ચેક યૉર નેકલાઇન

21 June, 2021 04:20 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ડિફરન્ટ નેકલાઇનનો ટ્રેન્ડ પુરુષોમાં પણ ફેમસ છે. ટી-શર્ટના નેકનો શેપ ક્યારે, કોણે, કેવો રાખવો જે તમારી ઓવરઑલ ઇમેજને હાઇલાઇટ કરે એ વિશે જાણી લો

પ્રતીકાત્મક તસવીર

આજે ફૅશન માત્ર મહિલાઓનો વિષય નથી રહ્યો. ફેશ્યલ બ્યુટીથી લઈને ડ્રેસિંગ સેન્સ સુધી હવે પુરુષોના ચીકણાવેડા વધ્યા છે. જોકે આ જ કારણે તેમની પર્સનાલિટી ખીલી છે. અત્યાર સુધી કૉલર નેક અને વી નેક ટી-શર્ટ પહેરતા પુરુષો નેકલાઇન જેવી સિમ્પલ લાગતી બાબતમાં પણ ફોકસ્ડ બન્યા છે. ફૅશન ટ્રેન્ડમાં રહેવા માટે જ નહીં, પુરુષોની ઓવરઑલ ઇમેજમાં એનું મહત્ત્વ છે.

નેકલાઇનની ચૉઇસમાં ચીવટ રાખવાથી પર્સનાલિટીમાં તો ચેન્જ આવશે જ, લુકમાં જે ખામીઓ છે એને પણ છુપાવી શકાય છે. આ સિમ્પલ ટ્રિક છે એમ જણાવતાં કાંદિહવલીનાં ફૅશન ડિઝાઇનર અને ઇમેજ કન્સલ્ટન્ટ પાયલ સુરેખા કહે છે, ‘પુરુષોમાં ફૅશન ટ્રેન્ડ વિશે સભાનતા આવતાં ફૅશન ડિઝાઇનરો વી અને રાઉન્ડ નેકમાંથી નવા વેરિએશન લાવતાં રહે છે. ટી-શર્ટની નેકલાઇનમાં લેટેસ્ટમાં ક્રૂ નેક, સ્કૂપ નેક, બ્રૉડ વી, ટર્ટલ નેક ટ્રેન્ડમાં છે.’

ક્રૂ નેક : રાઉન્ડ નેકમાંથી ઇન્સપ્યાર્ડ થઈ ડેવલપ થયેલી આ નેકલાઇન સામાન્ય રાઉન્ડ નેક કરતાં ત્રણ ઇંચ ઉપર હોવાથી તમારી બૉડી સાથે ચીપકીને રહે છે. દેખાવમાં પતલા અને લંબગોળ ચહેરો ધરાવતા પુરુષો ક્રૂ નેક ટી-શર્ટ પહેરે તો તેમના શોલ્ડર બ્રૉડ દેખાય છે.

બ્રોડ વી નેક : સિમ્પલ વી શેપ હવે બ્રૉડ વી બની ગયો છે. ગોળમટોળ ચહેરો અને ભારે શરીરવાળા પુરુષો માટે આ શૅપ મેજિકનું કામ કરશે. બ્રોડ વી નેકલાઇનના કારણે બલ્કી બૉડી છુપાઈ જાય છે.

સ્કૂપ નેક :  થોડા સમયથી યંગ એડલ્ટમાં કોલર બૉન એટલે કે ગળાના હાડકાં દેખાડવાનો ટ્રેન્ડ છે. જિમ અને ડાયટને ફોલો કરતાં પુરુષોમાં કોલર બૉનને અક્સપોઝ કરવાનો જબરો ક્રેઝ છે. તમને પણ આવો ભડભડિયો હોય તો સ્કૂપ નેક ટી-શર્ટ પહેરો.

ટર્ટલ નેક : મોટા મોટા લેજન્ડ અને આઇકોનિક પર્સનાલિટી ધરાવતાં પુરુષોને જોશો તો તમને ટર્ટલ નેકની મહત્વતા સમજાઈ જશે. સ્ટીવ જૉબ્સની આ સિગ્નેચર સ્ટાઇલ હતી. વાસ્તવમાં આ સ્ટાઇલ ઘણી જૂની છે, પરંતુ સ્ટીવ જૉબ્સના કારણે પોપ્યુલર બની. બિઝનેસ મિટિંગ્સમાં ટર્ટલ નેક ટી-શર્ટ પર જેકેટ અથવા બ્લેઝર પહેરીને જશો તો બધામાં જુદા તરી આવશો. જમાના પ્રમાણે આ સ્ટાઇલ તમારા વોર્ડરોબમાં એસેન્શિયલની કૅટેગરીમાં આવે છે.

કાઉલ નેક : અત્યારે ટી-શર્ટ અને કુર્તા બન્નેમાં આ નેક ચાલે છે. બારીમાં લગાવેલા કર્ટનમાં પ્લીટ્સ હોય એવી જ પ્લીટ્સ કાઉલ નેકમાં હોય. આગળ કાઉલ નેક અને પાછળ હુડી હોય એવા ટી-શર્ટ યંગ બૉયઝને ગમે છે. જોકે, કુર્તામાં વધારે સારી લાગતી હોવાથી ઓકેશનલી ફોલો કરો.

પુરુષોના આઉટફિટની નેકલાઇનમાં આ સિવાય પણ ઘણાં વેરિએશન છે. પાયલ કહે છે, ‘મૅન્ડેરિન મોસ્ટ કૉમન અને એવરગ્રીન સ્ટાઇલ છે જેમાં ગળાથી રાઉન્ડ શેપ અને પછી ત્રણ-ચાર બટન હોય. મૅસ્ક્યુલર બૉડી ધરાવતા પુરુષોમાં ક્રૂ અને વી કૉમ્બિનેશનવાળી હેનલી નેકલાઇનનું આકર્ષણ જોવા મળે છે. પોલો ટી-શર્ટની ફૅશન પણ ક્યારેય જૂની થવાની નથી. નેકલાઇનની ચૉઇસમાં બેઝિક ફૅશન સેન્સ સાથે ટ્રિક અપનાવશો તો ડિઝાઇનરને અપૉઇન્ટ કર્યા વગર તમારી ઇમેજ ચેન્જ થઈ જશે.’

columnists Varsha Chitaliya