પ્રગતિ જોઈતી હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

08 July, 2026 02:02 PM IST  |  Mumbai | Morari Bapu

વિકાસ સ્પર્ધાથી થાય અને વિનાશ ઈર્ષ્યાથી થાય. પોતાની લીટી લાંબી કરવી એ સ્પર્ધા છે, પરંતુ બીજાની લીટી ટૂંકી કરવી એ ઈર્ષ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રગતિ માટે કેટલીક આવશ્યકતાઓની પૂર્તિ કરવી જોઈએ. જો એ પૂર્ત‌િ કરવાની ક્ષમતા હોય તો પ્રગતિ સામે ચાલીને તમારી પાસે આવે.

માણસે વિકાસ કરવો હોય તો ૩ વસ્તુ ખાસ જોઈશે. પહેલું છે તપ, બીજા નંબરે છે સ્વાધ્યાય અને ત્રીજા નંબરે આવે છે વિવેકપૂર્ણ દૃષ્ટિ. કોઈ પણ પ્રકારના દ્વંદ્વને પ્રસન્નતાથી સહન કરી લેવું એ તપ છે અથવા નિંદા અને સ્તુતિ બન્ને સહન કરી લેવાં એ તપ છે. તટસ્થ રીતે બીજી વ્યક્તિ બનીને પોતે કરેલા અભ્યાસનું નિરીક્ષણ કરવું અને પુનરાવર્તન કરવું એ સ્વાધ્યાય છે. ત્રીજી બાબત વિવેકપૂર્ણ દૃષ્ટિ છે જે સદ્ગુરુની કૃપાથી મળે છે. તપ અને સ્વાધ્યાય પોતે કરવાનાં છે. એમાં પણ ગુરુકૃપા હોય તો શક્ય બને છે. જોકે એ બન્ને સાધક પર વધુ નિર્ભર છે, પણ વિવેકપૂર્ણ દૃષ્ટિ માટે તો કેવળ હરિકૃપા એકમાત્ર સાધન છે. 

વિકાસ સ્પર્ધાથી થાય અને વિનાશ ઈર્ષ્યાથી થાય. પોતાની લીટી લાંબી કરવી એ સ્પર્ધા છે, પરંતુ બીજાની લીટી ટૂંકી કરવી એ ઈર્ષ્યા છે.

એક વાત યાદ રાખજો કે સિદ્ધિથી વધારે શુદ્ધિ જરૂરી છે. ૮ વખત શુદ્ધ શબ્દ માનસમાં આવ્યો છે. જેમ કે અષ્ટ સિદ્ધિ છે. પ્રગતિ ત્યારે કહેવાશે જ્યારે અહીં લખેલી સિદ્ધિ હનુમાનજી દેશે.
(૧) અમને ક્લેશથી મુક્ત કરી દો. (૨) અમને અવિદ્યાથી મુક્ત કરી દો. (૩) અમને સ્વાર્થથી મુક્ત કરો. (૪) અમારી કાયરતા દૂર કરો. (૫) અમને વિદ્યાનું બળ આપો. (૬) અમને તકલીફોથી મુક્ત કરો. (૭) અમને રામનાં ચરણોમાં રાખો અને (૮) અમને વિચારમુક્ત કરો.

આ દેશે જગતને મોટા મહંતોની ભેટ આપી છે, પરંતુ જે જીવનમાં શુદ્ધ છે એમની વધારે જરૂર છે.

માણસ સબળ હોય એ ફક્ત પર્યાપ્ત નથી. સબળ તો કેટલાય હોય છે. રાવણની સબળતા રામચરિતમાનસે પણ સ્વીકાર કરતાં કહ્યું છેઃ 

કર જોરેં સુર દિસિપ બિનીતા
ભ્રૂકુટિ બિલોકિત સકલ સ‌ભીતા

રાવણના મુખ પર નહીં, રાવણની ભ્રૂકુટિ પર દેવતાઓની દૃષ્ટ‌િ રહે છે કે ક્યારે ભ્રૂકુટિ ભંગ થાય, ક્યારે અમને આદેશ આપવામાં આવે? ડરતા રહેતા હતા બધા એવો સબળ રાવણ હતો. માણસમાં બહુ બળ હોય, પણ ફક્ત બળવાળો માણસ બહુ સફળ નથી થતો. 

માણસ સબળની સાથે સરળ હોવો જોઈએ. જો સબળતા હો, સરળતા પણ હો અને ત્રીજી વાત ખૂટે છે, જો સજળતા ન હો. આંખોમાં પ્રેમ અને કરુણાનાં આંસુ ન હોય તો વ્યક્તિ કદી સફળ યા સુફળ નહીં થઈ શકે. ગમે એટલી મુશ્કેલી આવે છતાં ધીરતા ધારણ કરે એનું નામ વિજયી.

culture news life and style lifestyle news columnists exclusive gujarati mid day Morari Bapu