાઇઝ, ફિટિંગ જીન્સ સાથે પહેરો. જીન્સની કૅઝ્યુઅલનેસ અને બ્લેઝરના સ્ટ્રક્ચર વચ્ચેનો કૉન્ટ્રાસ્ટ સારો લાગે છે. કૉકટેલ પાર્ટી માટે કૉન્ટ્રાસ્ટ કલરના શૉર્ટ્સ કે મિની સ્કર્ટ પેર કરશો તો લુક વધુ બોલ્ડ અને ક્લાસી લાગશે. નૉર્મલ કટઆઉટ બ્લેઝર પહેરવાનું હોય ત્યારે ઇનરવેઅરમાં શું પહેરવું એની મૂંઝવણ પણ રહેતી હોય છે. જો તમને બોલ્ડ લુક જોઈતો હોય તો શનાયાની જેમ બ્લેઝરનું ફિટિંગ પર્ફેક્ટ હોવું જોઈએ બસ. બાકી જો તમે કવરેજ કરવા ઇચ્છો તો સીમલેસ મૅચિંગ ટૅન્ક ટૉપ અથવા સ્પોર્ટ્સ બ્રાલેટ પહેરી શકાય. ઍક્સેસરીઝમાં નાની સ્ટડ ઇઅર-રિંગ્સ અથવા નાની ચેઇન પૂરતી છે. જો કટઆઉટ ગળાના ભાગે હોય તો ગળાની જ્વેલરી ટાળવી. ઇન-બિલ્ટ બેલ્ટ ન હોય તો કમરને વધુ ડિફાઇન કરવા માટે સ્લિમ બેલ્ટનો ઉપયોગ કરી શકાય. લુકને એલિવેટ કરવા પૉઇન્ટેડ પમ્પ્સ, ઍન્કલ બૂટ અથવા સ્ટ્રૅપી હીલ્સ પહેરી શકાય. વાઇટ લેધર સ્નીકર્સ સ્ટ્રીટ-સ્ટાઇલ વાઇબ આપશે. આવાં આઉટફિટ માટે સૌથી વધુ સફેદ, કાળો, ન્યુડ અને બેજ જેવા ન્યુડ કલર્સ વધુ સારા લાગશે. જો તમે મોનોક્રોમેટિક લુક લો તો અલગ-અલગ ફૅબ્રિકના ટેક્સ્ચર સાથે મૅચ કરી શકાય. મૅટ બ્લેઝર સાથે ગ્લૉસી ટ્રાઉઝર મસ્ત લાગશે.