✕

દુ:ખ ન જોઈએ એવું માનવાને બદલે ચાલો નક્કી કરીએ કે કોઈને દુ:ખ ન આપવું

05 November, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુખ જોઈએ એ આપણી જે માન્યતા છે એના સ્થાને સુખ આપવું જોઈએ એ માન્યતાને આપણે ગોઠવી દેવી જોઈએ અને દુખ ન જોઈએની આપણી જે માન્યતા છે એના સ્થાને દુઃખ આપવું ન જોઈએ એ માન્યતાને આપણે ગોઠવી દેવી જોઈએ.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

સદ્ગુણો મારા આકર્ષણનો વિષય ન બન્યા હોય એ સંભવિત છે, પણ સુખ? એ તો મારા આકર્ષણનો વિષય કાયમ માટે બન્યું જ રહ્યું છે. દુર્ગુણો પ્રત્યે મારા મનમાં નફરત ન જન્મી હોય એ સંભવિત છે, પણ દુઃખ પ્રત્યે? એ તો કાયમ માટે મારી નફરતનો વિષય જ બન્યું છે. અત્તર મને હંમેશાં નથી પણ ગમ્યું, પણ વિષ્ટાથી તો હું હંમેશાં દૂર જ રહ્યો છું. ગંગાજળ મારી પસંદગીનો વિષય નથી, પણ બન્યું તોય ગટરજળ તો મારી અરુચિનો વિષય બની જ રહ્યું છે. ટૂંકમાં, બધું જ ઉત્તમ અને બધું જ શ્રેષ્ઠ કદાચ મારા આકર્ષણનો વિષય નથી પણ બન્યું તોય બધું જ અધમ અને બધું જ કનિષ્ટ તો મારી અરુચિનું અને મારી નફરતનું વિષય બની જ રહ્યું છે.

દાતરડા જેવો પ્રશ્ન જે છે તે આ છે કે મારું સુખ જ મને ગમે છે કે પછી બીજાના સુખ માટે પણ હું પ્રયત્નશીલ બન્યો રહું છું? મારું દુખ જ મને ત્રાસરૂપ લાગે છે કે પછી બીજા પર આવેલું દુખ, બીજાને પડતી તકલીફ પણ મને અકળાવે છે?

જીવનને સાચે જ જો આપણે નિખાર આપવા માગીએ છીએ તો આપણી કેટલીક માન્યતામાં આપણે આમૂલચૂલ બદલાવ લાવી દેવો જોઈએ.

સુખ જોઈએ એ આપણી જે માન્યતા છે એના સ્થાને સુખ આપવું જોઈએ એ માન્યતાને આપણે ગોઠવી દેવી જોઈએ અને દુખ ન જોઈએની આપણી જે માન્યતા છે એના સ્થાને દુઃખ આપવું ન જોઈએ એ માન્યતાને આપણે ગોઠવી દેવી જોઈએ.

જવાબ આપો. તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં રોજ સવારે કચરો કાઢવા આવતા માણસને તમે જોયો તો હશે જને? કચરો કાઢતા ઊડી રહેલી ધૂળ તેના નાકમાં અને ગળામાં જતી પણ તમે જોઈ જ હશેને? તમને ક્યારેય તે માણસ માટે માસ્ક ખરીદવાનું મન થયું ખરું? દસ-વીસ કે વધીને પચીસ રૂપિયાનો આવતો સારી ક્વૉલિટીનો માસ્ક તેના શરીરને ખાંસી-શરદી-કફ-દમ જેવી બીમારીનો શિકાર બનતાં અટકાવી શકે છે એવો તમને ક્યારેય વિચાર પણ આવ્યો ખરો? જો આ પ્રયોગ ન કર્યો હોય તો એક વાર કરી જોજો. માસ્ક મળી જવાથી તે માણસના ચહેરા પર ફરકી જતું સ્મિત નિહાળીને તમે કદાચ સ્તબ્ધ થઈ જશો. કોરોનાથી વધારે ભયાનક વિષાણુ તો આજે પણ હવામાં છે. એની સાથે રોજ પનારો પાડતા પેલા નાના માણસ વિશે કેમ ક્યારેય કોઈને વિચાર નથી આવતો?

પ્રવચનમાં આ જ વાત કરી અને બીજા દિવસે એક ભાઈ તેમના દીકરા સાથે આવ્યા.

‘મહારાજસાહેબ, દીકરાને આશીર્વાદ આપો.’ ભાઈએ વાત શરૂ કરી, ‘ગઈ કાલે પહેલી વાર પ્રવચન સાંભળવા તે મારી સાથે આવ્યો અને એમાં તમે માસ્કની વાત કરી. એ વાત તેને એવી તે સ્પર્શી ગઈ કે નવો મોબાઇલ લેવા માટે તે જે પૈસા ભેગા કરતો હતો એ પૈસાના માસ્ક લઈ આવ્યો અને આજે સવારે બધા સફાઈ-કર્મચારીઓને આપી આવ્યો.’

‘કેટલા રૂપિયા ભેગા કર્યા હતા?’

‘લાખ રૂપિયા...’ યુવકે હાથ જોડ્યા, ‘૩૦૦૦ માસ્ક આવ્યા.’

બચતના લાખ રૂપિયા ૩૦૦૦ના કરોડો શ્વાસને શુદ્ધ કરી ગયા એનાથી મોટી ઉદારતા અને સત્ત્વશીલ વાત બીજી કોઈ હોય?

being human human rights jain community culture news lifestyle news life and style