બૅગ ચાર્મ્સ હવે જૂનાં થયાં, માર્કેટમાં આવ્યો બેલ્ટેડ બૅગ્સનો નવો ક્રેઝ

04 June, 2026 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમારી હૅન્ડબૅગ પર હજી પણ કી-ચેઇન, ફૅન્સી દોરીઓ કે સૉફ્ટ રમકડાં લટકી રહ્યાં છે તો સમજી લો કે તમારી ફૅશન જૂની થઈ ગઈ છે

બેલ્ટેડ બૅગ્સ

ફૅશનની દુનિયા દર સેકન્ડે બદલાય છે. યુવતીઓ પોતાની હૅન્ડબૅગ પર જાતજાતનાં રમકડાં, કી-ચેઇન અને પટ્ટા લટકાવતી જોવા મળતી હતી જેને ફૅશનની ભાષામાં બૅગ ચાર્મ્સ કહેવાય છે. ધીરે-ધીરે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. બૅગ પર એક્સ્ટ્રા-ઍક્સેસરીઝ લટકાવવાનો જમાનો ગયો, હવે બેલ્ટેડ બૅગ્સનો નવો ટ્રેન્ડ ફૅશનની દુનિયા પર રાજ કરી રહ્યો છે.

નામ સાંભળીને એવું ન વિચારતા કે આ કમર પર બાંધવાનો બેલ્ટ છે. અહીં વાત થઈ રહી છે એવી સુંદર હૅન્ડબૅગ્સ અથવા મોટી ટોટ બૅગ્સની જેની ડિઝાઇન પર ખાસ પ્રકારનાં બેલ્ટ અને બક્કલ્સ ફિક્સ કરેલાં હોય છે. જાણે બૅગે પોતે જ એક સુંદર પટ્ટો પહેર્યો હોય એવો આ લુક લાગે છે. કેટલીક પ્રખ્યાત બ્રૅન્ડ્સે આવી બૅગ્સ માર્કેટમાં ઉતારી છે જે ફૅશનપ્રેમીઓમાં હૉટ ફેવરિટ બની ગઈ છે.

હવે લોકોને એવી બૅગ ગમે છે જે પહેલેથી જ તૈયાર અને સુંદર દેખાતી હોય, જેમાં ઉપરથી કંઈ લટકાવવું ન પડે. ઑફિસમાં લઈ જવાની મોટી બૅગ હોય, ખભા પર લટકાવવાનો થેલો હોય કે પછી ક્રૉસમાં ભરાવવાની નાની બૅગ - અત્યારે બધી જ બૅગમાં બેલ્ટવાળી ડિઝાઇન જોવા મળી રહી છે.

આ બૅગ્સ બહુ ભપકાદાર કે આંખોને ખૂંચે એવી નથી હોતી છતાં એમાં એક અલગ જ પ્રકારની રૉયલ્ટી અને ક્લાસ જોવા મળે છે. એમની ડિઝાઇન સાદી હોવા છતાં ખૂબ જ એલિગન્ટ હોય છે જેને કારણે એ ફૉર્મલથી લઈને કૅઝ્યુઅલ દરેક લુક સાથે સરળતાથી મૅચ થઈ જાય છે.

બેલ્ટેડ બૅગ્સની ખાસ ઓળખ એના પર લગાવવામાં આવેલા લેધરના પાતળા પટ્ટામાં અથવા આકર્ષક બક્કલમાં છુપાયેલી છે. એક સમય હતો જ્યારે આ પટ્ટા માત્ર બૅગને બંધ રાખવા માટે વપરાતા હતા, પરંતુ આજે એ જ બૅગનું સૌથી મોટું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયા છે. બૅગ પર વીંટળાયેલો બેલ્ટ કે સુંદર બક્કલ એને સ્ટ્રક્ચર્ડ, પૉલિશ્ડ અને લક્ઝુરિયસ લુક આપે છે, જેને કારણે એ ફૅશનપ્રેમીઓમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.

સ્ટાઇલ કઈ રીતે કરશો?

બેલ્ટેડ બક્કલ બૅગને સ્ટાઇલ કરતી વખતે સૌથી મહત્ત્વની વાત એ છે કે બૅગના બક્કલ અને મેટલ ડીટેલ્સને હાઇલાઇટ થવા દો. એને માત્ર સામાન રાખવાની બૅગ નહીં પરંતુ સ્ટેટમેન્ટ જ્વેલરીની જેમ ટ્રીટ કરો.

બૅગના બક્કલ અને મેટલ ડીટેલ્સ મુખ્ય આકર્ષણ રહે એ માટે ભારે નેકલેસ અથવા વધુ ઍક્સેસરીઝ પહેરવાનું ટાળો.

મોટી અને સ્ટ્રક્ચર્ડ બૅગ સાથે થોડાં ફિટેડ કપડાં પહેરવાથી લુક વધુ બૅલૅન્સ્ડ લાગે છે.

બૅગના ગોલ્ડ કે સિલ્વર બક્કલને તમારી ઘડિયાળ, વીંટી અથવા અન્ય ઍક્સેસરીઝના મેટલ સાથે મૅચ કરો. 

મિનિમલ આઉટફિટ સાથે બેલ્ટેડ બૅગ સૌથી વધુ આકર્ષક દેખાય છે, કારણ કે એ આખા લુકનું ફોકલ પૉઇન્ટ બની જાય છે.

fashion fashion news life and style lifestyle news columnists