કલર બ્લૉકિંગ હવે માત્ર કપડાં પૂરતું નથી, ઍક્સેસરીઝમાં પણ છવાયો છે આ ટ્રેન્ડ

17 June, 2026 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલર બ્લૉકિંગમાં માત્ર બ્રાઇટ કલર્સ ઉમેરવા પૂરતું નથી. રંગો વચ્ચે યોગ્ય બૅલૅન્સ જાળવવું પણ એટલું જ મહત્ત્વનું છે.

કલર બ્લૉકિંગ

રંગો હંમેશાં ફૅશનનો મહત્ત્વનો ભાગ રહ્યા છે, પરંતુ હવે એ માત્ર કપડાં પૂરતા સીમિત નથી રહ્યા. છેલ્લા કેટલાક સમયથી ફૅશનજગતમાં ઍક્સેસરીઝ દ્વારા રંગો સાથે પ્રયોગ કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. રંગબેરંગી બૅગ્સ, કૉન્ટ્રાસ્ટિંગ શૂઝ અને મલ્ટિ-કલર જ્વેલરી દ્વારા લોકો પોતાના લુકમાં નવી એનર્જી અને પર્સનાલિટી ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છે

ફૅશનમાં કેટલાક ટ્રેન્ડ્સ એવા હોય છે જે સમયાંતરે નવા સ્વરૂપે પાછા આવે છે. કલર બ્લૉકિંગ એવો જ એક ટ્રેન્ડ છે. અત્યાર સુધી આ ટ્રેન્ડ મુખ્યત્વે કપડાંમાં જોવા મળતો હતો, પરંતુ હવે તે બૅગ, શૂઝ, જ્વેલરી, બેલ્ટ અને અન્ય ઍક્સેસરીઝમાં પણ જોવા મળી રહ્યો છે. એટલે હવે આખો રંગીન આઉટફિટ પહેર્યા વગર પણ માત્ર ઍક્સેસરીઝ દ્વારા સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવી શકાય છે.

કલર બ્લૉકિંગ એટલે શું?
ઍક્સેસરીઝમાં કલર બ્લૉકિંગ એટલે એક જ ઍક્સેસરીમાં બે કે તેથી વધુ વિરોધાભાસી રંગોનો ઉપયોગ કરવો અથવા અલગ અલગ રંગોની ઍક્સેસરીઝને એકસાથે સ્ટાઇલ કરવી. ઉદાહરણ તરીકે બે-ત્રણ રંગોની હૅન્ડબૅગ અથવા બ્રાઇટ કલરની બૅગ, બેલ્ટ અને શૂઝનું કૉમ્બિનેશન. આવા કલર કૉમ્બિનેશન લુકમાં તરત જ એક બોલ્ડ અને સ્ટાઇલિશ અસર ઊભી કરે છે. કલર બ્લૉકિંગ ઍક્સેસરીઝની સૌથી મોટી ખાસિયત એ છે કે એના દ્વારા આખો રંગીન આઉટફિટ પહેર્યા વગર પણ આ ટ્રેન્ડ અજમાવી શકાય છે. 

કેવી રીતે સ્ટાઇલ કરશો?
કલર બ્લૉકિંગમાં માત્ર બ્રાઇટ કલર્સ ઉમેરવા પૂરતું નથી. રંગો વચ્ચે યોગ્ય બૅલૅન્સ જાળવવું પણ એટલું જ મહત્ત્વનું છે. ફૅશન એક્સપર્ટ્‍સના મતે, સૌથી પહેલાં એ નક્કી કરવું જોઈએ કે તમે કયા પ્રકારના કલર કૉમ્બિનેશન સાથે એક્સરિમેન્ટ કરવા માગો છો.

કૉમ્પ્લિમેટરી કલર્સ એટલે કે કલર વ્હીલમાં એકબીજાની સામે આવેલા રંગો પસંદ કરી શકો. જેમ કે ગ્રીન ડ્રેસ સાથે રેડ હીલ્સ, બ્લુ આઉટફિટ સાથે ઑરેન્જ બૅગ અથવા પર્પલ આઉટફિટ સાથે યલો ઍક્સેસરીઝ. આવાં કૉમ્બિનેશન્સ બોલ્ડ, વાઇબ્રન્ટ અને આકર્ષક લુક આપે છે. 

ઍનાલોગ કલર્સ એટલે કલર વ્હીલમાં એકબીજાની બાજુમાં આવેલા રંગો ટ્રાય કરી શકો. જેમ કે બ્લુ-ગ્રીન, 

પિન્ક-પર્પલ અથવા યલો-ઑરેન્જ. આવાં કૉમ્બિનેશન્સ વધુ સૉફ્ટ, બૅલૅન્સ્ડ અને એલિગેન્ટ લાગે છે. જો તમે કલર બ્લૉકિંગમાં નવા હો તો આ પ્રકારના કલર કૉમ્બિનેશનથી શરૂઆત કરી શકો છો. 

લુકને વધુ સંતુલિત અને ગોઠવાયેલો દેખાડવા માટે શૂઝનો રંગ ઇયરિંગ્સ, હેરબેન્ડ અથવા અન્ય કોઈ નાની ઍક્સેસરી સાથે મૅચ કરી શકાય છે. આ રીતે આખા આઉટફિટમાં એક સરસ કન્ટિન્યુટી જોવા મળે છે અને લુક વધુ પૉલિશ્ડ લાગે છે. 

જો તમે આ ટ્રેન્ડ પહેલી વાર અજમાવી રહ્યા હો તો ન્યુટ્રલ આઉટફિટ સાથે શરૂઆત કરવી સૌથી સરળ રહે છે. વાઇટ શર્ટ અને બ્લૅક ટ્રાઉઝર્સ સાથે ઇલેક્ટ્રિક બ્લુ હૅન્ડબૅગ અથવા ફ્યુશિયા પિન્ક સનગ્લાસિસ જેવી એક સ્ટેટમેન્ટ ઍક્સેસરી આખા લુકને ઇન્સ્ટન્ટલી એલિવેટ કરે છે. 

જો તમારા આઉટફિટમાં પહેલેથી જ ઘણા બ્રાઇટ કલર્સ હોય તો બ્લૅક, વાઇટ, બેજ અથવા ન્યૂડ શેડ્સની ઍક્સેસરીઝ લુકને બૅલૅન્સ કરવામાં મદદ કરે છે. એવી જ રીતે ગોલ્ડ, સિલ્વર અને રોઝ ગોલ્ડ જેવી મેટાલિક જ્વેલરી કલર બ્લૉકિંગ સાથે ખૂબ સારી રીતે કામ કરે છે. તે નવા રંગ ઉમેર્યા વગર લુકને વધુ રિફાઇન્ડ અને પ્રીમિયમ ફીલ આપે છે. 

હંમેશાં યાદ રાખો કે આખા લુકમાં ત્રણથી વધુ મુખ્ય રંગો ન રાખો. યોગ્ય કલર બૅલૅન્સ સાથે કરવામાં આવેલું કલર બ્લૉકિંગ જ સૌથી વધુ સ્ટાઇલિશ અને ઇમ્પેક્ટફુલ લાગે છે. ઘણી વખત માત્ર એક કલર બ્લૉક્ડ બૅગ, કૉન્ટ્રાસ્ટ શૂઝ અથવા સ્ટેટમેન્ટ જ્વેલરી પણ તમારા રોજિંદા લુકને પણ ખાસ બનાવી શકે છે.

fashion news fashion life and style lifestyle news gujarati mid day exclusive