મેન્સ ફૅશનમાં હવે બૉક્સી ફિટ શર્ટ થયાં છે ઇનથિંગ

24 June, 2026 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૂઝ, રિલૅક્સ્ડ અને સ્ટાઇલિશ દેખાવા માટે બૉક્સી ફિટ શર્ટ અત્યારે પુરુષોની પહેલી પસંદ બન્યાં છે, પરંતુ એને ટીમ-અપ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

બૉક્સી ફિટ શર્ટ

આજનો ફૅશન-ટ્રેન્ડ કમ્ફર્ટ તરફ વધુ ઝૂકેલો છે. સ્કિની અને ટાઇટ ફિટિંગ કપડાંનો જમાનો હવે જૂનો થઈ રહ્યો છે અને એની જગ્યાએ રિલૅક્સ્ડ ફિટ અથવા બૉક્સી ફિટ ટ્રેન્ડ છવાઈ ગયો છે. આ શર્ટ્‍સ દેખાવમાં જેટલાં કૂલ લાગે છે એને સ્ટાઇલ કરવાં એટલાં જ ટ્રિકી છે. જો થોડી કાળજી ન રાખવામાં આવે તો આ ટ્રેન્ડ કૂલ દેખાવાને બદલે અણઘડ લાગી શકે છે.

બૉક્સી ફિટ શર્ટ કેવાં દેખાય છે?

સામાન્ય શર્ટ્‍સ ફિટિંગવાળાં હોય છે, જ્યારે બૉક્સી ફિટ શર્ટ્‍સનો આકાર અંગ્રેજી અક્ષર Box જેવો હોય છે. આ શર્ટ્‍સ ખભાના ભાગેથી સહેજ નીચે નમેલાં એટલે કે ડ્રૉપ શોલ્ડર હોય છે. એની લંબાઈ નૉર્મલ શર્ટ કરતાં થોડી ઓછી હોય છે. છાતી અને પેટના ભાગથી આ શર્ટ્‍સ એકદમ લૂઝ અને રિલૅક્સ્ડ હોય છે એટલે ઉનાળા કે ભેજવાળા વાતાવરણમાં પણ એ ખૂબ જ આરામદાયક રહે છે.

કોણ પહેરી શકે?

આ શર્ટ્‍સની ખાસિયત એ છે કે એ દરેક બોડી ટાઇપના પુરુષો પહેરી શકે છે. બસ, એને પસંદ કરવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ઊંચા અને પાતળા પુરુષો પર આ પ્રકારનાં બૉક્સી ફિટ શર્ટ્‍સ ખૂબ જ સરસ લાગે છે, કારણ કે એ શરીરને એક સારો બ્રૉડ શેપ આપે છે. તેઓ મોટી પ્રિન્ટ્સ કે બ્રાઇટ કલર્સ આસાનીથી ટ્રાય કરી શકે છે.

બ્રૉડ અને મસ્ક્યુલર બૉડી હોય અને આ શર્ટ પહેરો તો તમારો પેટનો ભાગ છુપાઈ જાય છે. તેમણે હૉરિઝૉન્ટલ સ્ટ્રિપ્સ અથવા બહુ મોટી પ્રિન્ટ્સ ટાળવી જોઈએ અને સૉલિડ ડાર્ક કલર્સ અથવા ઝીણી ઊભી લાઇનો પસંદ કરવી જોઈએ, જેથી લુક વધારે બલ્કી ન લાગે.

સ્ટાઇલ કરતી વખતે બૉટમ કેવું પહેરવું?

બૉક્સી ફિટ શર્ટને સ્ટાઇલ કરવાનો સૌથી મોટો નિયમ પ્રપોર્શન ગેમ છે. તમારું શર્ટ ઑલરેડી લૂઝ છે એટલે નીચેનું બૉટમ થોડું ફિટિંગવાળું હોવું જોઈએ. કમ્ફર્ટ સ્લિમ ફિટ ડેનિમ્સ કે ચિનોઝ આની સાથે બેસ્ટ મૅચ થાય છે.

જો તમારે પ્રૉપર કૅઝ્યુઅલ લુક જોઈતો હોય તો તમે સ્ટ્રેટ-લેગ ટ્રાઉઝર્સ પહેરી શકો છો. એ તમને બહુ રિલૅક્સ્ડ લુક આપશે.

બૉક્સી શર્ટ સાથે ક્યારેય અતિશય ટાઇટ સ્કિની ફિટ જીન્સ ન પહેરો, કારણ કે એનાથી શરીરનો ઉપરનો ભાગ બહુ મોટો અને નીચેનો ભાગ બહુ પાતળો લાગશે. એકદમ લૂઝ કાર્ગો કે બૅગી પૅન્ટ પણ ટાળો, નહીંતર આખો લુક વેરવિખેર લાગશે.

કેવા પ્રસંગોમાં કેવી રીતે પહેરવાં?

જ્યારે તમે પિકનિક પર જાઓ, કૅફેમાં મિત્રોને મળો અથવા ટ્રાવેલિંગ કરી રહ્યા હો ત્યારે કૉટન કે લિનન મટીરિયલના પેસ્ટલ કલરના જેમ કે પાઉડર બ્લુ, બેજ, ઑલિવ ગ્રીન બૉક્સી શર્ટ્‍સ ઉત્તમ રહેશે. એને તમે નીચે શૉર્ટ્‍સ અથવા લાઇટ બ્લુ જીન્સ સાથે ટીમ-અપ કરી શકો છો. આ સિવાય અંદર પ્લેન વાઇટ ટી-શર્ટ પહેરીને ઉપરથી આ શર્ટનાં બટન ખુલ્લાં રાખીને જૅકેટ સ્ટાઇલમાં પણ કૂલ લુક મેળવી શકાય છે.

કોઈ ખાસ સાંજના પ્રસંગે રિચ લુક મેળવવા માટે રેયૉન, સૅટિન કે સિલ્ક-બ્લેન્ડ ફૅબ્રિકનાં બૉક્સી શર્ટ્સ પસંદ કરો. બ્લૅક, વાઇન કે નેવી બ્લુ જેવા ડાર્ક સૉલિડ કલર્સ રાતના સમયે ખૂબ આકર્ષક લાગે છે. આ શર્ટને પ્લેટ્સવાળા એન્કલ-લેન્થ ટ્રાઉઝર્સ અને લોફર્સ કે સ્નીકર્સ સાથે પહેરવાથી પર્સનાલિટી એકદમ પ્રીમિયમ દેખાશે.

આ એક પ્યૉર કૅઝ્યુઅલ અને સેમી-ફૉર્મલ ટ્રેન્ડ છે. તેથી એને ઑફિસની ફૉર્મલ મીટિંગ્સ, ઇન્ટરવ્યુ કે ટ્રેડિશનલ લગ્નપ્રસંગોમાં પહેરવાનું ટાળવું જોઈએ.

fashion fashion news life and style lifestyle news columnists