ઈશ્વરને કરુણા કરવાનું મન થાય અને તે મનુષ્યદેહ આપે

07 June, 2023 01:11 PM IST  |  Mumbai | Morari Bapu

જેમ ભોજનના ખટરસ છે એમ અધ્યાત્મના ચાર રસ છે

મિડ-ડે લોગો

આપણે વાત કરીએ છીએ જીવનની અને હવે આપણે વાત કરવાની છે જીવનના ઘટકની.

જેમ ભોજનના ખટરસ છે એમ અધ્યાત્મના ચાર રસ છે. આ ચારેય રસને લીધે જ જીવનનું બંધારણ ઘડાય છે. આ રસ જીવનમાં વધતા-ઓછા પ્રમાણમાં હોય જ. જીવનના જે ચાર ઘટક છે એ પૈકીનો પહેલો રસ છે, ભોગરસ.

અધ્યાત્મ મંડપના ચાર પાયા પૈકીનો પહેલો રસ એટલે આ ભોગરસ. એ નિરંતર ઘટતો રહે છે. જેમ-જેમ ભોગ ભોગવતા જઈએ એમ-એમ એમાંથી રસ ઘટતો જશે. વૃદ્ધિનું તત્ત્વ આ રસમાં રહેતું નથી અને એ જીવનનો સંકેત પણ છે.

બીજા નંબરનો ઘટક છે શાંતરસ.

શાંતરસમાં સામર્થ્ય બહુ છે. કહ્યું છેને કે ધરે શરીર શાન્તરસ બે. શાંતરસથી શક્તિ અર્જિત થાય, વ્યક્તિમાં સ્થિરતા આવે, મનની ચંચળતા જતી રહે. સંકલ્પ-વિકલ્પો જતા રહે અને મન શાંત થવા માંડે. આવું બને ત્યારે સમજવું, માનવું, ધારવું કે શાંત રસનો પ્રભાવ હવે જીવનમાં વિસ્તર્યો છે.

ત્રીજો ઘટક એટલે ભાવરસ.

ભાવરસ અખંડ હોઈ શકે, પણ અનંત નથી. ભક્તો મોટા ભાગે આ રસમાં ગળાડૂબ હોય છે. પ્રેમરસનો પ્યાલો જેણે પીધો હોય એ ભાવસાગરમાં ડૂબકી માર્યા વિના રહી જ ન શકે, એ ભાવરસમાં તણાયા વિના રહી જ ન શકે.

ચોથો અને મહત્ત્વનો ઘટક છે, પ્રેમરસ.

પ્રેમરસ એ અખંડ છે અને અનંત પણ છે. પ્રતિ ક્ષણ વર્ધમાન છે. એ વધે જ, ઘટે નહીં. અવિરત, વિક્ષેપમુક્ત, આવરણમુક્ત, મળમુક્ત અને એટલે જ સદાય અખંડ રહી જીવનને એક નવો રાગ આપે છે.

જીવનના ઘટકોની સાથોસાથ જીવનનું મહત્ત્વ પણ સમજવું જરૂરી છે.

મનુષ્યદેહ એ કર્મનું ફળ નથી, પણ ક્યારેક ઈશ્વરને કરુણા કરવાની મોજ આવે અને એ કરુણા કરી દે, એમાં મનુષ્યદેહ મળી જાય છે. અકારણ સ્નેહ કરનાર ઈશ્વર ક્યારેક કરુણા કરીને શરીર આ જીવને આપે છે. એથી ‘બડે ભાગ માનુષ તનુ પાવા.’

માનવ સિવાયની કોઈ પણ યોનિમાં પ્રગતિ જ નથી થઈ. આદિ સૃષ્ટિ

જ્યારથી ઉત્પન્ન થઈ ત્યારથી મચ્છર હજી મચ્છર છે અને સિંહ સિંહ જ છે. એમનો કોઈ વિકાસ નથી. એક લાખ વર્ષ પૂર્વેનો વાઘ જેવો હશે એવો જ અત્યારે છે. એના ખોરાકમાં, એની ત્રાડમાં, એના સ્વભાવમાં કોઈ પરિવર્તન નથી. માણસ રોજ જુદો દેખાય, એથી મનુષ્યશરીર મળ્યું એ સદ્ભાગ્ય છે. મનુષ્ય ૧૦ વર્ષ પહેલાં હતો ત્યારે જેવો લાગતો હતો એવો બીજાં ૧૦ વર્ષ પછી નહીં લાગે. એ તદ્દન નવો લાગશે. આ જીવનનું મહત્ત્વ છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

culture news columnists Morari Bapu