09 February, 2026 02:43 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક સમય હતો કે જ્યારે દેશનું બજેટ બનતું હતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સુરક્ષાની નીતિને ધ્યાનમાં રાખીને બજેટમાં હથિયારો અને તોપ ખરીદવા માટે મોટું બજેટ માગ્યું હતું પણ નેહરુએ એનો વિરોધ કર્યો હતો કે અત્યારે દેશની બીજી આવશ્યકતા મોટી છે એટલે આપણે એના પર ધ્યાન આપવું જોઈએ. નેહરુની વાત ખોટી હતી એવું નહોતું પણ એ પૂર્ણપણે સત્ય નહોતી. સમજવું રહ્યું કે જો તમે દુશ્મનોથી ઘેરાયેલા હો તો તમારે બાવડાંની તાકાત પુરવાર કરવી જ રહી.
નરેન્દ્ર મોદી જ્યારથી વડા પ્રધાન બન્યા છે ત્યારથી તેમની સરકાર દ્વારા રજૂ થતા બજેટમાં સુરક્ષા પાછળનો ખર્ચ મોટો થતો જાય છે અને આ સારી વાત છે. એક વાત સદા યાદ રાખવી. નબળાની પત્ની બનવા કરતાં સબળાની રખાત બનવું સારું. નબળાની પત્નીને કોઈ પણ અટકચાળો કરી શકે પણ સબળાના ઉપવસ્ત્ર સામે જોવાની હિંમત કોઈ ચમરબંધી પણ ન કરે. તાકાત બહુ મહત્ત્વની છે. હા, એ તાકાત કોને દેખાડવી અને કેટલી દેખાડવી એ વ્યક્તિગત વિષય થઈ જાય છે.
વર્ષો પહેલાં ભારતને કોઈ પણ અટકચાળો કરી જતું. કારણ એક જ હતું કે આપણી પાસે સેના હતી; પણ એ સેનામાં શૌર્ય વધારે એવાં હથિયારો, એવાં ઉપકરણો નહોતાં એટલે છતી સેનાએ પણ આપણે નમાલા પુરવાર થતા હતા. ભારતના ઇતિહાસમાં જેટલાં પણ યુદ્ધ થયાં છે એ તમામ યુદ્ધમાં છેલ્લાં બે યુદ્ધ એટલે કે ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ અને કારગિલ યુદ્ધ આ બે જ યુદ્ધ એવાં છે જેમાં આપણે ખુમારી સાથે સામનો કર્યો, પણ એ સિવાયનાં બધાં યુદ્ધમાં આપણે નામોશીભરી હાર કે પીછેહઠ જ કરી છે.
સેના તો બહાદુર હતી જ પણ આપણી પાસે એ બહાદુરી વ્યક્ત કરવા માટે યોગ્ય માત્રામાં શસ્ત્ર-સરંજામ નહોતો. હવે આપણી પાસે આધુનિક હથિયારો છે અને એમાં ઉત્તરોત્તર વધારો પણ થતો જાય છે. આ બહુ સારી સાઇન છે. આની માટે પહેલાં જાગવાની જરૂર હતી પણ પ્રજાની કમનસીબીએ થોડા મોડા જાગ્યા. પણ મોડા જાગવાની બાબતમાં ફરિયાદ કરતા બેસી રહેવા કરતાં અગત્યનું એ છે કે જાગી ગયા. ભારતનું ભાવિ બહુ ઉજ્જવળ છે અને એની નિશાની એ છે કે આપણી સેના દિવસે-દિવસે વધારે મજબૂત થતી જાય છે. મજબૂત થતી આ સેનાને લીધે જ હવે દેશમાં આતંકી હુમલાઓની માત્રા ઘટી છે અને સીમા પર થતાં છમકલાંઓમાં પણ રોક આવી છે. જો હજી પણ જૂના દિવસો હોત તો સેંકડો લોકો પાડોશી દુશ્મનોને કારણે હોમાયા હોત. પૂર્વ અને પશ્ચિમમાં બેઠેલા દુશ્મનો હવે કંઈ પણ કરતાં પહેલાં લાખ વખત વિચાર કરતા થયા છે એનું કારણ એ જ છે કે હવે આપણી સેના શસ્ત્રોક્ત રીતે મજબૂત બની છે.