કોડીનાં તોરણ, ગ્લાસવર્કવાળાં હૅન્ગિંગ્સ, કંદીલ અને આવું તો ઘણું બધું છે

23 October, 2019 03:21 PM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

કોડીનાં તોરણ, ગ્લાસવર્કવાળાં હૅન્ગિંગ્સ, કંદીલ અને આવું તો ઘણું બધું છે

પાર્લાની ખોખા માર્કેટમાં આવેલી તોરણ નામની દુકાનમાં મળતા કેટલાક અનોખા દીવા પર પણ નજર ફેરવી લો. ૧૦૦ રૂપિયાથી ૫૦૦ રૂપિયા સુધીની રેન્જમાં આવા અફલાતૂન દીવા ઉપ્લબ્ધ છે.

દિવાળીની શૉપિંગ માટે મુંબઈમાં ભુલેશ્વર, લુહાર ચાલ અને ક્રૉફર્ડ માર્કેટની દુકાનોમાં અત્યારે એટલી ભીડ છે કે એકાદ વસ્તુ લેવી હોય તો પણ ઓછામાં ઓછો અડધો કલાક ઊભા રહેવાની તૈયારી રાખજો. વરાઇટી પણ એટલી બધી અવેલેબલ છે કે તમે શૉપિંગ કરીને ધરાશો જ નહીં.

ભુલેશ્વરમાં આ વર્ષે અસ્સલ ગુજરાતી કલ્ચરને અનુરૂપ આર્ટવર્કનાં તોરણમાં ઘણી નવી વરાઇટી આવી છે. કૅન્વસના કાપડ પર પૅચવર્ક, આભલા, કોડી અને જડતરકામ કરેલાં તોરણો ખૂબ જ અટ્રૅક્ટિવ લાગે છે. આ તોરણોની ડિઝાઇન એવી છે કે દિવાળી પછી પણ બારેમાસ બારણામાં લટકાવી રાખો તો સુંદર લાગશે. સાંકડી ગલીમાં આવેલા શાંતિ કલેક્શનમાં કોડીના તોરણની સાથે સાઇડમાં લટકાવી શકાય એવાં હૅન્ગિંગ્સ અને શુભ-લાભ લખેલાં ચાકડાં લેવા મહિલાઓ રીતસરની પડાપડી કરતી જોવા મળી હતી. દુકાનના માલિક લલિત પટવાનું કહેવું છે કે ‘આ વર્ષે તોરણ અને લટકણમાં જે વરાઇટી આવી છે એમાં હાથબનાવટ છે. ગુજરાતના કારીગરો દ્વારા બનાવવામાં આવેલાં પરંપરાગત તોરણો અને ચાકડાંની ડિઝાઇનમાં દેશી ભરતકામ કરેલું છે. કોડી અને આભલાને કારણે દેખાવમાં પણ હેવી લાગે છે. આ સિવાય ઑલટાઇમ ફેવરિટ મોતીનાં તોરણોમાં પણ આ વખતે નવી ડિઝાઇનનો ઉમેરો થયો છે.’ 

ભુલેશ્વર બજારથી થોડે દૂર આવેલા લુહાર ચાલ વિસ્તારમાં દીવા અને કોડિયાનું સુપર કલેક્શન છે. આખા મુંબઈમાં તમને ક્યાંય દીવાનું આવું કલેક્શન જોવા નહીં મળે. માટીનાં, મેટલનાં અને ગ્લાસનાં એમ જુદા-જુદા ઘણા ઑપ્શન છે. ક્રૉફર્ડ માર્કેટમાં ગ્લાસની બનાવટના હૅન્ગિંગ્સ અને ટેબલ પર મૂકવાના ફ્લોટિંગ દીવા થોડા મોંઘા છે, પરંતુ એનો લુક જોતાં લઈ લેવાનું મન થઈ જાય. લુહાર ચાલમાં વર્ષોથી દિવાળીમાં ખાસ કોડિયાનું વેચાણ કરતા શિવાજીભાઉ શિંદે કહે છે, ‘ઉંબરામાં અને ગૅલરીમાં મૂકવાના ઊંચા કદના દીવા આ વર્ષે ડિમાન્ડમાં છે. આ ઉપરાંત જૂના જમાનાનાં ફાનસ પણ પાછાં બજારમાં આવી ગયાં છે. એમાં આ વખતે માટીનાં અને કાચનાં એમ બન્ને વરાઇટી ઉપલબ્ધ છે. સાદા માટીનાં કોડિયાં અને આર્ટિફિશ્યલ લાઇટ્સ ધરાવતા દીવા જોકે કૉમન છે, પણ લોકો એને ખૂબ પસંદ કરે છે.’

