06 April, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્ટન બૅન્ગ્સ
૧૯૭૦ના દાયકાની આ ક્લાસિક હેરસ્ટાઇલ આજે ફરી ગ્લોબલ ફૅશન-વર્લ્ડમાં ધૂમ મચાવી રહી છે. સેલિબ્રિટીઝથી લઈને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સુધી દરેક જણ આ ફેસ-ફ્રેમિંગ ટ્રેન્ડના પ્રેમમાં છે. બૉલીવુડમાં પણ અનન્યા પાંડે, રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડણેકર જેવી અભિનેત્રીઓએ આ સ્ટાઇલિશ હેરકટ અપનાવીને નવો લુક ફ્લૉન્ટ કર્યો છે.
જેમ બારી પરના પડદા બન્ને બાજુ ખૂલે છે અને બારીને એક ચોકઠું પૂરું પાડે છે એમ આ હેરકટ તમારા કપાળની બન્ને બાજુએથી વાળને કાપીને ચહેરાને એક સુંદર ફ્રેમ આપે છે. એ સામાન્ય રીતે વચ્ચેથી ભાગ પાડીને ઓળવામાં આવે છે અને એની લંબાઈ આંખોથી લઈને જડબા સુધી હોઈ શકે છે. આ બૅન્ગ્સ સીધા કપાળ પર નથી પડતા, પરંતુ બાજુઓ પર સૉફ્ટ્લી લહેરાય છે.
દરેક ચહેરા માટે પર્ફેક્ટ : આ કટની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ગોળ, લાંબા, ઓવલ કે ચોરસ દરેક પ્રકારના ચહેરાના આકાર પર સુંદર લાગે છે. એ ચહેરાનાં ફીચર્સને સૉફ્ટ બનાવે છે અને હાઇલાઇટ કરે છે.
વર્સેટિલિટી : તમે એને ખુલ્લા વાળ સાથે રાખી શકો છો અથવા જ્યારે તમે ચોટલો કે અંબોડો વાળો ત્યારે આગળથી નીકળતી આ બૅન્ગ્સની લટો તમારા લુકને વધુ સ્ટાઇલિશ અને મેસી બનાવે છે.
ઓછું મેઇન્ટેનન્સ : સામાન્ય ફ્રન્ટ બૅન્ગ્સને વારંવાર ટ્રિમ કરવા પડે છે, પણ કર્ટન બૅન્ગ્સ જેમ વધે એમ બાકીના વાળ સાથે ભળી જાય છે. એટલે કે જો તમે એને થોડા સમય સુધી કાપો નહીં તો પણ એ ખરાબ નથી લાગતા.
વૉલ્યુમ અને બાઉન્સ : જો તમારા વાળ પાતળા છે તો કર્ટન બૅન્ગ્સ તમારા વાળમાં વૉલ્યુમ અને બાઉન્સ હોવાનો અહેસાસ કરાવે છે.
ગોળ ચહેરો : જો તમારો ચહેરો ગોળ છે તો થોડા લાંબા કર્ટન બૅન્ગ્સ જે જડબા સુધી હોય એ પસંદ કરો. એ તમારા ચહેરાને લાંબો અને પાતળો બતાવવામાં મદદ કરશે.
ચોરસ ચહેરો : ચહેરાના શાર્પ કટ્સને સૉફ્ટ કરવા માટે થોડા ટૂંકા અને હળવા બૅન્ગ્સ શ્રેષ્ઠ રહેશે.
ઓવલ ચહેરો : જો તમારો ચહેરો ઓવલ છે તો તમે નસીબદાર છો. તમે કોઈ પણ લંબાઈના કર્ટન બૅન્ગ્સ ટ્રાય કરી શકો છો.
કર્ટન બૅન્ગ્સને સ્ટાઇલ કરવા માટે તમારે માત્ર એક રાઉન્ડ બ્રશ અને હેરડ્રાયરની જરૂર પડશે. વાળ ધોયા પછી બૅન્ગ્સને રાઉન્ડ બ્રશ પર લપેટીને ચહેરાથી વિરુદ્ધ દિશામાં ડ્રાય કરો. આનાથી એને પર્ફેક્ટ કર્ટન બૅન્ગ્સ બાઉન્સ મળશે.