ગ્રાહકોને દર વર્ષે કંઈક હટકે જોઈતું હોય છે. હાથથી બનાવેલી વસ્તુ થોડી મોંઘી પડે છે પણ લુક જોયા બાદ તેઓ વધુ કચકચ કરતા નથી. ભરતકામ કરેલાં પરંપરાગત તોરણો ૩૦૦થી ૫૦૦ રૂપિયાની રેન્જમાં અને આજુબાજુમાં લટકાવવાનાં હૅન્ગિંગ્સ ૨૦૦થી ૪૦૦ રૂપિયાની રેન્જમાં આરામથી મળી રહે છે. શુભ-લાભનાં ચાકડાંની રેન્જ ૫૦૦ રૂપિયાની આસપાસ છે. દીવામાં તો ૫૦ રૂપિયાથી શરૂ કરીને ૧૦૦૦ રૂપિયા સુધીન મળે છે. જોકે મોટા ભાગના શૉપકીપર ભાવતાલ કરે છે એ જોતાં લાગે છે કે કે મંદીની થોડી અસર છે.

દિવાળીમાં માત્ર ૧૫ દિવસ માટે ભરાતી આ કંદીલબજારની ખાસિયતો પણ જાણી લો

તોરણ અને દીવા માટે ભુલેશ્વરથી ક્રૉફર્ડ માર્કેટનો પટ્ટો પૉપ્યુલર છે તો કંદીલ માટે તમારે માહિમમાં આવેલા કંદીલબજારની મુલાકાત અચૂક લેવી. વિસ્તાર માહિમનો છે પણ વેસ્ટર્ન માટુંગાથી વૉકેબલ ડિસ્ટન્ટમાં આવેલી આ બજારની ખાસિયત એ છે કે વર્ષમાં માત્ર ૧૫ દિવસ જ ભરાય છે. બાકીના દિવસોમાં અહીં સામાન્ય દુકાનો હોય છે. અહીંના એક વેપારી રામદાસ પાટીલ કહે છે કે ‘અમે દોઢ મહિન પહેલાંથી ઘરના તમામ સભ્યો કંદીલ બનાવવાના કામે લાગી જઈએ છીએ. દર વર્ષે નવી અને હટકે આઇટમ બજારમાં મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. આ વર્ષે અમે એમડીએફ વુડનો ઉપયોગ કરીને કંદીલ બનાવ્યાં છે. એમાં ગણેશજી, ફૂલ-પાન, હૅપ્પી દિવાલી એમ જુદી-જુદી ડિઝાઇન કરી છે. લેઝર કટિંગ દ્વારા મૂકવામાં આવેલી લાઇટિંગથી આ ડિઝાઇન ઊભરીને દેખાય છે. માત્ર ૧૦૦થી ૭૦૦ રૂપિયામાં મળતાં આ કંદીલ ફોલ્ડિંગ હોવાથી એને દિવાળી પછી બૉક્સમાં મૂકીને સાચવી શકાય છે.’

કંદીલ-માર્કેટમાં આંટો મારો તો મૂંઝાઈ જાઓ એટલી વરાઇટી છે. આ વર્ષે સાડીમાંથી બનાવેલાં જરીવાળાં અને લેસ મૂકેલાં કંદીલ પણ આવી ગયાં છે. આ પ્રકારનાં કંદીલ બનાવતા સંજય કાંબળે કહે છે, ‘અમે જુદા-જુદા વર્કવાળી સાડીઓ જથ્થાબંધ ખરીદી લઈએ છીએ. સાડીને પાથરીને કંદીલના કટિંગ પ્રમાણે એને વેતરીને ચીપકાવી દઈએ. ટીકી ચોંટાડેલી, જરીવાળી બૉડર્રવાળી સાડી વધુ પસંદ કરીએ. આખી ભરેલી સાડી હોય તો વેસ્ટ ઓછું થાય. આ કંદીલ દેખાવમાં કોઈ સાડીનો પાલવ હોય એવું લાગે. મહિલાઓને આ ડિઝાઇન ખૂબ પસંદ પડી છે. સાડીની ડિઝાઇનવાળાં કંદીલની કિંમત ૭૦૦થી ૯૦૦ રૂપિયા સુધી છે.’

આ પણ વાંચો : આ દિવાળીએ ગિફ્ટમાં આપો ઘરે જાતે બનાવેલી ચૉકલેટ્સ

કંદીલ માટે પ્રચલિત આ બજારમાં તમને બીજી પણ અનેક વરાઇટી જોવા મળશે. ગ્રાહકોને નવી-નવી ડિઝાઇન જોઈતી હોય છે એથી કારીગરો દર વર્ષે નવા એક્સપરિમેન્ટ કરે છે અને લોકોને પસંદ પણ પડે છે. દુકાનમાં ખરીદી કરતા ગ્રાહકોનું કહેવું છે કે ડિઝાઇન કોઈ પણ હોય આકાશ કંદીલ (હવામાં લટકતાં) જ બેસ્ટ છે.’

fashion news Varsha Chitaliya